વાપીના ચણોદ માં આવેલ સેન્ટ મેરી સ્કૂલમાં વિદ્યાર્થીઓએ જય શ્રી રામ ના નારા લગાવ્યા બાદ માફીપત્ર લખાવવાના અને તે બાદ હિન્દૂ સંગઠનો, વાલીઓના વિરોધમાં શાળા સંચાલકોએ માફી માંગી છંછેડેલા વિવાદનો સુખદ અંત આવ્યો છે. આ ઘટના દરમ્યાન પોલીસે પણ સાવચેતી રાખી હોય આગામી દિવસોમાં પણ શાંતિપૂર્ણ માહોલ બની રહે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વલસાડ ગ્રામ્ય DYSP વી. એન. પટેલે મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરી છે.
વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચણોદ કોલોનીમાં આવેલ સેન્ટ મેરી સ્કુલ કમ્પાઉન્ડમાં 11મી માર્ચે ધોરણ -9 માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ દ્વારા ”જય શ્રીરામ” ના નારા લગાવ્યા હતાં. જેથી શાળાના શિસ્ત કમીટીના હેડ કલ્પેશ ભગતે વિદ્યાર્થીઓને ઓફીસમાં બોલાવી માફીપત્રક લખાવ્યું હતું. જે સબંધે વિદ્યાર્થીઓના વાલીને જાણ કરતા તેમજ સોશીયલ મીડીયામાં બનાવ વાયરલ થયો હતો. બન્ને વિદ્યાર્થીઓના વાલી તથા વલસાડ જીલ્લા વિ.હિ. પરિષદના ઉપાધ્યક્ષ નરેન્દ્રભાઇ પાયક તથા 15 જેટલા કાર્યકરોએ મીડીયાની હાજરીમાં શાળા ઉપર પહોચી શાળાના આચાર્યને મળી ઉપરોક્ત બનાવ સબંધે રજુઆત કરી હતી.
આ ઘટના અંગે DYSP વી. એન. પટેલે વિગતો આપી હતી કે, કલ્પેશ ભગત શાળાના શિક્ષકને માફી માંગવા તેમજ ફરીવાર આવી ભુલ ન થાય એ સબંધે બાંહેધરી આપવાની માંગણી હિન્દૂ સંગઠનો અને વાલીઓએ કરી હતી. બનાવ સબંધે તાત્કાલિક પોલીસ સ્થળ ઉપર પહોચી બનાવની વિગત જાણી હતી. બન્ને પક્ષો સમાધાન માટે તૈયાર હોય જેથી શાળાના સંચાલકોને જાણ થતા તરત જ 13મી માર્ચે વિદ્યાર્થીઓના વાલી તથા શાળાના સંચાલક / આચાર્ય દ્વારા ખેદ વ્યક્ત કરી, ફરી આવો કોઈ બનાવ ન બને તે બાબતે કલ્પેશ ભગત તથા શાળાના ઈન્ચાર્જ આચાર્ય સેવિઓ ક્રિષ્ટો કુટીનો દ્વારા સ્કુલના લેટરપેડ ઉપર વિ.હિ.પરીષદના આગેવાનો તથા મીડીયાના મિત્રોની હાજરીમાં માફીપત્ર લખી આપ્યો હતો.
બન્ને પક્ષ વચ્ચે સુખદ સમાધાન થતા તેમજ શાળાના ઇન્ચાર્જ આચાર્ય દ્વારા શિસ્ત કમીટીના હેડ કલ્પેશ ભગતને બોલાવી હવે આવી ભુલ બીજીવાર ન થાય તે બાબતે ચેતવણી આપી લેખીતમાં ઠપકો આપ્યો છે. શાળામાં રાબેતા મુજબ વિધાર્થીઓનો અભ્યાસ ચાલુ છે. ઉપરોક્ત બનાવ સબંધે હાલમાં વાપી વિસ્તારમાં કોઈ ઘેરા પ્રત્યાઘાતો પડેલ નથી તેમ છંતા કોઇ અનઇચ્છનીય બનાવ ન બને તેના તકેદારી સ્વરૂપે જરૂરી પોલીસ બંદોબસ્ત તથા પેટ્રોલીંગ રાખવામાં આવેલ છે.
પોલીસ દ્વારા શાળા સંચાલક મંડળ તથા શાળાના આચાર્ય તથા શિક્ષકગણને શાળામાં આવો કોઇ બનાવ બને તો સીધેસીધા બાળક સાથે આ રીતેનું વર્તન કે પગલાં ભરતા બાળમાનસ પર એની વિપરીત અસર પડે છે . જેથી આવો બનાવ બને ત્યારે વાલીમંડળનો સંપર્ક કરી પ્રશ્નનું નિરાકરણ કરવા સુચના આપવામાં આવી હોવાનું અને આગામી દિવસોમાં પણ શાંતિપૂર્ણ માહોલ બની રહે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વલસાડ ગ્રામ્ય DYSP વી. એન. પટેલે મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરી છે.