Saturday, December 21News That Matters

ઉધારમાં ગુટકા લેવા જવાની ના પાડતા મજુરે મંગેતર ને ઉતારી દીધી મોત ને ઘાટ, પુરાવાના નાશમાં કોન્ટ્રાકટર સહિત ત્રણની ધરપકડ

વલસાડ જિલ્લાના વલવાડા ગામે મજૂરી કરવા આવેલા એક મજુરે તેની જ મંગેતરનું ગળું દબાવી હત્યા કરી નાખી છે. આરોપીએ તેની મંગેતર ને ગુટખા લેવા જવાનું કહ્યા બાદ યુવતીએ ના પાડતા તેની હત્યા કરી લાશને ઝાડની ડાળ સાથે લટકાવી દીધી હતી. પોલીસે હત્યારા આરોપી સહિત ત્રણની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના વલવાડા ગામે મજૂરી કરવા આવેલી યુવતીના શંકાસ્પદ મૃતદેહની તપાસમાં યુવતીની હત્યા થઈ હોવાની અને તે હત્યા યુવતીના જ મંગેતરે ગુટખા લેવા જવાની સામાન્ય બાબતે કરી હોવાની વિગતો સાથે ભિલાડ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી મહત્વની સફળતા મેળવી છે.
જે અંગે વાપી ડિવિઝનના ASP શ્રીપાલ શેષમાં એ વિગતો આપી હતી કે ગત 6ઠ્ઠી માર્ચે નિતા નામની મજૂર યુવતીનો મૃતદેહ ભિલાડ સરકારી હોસ્પિટલમાં આવ્યો હતો. જે શંકાસ્પદ જણાતા તેનું ફોરેન્સિક PM કરવામાં આવ્યું હતું. જેમાં તેની ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવતા આ મામલે યુવતીના મંગેતર જગદીશ જાદવ, કોન્ટ્રાકટર શૈલેષ પ્રજાપતિ અને ચંદુ પાવર નામના 3 આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
યુવતીની હત્યા અંગે મંગેતર જગદીશ જાદવની પૂછપરછ માં કબુલ્યું હતું કે તેને ગુટખાનું વ્યસન હોય, નિતા ને નજીકની દુકાનેથી ઉધાર માં ગુટખા લેવાનું કહ્યું હતું. જેની નિતાએ ના પાડી હતી. જે બાદ નિતા નજીકમાં શૌચક્રિયા માટે ગઈ ત્યારે તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. અને લાશને અપઘાતમાં ખપાવવા ગળે રહેલ દુપટો આંબાની ડાળ સાથે બાંધી લાશને લટકાવી દીધી હતી.
આ ઘટનામાં નિતાની બહેન અને અન્ય મજૂરોએ તેમજ કોન્ટ્રાકટર શૈલેષ પ્રજાપતિએ નિતાની શોધખોળ કરતા તેનો મૃતદેહ ઝાડની ડાળી સાથે લટકતો મળી આવ્યો હતો. જેને જોઈ કોન્ટ્રાકટર શૈલેષ પ્રજાપતિએ અને ચંદુ પવાર નામના ઇસમે નીચે ઉતારી ચેક કરતા તેમાં જીવ હોવાનું માની ભિલાડ સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોને યુવતી પડી ગઈ હોવાનું જણાવી ગેરમાર્ગે દોર્યા હતાં. જ્યારે પોલીસે પૂછપરછ કરી તો તેની લાશ આંબાની ડાળે લટકતી હોવાનું જોયા બાદ તેને નીચે ઉતારી હોસ્પિટલે લાવ્યા હોવાનો ખુલાસો થયો હતો. જેમાં ઝાડ સાથે લટકાવેલ દુપટ્ટાને કોન્ટ્રાકટર શૈલેષ પ્રજાપતિના કહેવાથી ચંદુ પવાર નામના મજૂરે ચાકુ વડે કાપ્યો હતો. અને તેને છુપાવી દઈ પુરાવાનો નાશ કરવામાં મદદગારી કરી હતી. આ ઘટનામાં પોલીસે હત્યારા જગદીશ સહિત ત્રણેયની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે મૃતક નિતા અને તેનો પરિવાર મૂળ નવસારી જિલ્લાના ચૌઢા ગામનો વતની છે. જ્યારે આરોપી જગદીશ જાદવ ધરમપુર ના માલનપાડાનો રહેવાસી છે. જેની સાથે નિતાની સગાઈ કરવામાં આવી હતી. બન્ને પરિવાર કડીયા કામમાં મજૂરી કરી જીવન જીવતા હોય ભિલાડના કોન્ટ્રાકટર શૈલેષ પ્રજાપતિએ વલવાડામાં વાડી ધરાવતા વાપીના દિનેશ ભાનુશાળી ની વાડી માં તેના બંગલા નું અને સ્વિમિંગ પુલના બાંધકામનું કામ રાખ્યું હોય તમામ મજૂરને કામ માટે બોલાવી વાડી માં રાખ્યા હતાં. જે દરમ્યાન ગુટખા જેવી સામાન્ય બાબતમાં યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જ્યારે કોન્ટ્રાક્ટરે આપઘાતની ઘટનાને અકસ્માતમાં ખપાવવા પડી ગયા બાદ મોત થયું હોવાની કેફિયત રજૂ કરવા પુરાવાનો નાશ કર્યો હોય આ ઘટનાને લઈને હત્યારા પર અને કોન્ટ્રાકટર પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *