ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ વલસાડ જિલ્લાના મોટાભાગના વાલીઓ પોતાના બાળકોને શાળાએ લઈ જવા – લાવવા માટે ખાનગી માલિકીની ઓટો રીક્ષા અથવા વાન ભાડેથી મેળવતા હોય છે. જેમાં બાળકોની સુરક્ષા અને સલામતી રહે તે માટે વલસાડ જિલ્લા RTO કચેરી દ્વારા મોટર વ્હીકલ એક્ટ- 1988 મુજબ કાયદાનો અમલ કરવા તાકીદ કરી છે. જો કે, આ નિયમોનું સંજાણ આસપાસની સ્કૂલ વર્ધિ વાળા છડે ચોક ઉલ્લંઘન કરતા કેમેરામાં કેદ થયા છે.મોટર વ્હીકલ એક્ટ-1988 મુજબ સ્કુલનાં બાળકોને શાળાએ લાવવા-લઈ જવા માટે વપરાતા વાહનો હંમેશા ટ્રાન્સપોર્ટ વર્ગ એટલે કે પીળી નંબર પ્લેટવાળા હોવા જરૂરી છે. સ્કુલ વર્ધીનું વાહન અને તેમાં લઈ જવાના વિદ્યાર્થીઓનો માન્ય વીમો, ટેક્ષ, પરમીટ, પી.યુ.સી, ફીટનેશ હોવું જોઈએ. વાહનનાં ચાલક અધિકૃત ડ્રાઈવીંગ લાઈસન્સ ધરાવતા હોય તે પણ મોટર વ્હીકલ એક્ટ-1988 મુજબ જરૂરી છે. દરેક વાહનમાં પ્રાથમિક સારવારની પેટી બિનચૂક રાખવી જોઈએ. દરેક વાહનમાં જરૂરી અગ્નિશામક સાધનો ફરજીયાત રાખવા જોઈએ. આવા વાહન ઉપર તેના માલિકનું નામ અને ટેલિફોન નંબર અવશ્ય લખેલા હોવા જોઈએ. સ્કુલ વાનના દરવાજા સારી ગુણવત્તાવાળા લોકથી બંધ થતા હોવા જોઈએ. દરેક વાનમાં સ્કુલ બેગ સલામત રાખવા માટે જરૂરી જગ્યા રાખવી જોઈએ. સીટ કુશન સાદી સપાટીવાળું હોવું જોઈએ, વાહનમાં બાળકોના દફતર ડાબી તથા જમણી બાજુએ બહાર લટકાવી શકાશે નહિ. વાહન ઉપર આગળની બાજુએ, ડાબી બાજુએ, જમણી બાજુએ તથા પાછળના ભાગમાં પીળા બેકગ્રાઉન્ડ ઉપર લાલ રંગમાં સ્કુલ વાન શબ્દ ચિતરવાના રહેશે. ડ્રાઈવરની સીટ ઉપર કોઈપણ બાળકને બેસાડી શકાશે નહિ. સ્કુલ વર્ધીના વાહનોમાં 12 વર્ષ સુધીના બાળકો માટે 1 સીટ દીઠ 2 બાળક બેસી શકે તેવી કાયદાકીય જોગવાઈ છે. આનાથી વધારે બાળકો બેસાડી બાળકોનું પરિવહન કરવાનું રહેશે નહિ. આ વિગતો શાળાનાં બાળકોનાં હિતમાં જાહેર જનતાને નોંધ લેવા વલસાડ જિલ્લાના ઈન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું હતું. જો કે, સંજાણ આસપાસની શાળાઓમાં આ RTO ના આ નિયમો પૈકીના મોટાભાગના નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે. આવી જ એક ખાનગી શાળા સંજાણ નજીક ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલી છે. આ શાળાના બાળકોને ઇકો અને રિક્ષામાં સંજાણ તરફ લાવતા હતા ત્યારે સંજાણ રેલવે ગરનાળા પાસે તમામ વાહનો કેમેરામાં કેદ થયા હતાં. જેમાં બાળકોને ઘેટાં બકરાની જેમ ભર્યા હોવાનું ફલિત થયું છે. તો, RTO ના નિયમોની ઐસીતૈસી થતી જોવા મળી હતી હવે મામલે RTO કચેરી કેવી ગંભીર નોંધ લે છે તે જોવું રહ્યું.