ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં અપાતું પીવાનું પાણી ગંદું અને ડહોળું આવતાં અહીંના રહીશોમાં રોષ ફેલાયો છે. જે પીવા કે વાપરવા લાયક પણ નહીં હોવાનું અહીંના રહીશોએ બળાપો કાઢ્યો છે.ડહોળા અને બિનપીવાલાયક પાણી અંગે રહીશોએ જણાવ્યું હતું કે આવા પાણીથી રહીશોના સ્વાસ્થ્ય પર ખતરો ઊભો થાય તેમ છે. હાલ જ્યારે વરસાદી વાતાવરણ છે, ત્યારે આવા ગંદા પાણીથી રોગચાળો વધુ વકરી શકે તેમ હોઇ રહીશો ચિંતિત બન્યા છે. જો આ રીતે રહીશોના આરોગ્ય સાથે ચેડાં થશે અને જો સત્વરે પાલિકા દ્વારા શુદ્ધ પાણી આપવામાં નહીં આવે તો રહીશો ઉપરી અધિકારીઓને ફરિયાદ કરશે.ઉલ્લેખનિય છે કે, હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. સ્થાનીક રહીશો દ્વારા ડહોળું પાણી આવતાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. ચોમાસામાં, ઉનાળા જેવી ડબલ ઋતુમાં તાવ અને ખાંસી – શરદીનો વાવર માથું ઉચકી શકે એમ છે. ત્યારે ગંદા પાણીના કારણે નગરમાં રોગચાળો ફેલાવાની દહેશત સેવાઇ રહી છે. તો જવાબદાર તંત્ર દ્વારા તાકીદે નિવારણ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.