Friday, January 31News That Matters

ઉનાળાની કાળઝાળ ગરમીમાં સેલવાસ સાતમાલિયા ડિયર પાર્કના વન્યજીવો માટે વન વિભાગે ઉભી કરી વિશેષ વ્યવસ્થા

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં દપાડા ગામે આવેલું સાતમાલિયા ડિયર પાર્ક પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. 310 હેક્ટરમાં ફેલાયેલા આ અભ્યારણ્યમાં ચિતલ, સાબર, નીલગાય જેવા 500 થી વધુ વન્ય જીવો વસવાટ કરે છે. જેઓ માટે ઉનાળાની કાળઝાળ ગરમી ને ધ્યાને રાખી દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. આ અભ્યારણ્યની વર્ષ 2023-24 દરમ્યાન 80 હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.

ગુજરાત – મહારાષ્ટ્ર ના પ્રવાસીઓને વન્ય જીવો નો અલભ્ય નજારો પૂરો પાડતા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાતમાલિયા ડિયર પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર છે. 310 હેકટરમાં પથરાયેલ આ અભ્યારણ્યમાં નીલગાય, ચોસિંગા, સાબર, ચિતલ જેવા 500 થી વધુ વન્યજીવો કુદરતના ખોળે ધીંગા મસ્તી અને કિલ્લોલ કરી રહ્યા છે.

દાદરા નગર હવેલી ફોરેસ્ટ જણાવ્યા મુજબ સાતમાલિયા અભ્યારણ્ય કુદરતી ડુંગરાળ વિસ્તાર ધરાવે છે. જેમાં વિપુલ પ્રમાણમાં વન્યસંપતિઓ આવેલી છે. અહીં વસવાટ કરતા વન્યજીવો ને આખું વર્ષ નિરાંત્તે ખોરાક પાણી મળી રહે એવી કુદરતી અને માનવ સર્જિત વ્યવસ્થા વનવિભાગે કરેલી છે. આ પાર્કમાં 372 ચિત્તલ, 159 સાબર અને 3 નીલગાય ઉપરાંત વિવિધ પ્રજાતિના પક્ષીઓ વસવાટ કરી રહ્યાં છે. કેટલાક યાયાવર પક્ષીઓ પણ આ અભ્યારણ્ય ની સમયાંતરે મુલાકાત લેતા હોય છે. સ્થાનિક પક્ષીઓ પણ મોટે પાયે વસવાટ કરી રહ્યાં છે.

પ્રવાસીઓ માટે સદાય આકર્ષણનું કેન્દ્ર રહેતા આ ડિયર પાર્કમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્યજીવોને ખોરાક પાણી મળી રહે અને એમનું સ્વાસ્થ્ય જળવાય રહે એ માટે વન વિભાગે વિશેષ વ્યવસ્થા ઉભી કરી છે. ગરમીના દિવસોમાં વહેલી સવારે વન્યજીવો ને ખોરાક આપવા માટે કેરટેકર વિષેશ અવાજ દ્વારા એસેમ્બલી પોઇન્ટ પર તમામને એકઠા કરે છે. જયાં એમને કેટલ ફીડ, જુવાર બાજરીના પીલિયા, શેરડીની ચીમરી અને સૂકો ઘાસચારો આપવામાં આવે છે.

અભિયારણમાં પીવાના પાણી માટે કુદરતી તળાવ, ચેકડેમ અને કુત્રિમ તળાવ છે. ગરમીમાં તળાવમાં પાણીનો પૂરતો જથ્થો રહે એ માટે કૂવા અને નદીના પાણીને પાઇપલાઇનથી લાવી ઓવરહેડ ટાંકી વડે તળાવમાં અવિરતપણે ઠાલવવામાં આવે છે. આ પાણી વડે વન્યજીવો પોતાની તરસ છીપાવે છે.

તળાવમાં પાણીના કારણે આજુબાજુના મોટા વૃક્ષો લીલાછમ રહેતા કુદરતી છાંયડો પણ મળી રહે છે. સેલવાસ વન વિભાગ મૂંગા પ્રાણી પક્ષીઓ માટે ખોરાક પાણી ની ઉત્તમ વ્યવસ્થા દર વર્ષે કરે છે. તો, દર વર્ષે 2જી ઓકટોબર થી 14જૂન સુધી આ અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવે છે. જ્યારે 14જૂન થી 2 ઓકટોબર દરમ્યાન ચોમાસાના દિવસો હોય તેમજ વન્ય જીવો માટે આ સમયગાળો મેટિંગ નો હોય પાર્ક પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે.

સામાન્ય દિવસોમાં અંહી પ્રવાસીઓ માટે 25 રૂપિયા ટિકિટનો દર નક્કી કરાયો છે. પ્રવાસીઓને વન વિભાગ દ્વારા ઉભી કરાયેલ વાહનની વ્યવસ્થામાં વન્ય જીવોને નજીકથી નિહાળવાનો અવસર પૂરો પડાય છે. આ વર્ષે અત્યાર સુધીમાં 80 હજાર પ્રવાસીઓએ આ પાર્કની મુલાકાત લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *