ગુજરાત સરકારે હાલમાં જ 15 મી જૂને ( લવ જેહાદ ) ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021 નો નવો સુધારેલો કાયદો અમલમાં મુક્યો છે. જે અંતર્ગત વડોદરામાં પ્રથમ કેસ નોંધાયા બાદ વલસાડ જિલ્લાના વાપીમાં બીજો કેસ નોંધાયો છે. જેમાં એક પરિણીત મુસ્લિમ યુવકે પડોશમાં રહેતી હિન્દુ યુવતીને બહેલાવી ફોસલાવી તેમના ભાઈને મારી નાખવાની ધમકી આપી લગ્ન કરવા મજબુર કરી ઇન્દોર લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતાં.
વાપીમાં ગુજરાતના બીજા અને દક્ષિણ ગુજરાતના આ પ્રથમ લવ જીહાદના કેસ અંગે વાપી ડિવિઝનના DYSP વી. એમ. જાડેજાએ પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી કે ગત 10 મી જૂને ભોગ બનનાર પીડિતાની માતાએ વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની 19 વર્ષની દીકરીને પડોશમાં રહેતો વિધર્મી યુવક ભગાડીને લઈ ગયો છે. આ ફરિયાદની ગંભીરતા જોયા બાદ વાપી ટાઉન પોલીસે તપાસ હાથ ધરી યુવક યુવતીને મધ્યપ્રદેશના ઈન્દોર ની એક ચાલમાંથી ઝડપી લઈ વાપી લાવ્યાં હતાં.
વાપીમાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે વિધર્મી યુવક ઇમરાન અન્સારી તેને પ્રેમજાળમાં ફસાવી છેલ્લા ઘણા સમયથી લગ્ન માટે દબાણ કરતો હતો. અને જો તે તેની સાથે લગ્ન નહિ કરે તો તેના ભાઈને મારી નાખવાની ધમકી આપતો હતો. યુવક પરિણીત હોવા છતાં પીડિતાને ડરાવી ધમકાવી બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવી લગ્ન કરવાના ઇરાદે પહેલા અજમેર લઈ ગયો હતો. જ્યાં પીડિતા તેને વશ નહિ થતા તાવીજ બંધાવી મધ્યપ્રદેશ ના ઇન્દોરમાં લઈ જઈ મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતાં.
વાપી પોલીસે હાલ પીડિતાને વિધર્મી યુવકના સકંજામાંથી છોડાવી તેના પરિવારને સોંપી છે. જ્યારે આરોપી વિરુદ્ધ ગુજરાત ધર્મ પરિવર્તન સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021 કલમ -4 તથા IPC એક્ટ 366,376 ( 2 ) N , 506 ( 2 ) મુજબ ગુન્હો દાખલ કરી હાલના કાયદા મુજબ DYSP કક્ષાના અધિકારીએ તપાસ કરવાની હોય એ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે હિન્દુ યુવતીને બહેલાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી ભાઈને મારી નાખવાની ધાક ધમકી આપી બળજબરીપૂર્વક લગ્ન કરવાના ઇરાદે ભગાડી જઇ મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધનાર ઇમરાન અન્સારી મૂળ વેસ્ટ બંગાળનો છે. અને વાપીમાં પોતાના 3 ભાઈ સાથે મોબાઇલની દુકાન ધરાવે છે. તેમના આ કૃત્યથી હાલ તેમના પર ફિટકાર વરસી રહ્યો છે. તો પરિણીત હોવા છતાં હિન્દુ યુવતીને ધાકધમકી આપી લગ્ન કરવાના ઇરાદે જેલ ભેગો થતા પોતાની પત્નીની, પીડિતાની અને ખુદ પોતાની જિંદગીને દોજખ બનાવી દીધી છે.