વાપી :- વાપીમાં આવેલી આદિત હોસ્પિટલમાં 20 દિવસથી સારવાર હેઠળ રહેલા દર્દીને વધુ સારવાર માટે સુરત લઈ જતી વખતે હોસ્પિટલના તબીબની પત્નીએ દર્દીને પૈસા ભર્યાં વગર નહિ જવા દેવાની અને બીલને લઈને દર્દીઓના પરિવાર સાથે ઝઘડો કરતી હોય તેવો વીડિઓ વાયરલ થયો હતો. આ વિડીઓને લઈને વાપીમાં ચકચાર મચી ગયા બાદ આ મામલે યોગ્ય ન્યાય મળે, હોસ્પિટલ સામે યોગ્ય તપાસ કરી કડક પગલાં લેવાય તેવી રજુઆત અને ફરિયાદ દર્દીના પરિવારજનો તરફથી કરવામાં આવી રહી હોવાની વિગતો સૂત્રો પાસેથી મળી છે.
મળતી વિગતો મુજબ બુધવારે દર્દીના પરિવારજનોએ આ મામલે આરોગ્ય વિભાગ અને વલસાડ કલેકટરને રજુઆત કરી યોગ્ય ન્યાય મેળવવા તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ઓક્સિજન પર રહેલા દર્દીને એમ્બ્યુલન્સમાં લઈ જતી વખતે દર્દીના સગાને પહેલા પૈસા ભરો પછી પેશન્ટને લઈ જાઓ તેવુ ગુસ્સામાં કહેતી અને સ્ટ્રેચર પર રહેલા પેશન્ટને લઈ નહિ જવા એમ્બ્યુલન્સના સ્ટાફને આદેશ કરી દર્દીના પરિવાર સાથે ઝઘડો કરતી ડોકટર પત્નીનો વીડિઓ વાયરલ થયો હતો.
દર્દીના સગાઓ તરફથી આ મામલે સોશ્યલ મીડિયામાં વીડિઓ વાયરલ કર્યા બાદ જિલ્લામાં ચકચાર મચી ગઇ હતી. દર્દી ના પરિવારજનોએ અફસોસ વ્યક્ત કર્યો હતો કે રોજના 50 હજાર સુધીનું બિલ ચૂકવતા આવ્યાં હોવા છતાં તબીબની પત્નીએ માનવતા નેવે મૂકી બિલ માટે એમ્બ્યુલન્સને રોકી દઈ ઝઘડો કર્યો હતો.
કોરોના કાળમાં વાપીમાં તબીબોની દર્દીઓ સાથે અને દર્દીના પરિવારજનો સાથે કરવામાં આવતી દાદાગીરીની આવી ગંભીર ઘટનાઓ આ પહેલા પણ 21st સેન્ચ્યુરી, નિરામયા હોસ્પિટલ, સંવેદના હોસ્પિટલમાં પણ બની ચુકી છે. જેમાં સરકારના નિયમ કરતા વધુ બિલ વસૂલવા, બિલ માટે દર્દીના મૃતદેહને નહિ સોંપવા, બિલ માટે કાર જમા કરાવી લેવા જેવી ઘટનાઓ બની ચુકી છે. ત્યારે વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ આ અંગે યોગ્ય તાપસ કરી કડક કાર્યવાહી કરે તેવી માંગ લોકોમાં ઉઠી છે.