Friday, December 27News That Matters

દમણમાં મોદી સરકારના 7 વર્ષની ઉજવણીનો ફિયાસ્કો! રક્તદાન કેમ્પમાં માત્ર 4 યુનિટ રક્ત એકત્ર થયું

રિપોર્ટ :- ગુરુ G.

દમણ :- દમણમાં 30મી મેં ના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 7 વર્ષ પૂર્ણ થયા તેની ઉપલબ્ધીમાં દમણ ભાજપ દ્વારા સેવા હી સંગઠન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે દમણ ભાજપના આ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ રક્તદાન કેમ્પમાં માત્ર 4 યુનિટ રક્ત જ એકત્ર થયું હતું. નવાઈની વાત છે કે કેમ્પમાં ફોટા પડાવવા 11 ભાજપના કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતાં. પરંતુ રક્તદાન કરવા આગળ આવ્યા નહોતા. 

ભાજપના સંગઠનમાં સેવા હી  સંગઠન કાર્યક્રમ અંતર્ગત સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ અને દીવ પ્રદેશ ભાજપના અધ્યક્ષ દિપેશ ટંડેલના નેતૃત્વમાં લગભગ 150 જેટલા સ્થળો ઉપર માસ્ક, સેનેટાઈઝર, ભોજન બ્લડ ડોનેશન કેમ્પ, કોરોના વોરિયર્સનું સન્માન વગેરે જેવા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. દમણમાં પણ દરેક વોર્ડમાં જિલ્લા પ્રમુખ અસ્પી દમણીયાની આગેવાનીમાં આ કાર્યક્રમો યોજાયા હતા. જે અંતર્ગત દમણના માછી મહાજન સ્કૂલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ફિયાસ્કો થયો હતો. સવારથી સાંજ સુધીના બ્લડ ડોનેશન કેમ્પમાં માત્ર 4 રકતદાતાઓએ જ રક્તનું દાન કર્યું હોવાનું દમણ રક્તદાન કેન્દ્રમાંથી જાણવા મળ્યું હતું. જ્યારે, ફોટા પડાવવા 11 કાર્યકરો કેમ્પમાં ઉત્સાહભેર ફોટા પડાવતા જોવા મળ્યા હતાં.
જ્યારે અસ્પિ દમણીયા દ્વારા દમણના વિવિધ વોર્ડમાં અંદાજિત 5000 જેટલા માસ્કનું અને 2000 જેટલા સેનેટાઈઝરનું વિતરણ કર્યું હોવાનું જણાવ્યું હતું. જ્યારે ઓછા રક્તદાન અંગે તેમણે કહ્યું હતું કે હાલમાં શહેરમાં ચાલતા lockdown અને વેક્સિનેશન કાર્યક્રમના કારણે રક્તદાતાઓમાં ઉત્સાહ ખુબ જ ઓછો જોવા મળ્યો હતો.
આ તરફ દમણ ભાજપે બહાર પાડેલ પ્રેસનોટમાં સેવા હી સંગઠન કાર્યક્રમમાં અધ્યક્ષ દીપેશ ટંડેલ ના નેતૃત્વમાં પક્ષે મોટો મીર માર્યો હોય તેવા વખાણ કર્યા હતાં. જેમાં મહિલા મોરચા દ્વારા દમણમાં ચલાવવામાં આવતા રસોડા દ્વારા અને સેલવાસ પ્રદેશ યુવા મોરચા દ્વારા 700 લોકોને ભોજન પૂરું પાડવામાં આવ્યું છે. દાદરાનગર હવેલી અને દમણ-દીવનાં ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પોતાના વિસ્તારમાં અલગ-અલગ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલે ખાનવેલ સ્વાસ્થ્ય કેન્દ્ર પર જઈ કોરોના વોરિયર્સ નું સન્માન કર્યું હતું.
જ્યાં પોતાન સંબોધન નરેન્દ્ર મોદી સરકારના આ સાત વર્ષની ઉપલબ્ધિઓ ગણાવતા જણાવ્યું હતું કે  હાલના કોરોના કાળમાં આરોગ્યક્ષેત્રે  35000 કરોડનું બજેટમાં ફાળવ્યું છે. પી. એમ. કેર ફંડમાં કોરોના માટેની આરોગ્યની સાધન સામગ્રી માટે 7000 કરોડ એકત્ર કર્યા છે. ભારતમાં હાલ વિશ્વનું સૌથી મોટું વેકસીનેશન અભિયાન ચાલી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 22 કરોડથી વધુ લોકોએ વેકસીનના ડોઝ લીધા છે. ટૂંકમાં વિકાસની ગાથા રજૂ કરવાના દિવસે જ વિશ્વની સૌથી મોટી પાર્ટીના બણગાં ફૂંકતા કાર્યકરો બણગાં ફૂંકવા, ફોટા પડાવવા આગળ આવ્યા પરન્તુ હાલમાં જેની તાતી જરૂરિયાત તેવા રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવા આગળ આવ્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *