ગણેશ મહોત્સવનું વિસર્જન અને ઈદ એ મિલાદ પર્વ એક જ દિવસ એવા 28મી સપ્ટેમ્બરે આવતા હોય કોમી એખલાસ જળવાય રહે તે માટે બન્ને સમાજના આગેવાનો સાથે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલા, DYSP બી. એન. દવે દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાપીના VIA હોલ ખાતે આયોજિત આ શાંતિ સમિતિની બેઠકમાં વલસાડ જિલ્લા પોલીસ વડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે વાપીમાં બંને ધર્મના અગ્રણીઓની ઈચ્છા છે કે બંને તહેવાર એક જ દિવસે ઉજવવામાં આવે એટલે વાપીમાં સવારથી બપોરના 12:00 વાગ્યા સુધીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા 15 જેટલા ઝુલુસ કાઢવામાં આવશે. બપોર પછી હિન્દુ સમાજ દ્વારા સ્થાપિત ગણપતિની 100 જેટલી પ્રતિમાના વિસર્જન માટે વિસર્જન યાત્રા કાઢવામાં આવશે. આ યાત્રાઓમાં બંને ધર્મના લોકો ઝુલુસનું અને વિસર્જન યાત્રાનું સ્વાગત કરી કોમી એખલાસ સાથે તહેવારોની ઉજવણી કરશે. તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે, આ દિવસે વલસાડ શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા નિકળનારા ઝુલુસને એ દિવસે મુલતવી રાખી 29 સપ્ટેમ્બરે કાઢશે.
19મી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીથી વલસાડ જિલ્લામાં કુલ 1500 જેટલા ગણપતિની સ્થાપના કરવામાં આવશે. એ જ રીતે 28મી સપ્ટેમ્બરે ઇદ એ મિલાદના પર્વ નિમિત્તે જિલ્લામાં 21 જેટલા ઝુલુસ નીકળવાના છે. 28 સપ્ટેમ્બરના ગણેશ વિસર્જનના અંતિમ દિવસે જિલ્લામાં 346 મોટા ગણપતિની પ્રતિમા અને 148 નાના ગણપતિ ની પ્રતિમા મળી કુલ 494 પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. આ બંને તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય ક્યાંય કોઈ જ અસામાજિક પ્રવૃત્તિ થાય નહીં, આવી પ્રવૃત્તિઓ સામે નાગરિકો પોલીસનું ધ્યાન દોરે તેવી અપીલ વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાએ કરી હતી.
આ દિવસોમાં પોલીસ ફોર્સ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગણપતિના આયોજકો સાથે ડીજે ના આયોજકો સાથે અને ઝુલુસના આયોજકો સાથે બેઠક યોજાઈ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ શાંતિ સમિતિની બેઠકમાં જિલ્લા પોલીસ વડા દ્વારા ગણેશ પંડાલોમા CCTV કેમેરા લગાડવા સહિત પંડાલોમા રાત્રિ દરમિયાન જુગાર, દારૂની કોઈ મહેફિલો મંડાઇ નહીં તે માટે આયોજકો દ્વારા સાવચેત રહેવા સૂચન કર્યા હતા. તેમજ આગામી દિવસોમાં જિલ્લા પોલીસ વડા દ્વારા દરેક સમાજને જાગૃત અને શિક્ષિત કરવા માટે વલસાડ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાના વિશેષ વર્ગ ચલાવવા અંગે આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશ સાથે ગુજરાત રાજ્યમાં ગણેશ મહોત્સવનું મોટાપાયે આયોજન કરવામાં આવે છે. ત્યારે 28મી સપ્ટેમ્બરે હિન્દુ મુસ્લિમ ધર્મના લોકો પોતાના ધર્મના તહેવારો ઉજવી શકે તે માટે વલસાડ શહેર બાદ વાપીમાં આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં વાપી ટાઉન, વાપી ડુંગરા, જીઆઇડીસી પોલીસ મથકના પીઆઇ, PSI, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ સતિષ પટેલ, મુસ્લિમ સમાજના અગ્રણી અને જમીયત ઉલમાં ટ્રસ્ટ વાપીના પ્રમુખ ઇન્તેખાબ ખાન, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પૂર્વ પ્રમુખ કમલેશ પટેલ, વાપી નોટિફાઇડ એરીયાના ચેરમેન હેમંત પટેલ સહિત બંને ધર્મના આગેવાનો, ગણેશ મંડળના અને ઝુલુસના આયોજકો મળી અંદાજિત 1000 લોકો ઉપસ્થિત રહ્યા હતા.