Friday, October 18News That Matters

વાપીમાં વિકાસના ખાતમુહરત પ્રસંગે રસ્તા-ગટરની સમસ્યાઓથી ત્રસ્ત મહિલાઓએ નાણાપ્રધાન સામે બળાપો ઠાલવ્યો

વાપી નગરપાલિકા વિસ્તારમાં ચોમાસા દરમિયાન બિસ્માર બનેલા રસ્તાઓ, વરસાદી ગટર, ઓવર હેડ પીવાના પાણીની ટાંકી અંડરગ્રાઉન્ડ સંપ અને સોલીડવેસ્ટ મેનેજમેન્ટ સાઈટના અપગ્રેડેશનનું નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજિત 10 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરાનારા આ વિકાસના કામોના ખાત મુહરત દરમ્યાન સતાધાર સોસાયટીમાં રસ્તા-ગટરની સમસ્યાઓથી ત્રસ્ત મહિલાઓએ નાણાપ્રધાન સામે બળાપો ઠાલવ્યો હતો. 
વલસાડ જિલ્લામાં આ વર્ષે ચોમાસા દરમ્યાન 125 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં વાપી નગરપાલિકા વિસ્તારમાં રહેવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જે આક્રોશ ચલા ખાતે સતાધાર સોસાયટીમાં 10 કરોડના વિકાસના કામોના ખાતમુહરત કરવા આવેલા કનુભાઈ દેસાઈ અને નગરપાલિકાના સત્તાધીશો સામે સ્થાનિક રહેવાસીઓ ઠાલવતા પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત ચીફ ઓફિસર છોભિલા પડ્યા હતાં.
ખાતમુહૂર્તના આ કાર્યક્રમ પ્રસંગે સતાધાર સોસાયટીમાં સ્થાનિકોએ નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ અને નગરપાલિકાના સતાધિશો સામે પોતાનો ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો કે દર વખતે રસ્તા બને છે. પરંતુ તે બાદ તે બિસ્માર બને છે. ગટરોનું વરસાદી પાણી તેઓના ઘરમાં ઘૂસી જાય છે. ઘરમાં વરસાદી પાણીનો ભરાવો ભારે આપદા સર્જે છે. એટલે જો રસ્તા કે ગટર બનાવો તો એવી બનાવો કે જેનાથી લોકોને તકલીફ પડે નહીં, વરસાદમાં તો તમામ વરસાદી પાણી ઘરમાં ઘુસી જાય છે. મહિલાઓની આ રજૂઆતને લઈને 10 કરોડના ખાતમુહરતના ઉન્માદ માં રાચતા નાણાપ્રધાન અને પાલિકાના સત્તાધીશો શરમજનક સ્થિતિમાં મુકાયા હતાં. જો કે મહિલાઓની રજૂઆતો સાંભળી કનુભાઈ દેસાઈએ ઓળીયોઘોળીયો પાલિકા પ્રમુખ પર નાખતા આખરે પાલિકા પ્રમુખે ખાતરી આપી હતી કે ગટરનું અને રસ્તાનું કામ એ રીતે થશે કે જેનાથી આવતા વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાવાની કોઈ જ સમસ્યા રહેશે નહીં.

ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકા વિસ્તારમાં રવિવારે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે અંદાજિત 10 કરોડ રૂપિયાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. એક તરફ વરસાદી માહોલ હોવા છતાં પણ નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વરસાદમાં ભીંજાઈને પણ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં ડુંગરા ખાતે આઝાદ નગરમાં નવા પીવાના પાણીની ઓવર હેડ ટાંકી અને અંડરગ્રાઉન્ડ સંપ, સુલપડ કોળીવાડ વિસ્તારમાં બોક્સ ગટરના કામ, મૈત્રી નગરમાં સિમેન્ટ કોન્ક્રીટ રોડ, ચલા વિસ્તારમાં કુદરતી વહેણની ગટર ઉપર RCC લાઇનિંગ, ટાઈમ સ્ક્વેર કરસનજી પાર્કની હયાત ગટરને જોડતી RCC પાઇપલાઇન, સતાધાર સોસાયટીમાં મુખ્ય રસ્તા અને આંતરિક રસ્તા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સાઈટને અપગ્રેડેશન કરવાના કામનું  ખાતમુહૂર્ત કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *