વાપી :- કોરોના મહામારી દરમ્યાન પણ બુટલેગરો અવનવા કિમીયા સાથે દમણથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતા અચકાતા નથી. વાપી ટાઉન પોલીસે દમણથી સુરત જતી મહિલા પાસેથી 22,650નો દારૂ જપ્ત કર્યો છે. જ્યારે ભડકમોરા ખાતે કારમાંથી 1,05,600નો દારૂ ઝડપ્યો હતો. જો કે કાર ચાલકો પોલીસને ચકમો આપી નાસી ગયા હતા.
ST બસમાં સુરત દારૂ લઈ જતી મહિલા ઝડપાઇ…
વાપી ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ આધારે વાપી બસ ડેપો પર 6 મહિનાના બાળક સાથે આવેલ સુરતની મહિલા પાસેથી પોલીસે 22,650 રૂપિયાનો દારૂ ઝડપ્યો હતો. ટાઉન પોલીસને બાતમી મળી હતી કે દમણના કચીગામથી એક મહિલા એક ઇસમ સાથે મોટરસાયકલ પર દારૂ લઈને આવી રહી છે. પોલીસે બાતમી આધારે GJ15-DA-6526 નંબરની મોટર સાયકલના ચાલક હર્ષદ સોલંકીને અટકાવી તેની પાછળ 6 માસના બાળક સાથે બેસેલ બીજલી નામની મહિલા પાસે રહેલ થેલો તપાસતા તેમાંથી 261 નંગ દારૂની બોટલ અને પાઉચ મળી આવ્યા હતાં.
દારૂ સાથે મહિલા-પુરુષની ધરપકડ…..
પોલીસ તપાસમાં આ દારૂ દમણના કચીગામના નારાયણ ધીરુ પાસેથી લીધો હોવાનું અને સુરતની મહિલા બુટલેગર જમના રવીએ મંગાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે 20 હજારના બાઇક, 22,650નો દારૂ મળી કુલ 42,650 રૂપિયાના મુદ્દામાલ સાથે મહિલા અને પુરુષની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુલપડનો દેવું દારૂ ભરેલી કારનું પાઈલોટિંગ કરતો હતો…..
જ્યારે અન્ય કિસ્સામાં પોલીસે બાતમી આધારે ભડકમોરા ખાતે વોચ ગોઠવી હતી જે દરમ્યાન સુલપડનો દેવું નવીન પટેલ પોતાની કાર નમ્બર GJ15-CJ-0031માં અન્ય ત્રણ ઈસમો સાથે નીકળ્યો હતો. જેની પાછળ જ બીજી કાર નંબર GJ05-KC-7321માં અન્ય એક ઇસમ નીકળ્યો હતો જેને રોકવા જતા દેવુ પોતાની કાર પુરઝડપે હંકારી નાસી ગયો હતો. જ્યારે બીજી કારનો ચાલક કાર મૂકીને નાસી ગયો હતો.
દમણથી દાદરા લઈ જવાતો દારૂ જપ્ત, દેવું સહિત પાંચ બુટલેગરો ફરાર…..
પોલીસે કારમાં તપાસ કરતા કારની સીટના ભાગે અને ડીકીમાં દારૂ-બિયરના બોક્સ મળી આવ્યા હતા. પોલીસે 1,05,600 રૂપિયાની કિંમતના કુલ 38 બોક્સમાં રહેલ દારૂ-બિયરના 1392 ટીન અને 5 લાખની કાર મળી કુલ 6,05,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસને મળેલી વિગત મુજબ આ દારૂ દમણથી દાદરામાં આસિફ નામના ઇસમને આપવા લઈ જવામાં આવી રહ્યો હતો. જે જપ્ત કરવામાં સફળ રહ્યા હતા તો, દેવું સહિત 5 બુટલેગરો અંધારાનો લાભ લઇ ભાગવામાં સફળ રહ્યા હતાં.