ભારત સરકાર દ્વારા G-20 ની ‘વન અર્થ, વન હેલ્થ’ની થીમને ધ્યાનમાં રાખી આઝાદીના અમૃત વર્ષ અંતર્ગત 21મી જૂન 2023ના રોજ “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય”ના નારા સાથે “વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ” અને “હર ઘરના આંગણે યોગ”ની થીમ સાથે 9 માં વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિરના સંકુલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.
તા.21મી જૂન-આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં ઋષિમુનિઓ દ્વારા યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું પણ તેને પૂરતા પ્રમાણમાં જાણી શક્યા ન હતા. આજે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોના કારણે આજે સમગ્ર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે, જે ગૌરવની વાત છે. ખરા અર્થમાં યોગ વિદ્યા હવે સાકાર થઈ રહી છે. યોગથી સ્વાસ્થ્ય અને મન તંદુરસ્ત રહે છે જેથી સમગ્ર વિશ્વ યોગ તરફ વળી રહ્યું છે. તંદુરસ્ત જીવન માટે યોગને એક ભાગ તરીકે બનાવી દેવો જોઈએ એવી પ્રમુખશ્રીએ હિમાયત કરી હતી.
વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું કે, 170 ઉપરાંત દેશો આજે વિશ્વ યોગ દિવસ મનાવી રહ્યા છે. યોગથી લોકોને ફાયદા થઈ રહ્યા છે. જીવનમાં યોગનું ખૂબ જ મહત્વ છે. અમેરિકામાં પણ જોયુ કે, લોકો રોજ વહેલી સવારે યોગ કરે છે જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈને આભારી છે. શારીરિક અને માનસિક બંને રીતે યોગ અસરકારક છે. ગુજરાતમાં યોગનો વ્યાપક પ્રમાણમાં પ્રચાર પ્રસાર થાય, જન સમુદાયમાં યોગ અંગે જાગૃત્તિ ફેલાય અને યોગ પ્રવૃતિ વધુ વિકસે તે માટે રાજ્ય સરકાર દ્વારા 21મી જૂન, 2019ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. યોગને પણ સ્પોર્ટ્સ તરીકેની માન્યતા આપવામાં આવી છે. જેના પરિણામે ખેલ મહાકુંભમાં પણ લોકો ઉત્સાહ દાખવી રહ્યા છે.
આ વેળાએ સુરત ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં થયેલી રાજ્ય કક્ષાની ઉજવણીનું જીવંત પ્રસારણ તેમજ અમેરિકાથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વીડિયો કોન્ફરન્સના ઓનલાઈન માધ્યમથી વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે પ્રેરક ઉદબોધન સૌએ સાંભળ્યું હતું. ત્યારબાદ સૌએ યોગાભ્યાસ કર્યો હતો.
આ પ્રસંગે વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા પોલીસ વડા ડો.રાજદિપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર અતિરામ ચપલોત, નિવાસી અધિક કલેકટર અનસૂયા ઝા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સિનિયર યોગ કોચ તનુજાબેન આર્ય અને બ્રહ્માકુમારીઝના રંજનદીદી ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ જિલ્લા કક્ષાની ઉજવણી તિથલ સ્વામિનારાયણ મંદિર સંકુલ, પારનેરા ચંદ્રમોલેશ્વર મંદિર હોલ અને ઉમરગામના નારગોલના દક્ષિણા વિદ્યાલય હોલ ખાતે થઈ હતી. જ્યારે તાલુકા કક્ષાની ઉજવણી વલસાડ સાંઈબાબા મંદિર હોલ, પારડીમાં પરિયા રોડ-દમણી ઝાપાના સાંઇ દર્શન હોલ, ધરમપુરમાં આદર્શ નિવાસી શાળા, કપરાડામાં આનંદ નિકેતન એકલવ્ય રેસીડેન્શીયલ સ્કૂલ, ઉમરગામમાં એમ.એમ.હાઈસ્કૂલ અને વાપીમાં જીઆઈડીસી પ્રાથમિક શાળા ખાતે થઈ હતી. વલસાડમાં મ્યુનિસિપલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, નગરપાલિકા પાર્કિંગ પ્લોટ, ધરમપુરમાં મહારાણા પ્રતાપ મેરેજ હોલ, પારડીમાં ધીરૂભાઈ સત્સંગ હોલ, વાપીમાં રોફેલ કોલેજ અને ઉમરગામમાં બારિયા સમાજ હોલ ખાતે નગરપાલિકા કક્ષાની ઉજવણી થઈ હતી.
વલસાડ જિલ્લામાં આશરે 1238 જેટલા સ્થળોએ ઉજવણી થઈ હતી. જેમાં સમગ્ર જિલ્લામાંથી અંદાજીત બે લાખથી પણ વધુ લોકો જોડાયા હોવાનો અંદાજ છે. આ પ્રસંગે યોગ સાધકો, શાળાના બાળકો અને જિલ્લાના નાગરિકોએ ઉત્સાહભેર યોગના વિવિધ આસનો કરી સ્વાસ્થ્યની તંદુરસ્તીનો સંદેશ ફેલાવ્યો હતો. આ ઉજવણીમાં જિલ્લાની વિવિધ યોગ સંસ્થાઓ જેવી કે, પતંજલિ યોગ સમિતિ, આર્ટ ઓફ લીવીંગ, લકુલિશ યોગ યુનિવર્સીટી, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, ગાયત્રી ચેતના કેન્દ્ર અને દાદા ભગવાન પરિવારના સાધકો તેમજ કાર્યકરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉન્નતિ દેસાઈ અને સ્મૃતિ દેસાઈએ કર્યુ હતુ.