Friday, January 31News That Matters

વાપીમાં ગુજરાત ગૌરવ યાત્રાના આગમન સાથે વિધાનસભા ચૂંટણી 2022નો ચૂંટણી પ્રચાર, નાણાપ્રધાન કનું દેસાઈએ આપી વિગતો

13મી ઓક્ટોબરે ઉનાઈથી ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં પ્રસ્થાન થનારી ગુજરાત ગૌરવ યાત્રા અને બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનું વાપીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તેમજ વાપીમાં કેન્દ્રના અને કેબિનેટના પ્રધાનો જંગી જાહેર સભાને સંબોધન કરશે તેવી વિગતો રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ આપી હતી.
ગુજરાતની વિધાનસભા ચૂંટણી 2022 ના ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપે ફરી એકવાર નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ગુજરાત ગૌરવ યાત્રાને ગુજરાતના તમામ વિધાનસભા બેઠકો પર ફરતી કરી છે. ગુજરાતના મતદારો ભાજપ સરકારે કરેલા ગુજરાતના વિકાસને જાણે અને ફરી એકવાર આવનારી ચૂંટણીમાં ભાજપને જંગી બહુમત અપાવે તેવા ઉદ્દેશ્યથી ગુજરાતમાં ગુજરાત ગૌરવ યાત્રાની શરૂઆત કરી છે.
ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત બુધવારે ઉનાઈ ખાતેથી કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ તેમજ ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ યાત્રાને લીલી જંડી આપી પ્રસ્થાન કરાવશે. ગુજરાતના વિકાસને લોકો સુધી પહોંચાડનારી આ વિકાસ યાત્રા સંદર્ભે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વાપીમાં પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપી હતી. નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ઉનાઈથી આ યાત્રાનું પ્રસ્થાન કરાવશે. જેમાં એક ગુજરાત ગૌરવ યાત્રા અને બીજી બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા છે.
બંને યાત્રાનું પ્રસ્થાન કરાવ્યા બાદ ગુજરાત ગૌરવ યાત્રા 13મી ઓક્ટોબરે સાંજે 7:00 વાગ્યા આસપાસ વાપીમાં પ્રવેશ કરશે. વાપીના ગુંજન એરિયા વિસ્તારમાં યાત્રા પહોંચશે. ત્યારે યાત્રામાં જોડાયેલ કેન્દ્રના આદિજાતિ વિકાસ મંત્રી અર્જુન મુંડા, ગુજરાતના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી, ભાજપ સંગઠનના પ્રદીપસિંહ વાઘેલા, ગણપતસિંહ વસાવા સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેશે. જે તમામ વાપીમાં જંગી જાહેર સભાને સંબોધન કરશે.
ગુજરાત ગૌરવ યાત્રા સંદર્ભે આયોજિત જાહેર સભામાં અંદાજિત 25000 લોકો ઉપસ્થિત રહેશે. જેમાં સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહેશે. યાત્રાના મુખ્ય ઉદ્દેશ અંગે કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતમાં વિકાસની રાજનીતિ અપનાવી ગુજરાતના વિકાસને અગ્રીમતા આપી હતી. સમગ્ર ભારતના વિકાસમાં પ્રયત્નો કર્યા હતા. વિશ્વને પ્રેરણા આપે તેવા અનેક વિકાસના કામો વડાપ્રધાન મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમ્યાન કર્યા છે. હાલમાં 2014 થી વડાપ્રધાન બન્યા બાદ વિકાસના કામો કરી રહ્યા છે. નરેન્દ્ર ભાઈ મોદીના કારણે જ ગુજરાતમાં 24 કલાક વીજળી મળે છે. ખેડૂતો, સાગર ખેડુ, વનબંધુ, મહિલા સશક્તિકરણ માટે અનેક યોજનાઓ બનાવી ગુજરાતને વિકાસનું મોડેલ બનાવ્યું છે.
ડબલ એન્જિનની આ સરકાર આજે પણ અનેક વિકાસના કાર્યો કરી રહી છે. નર્મદા ડેમની ઊંચાઈ વધારવી, મેડિકલ કોલેજો શરૂ કરવી, હાઇવે બનાવવા, એરપોર્ટની સુવિધા પૂરી પાડવી જેવા સમગ્ર દેશને ફાયદા રૂપ અનેક વિકાસના કામો આ સરકારે કર્યા છે. જે તમામ વિકાસના કાર્યો લોકો સુધી પહોંચે તેવા ઉદ્દેશ્યથી આ ગુજરાત ગૌરવ વિકાસ યાત્રા અને આદિવાસીઓના ઉત્થાન માટે કરેલા કાર્યો આદિવાસી વિસ્તારમાં પહોંચે તે માટે બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *