ગુજરાતના અરબી સમુદ્રમાં લૉ-પ્રેશર સર્જાવાથી દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થયું છે. જિલ્લા કલેક્ટરે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. તો, આ સાથે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ વાપીમાં 2 કલાકમાં 54mm વરસાદ વરસ્યો હતો. વાપીમાં વરસેલા વરસાદમાં રેલવે ગરનાળુ સહિત નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેણે પ્રિમોન્સૂન કામગીરીની પોલ છતી કરી હતી.
ચોમાસાની ઋતુ દરમિયાન ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ વરસવાની તેમજ અરબી સમુદ્રમાં લૉ-પ્રેશર સર્જાવાની આગાહી હવામાન વિભાગે આપી છે. ત્યારે મંગળવારે આ આગાહીને પગલે વલસાડના દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સાથે માછીમારો ને દરિયો નહીં ખેડવાની સૂચના પણ આપી છે. જ્યારે બીજી તરફ વહેલી સવારથી અસહ્ય ઉકળાટ વચ્ચે બપોરે 2 વાગ્યે વાપીમાં વરસાદની હેલી વરસી હતી. જેમાં 2 કલાકમાં જ 54 mm જેટલો વરસાદ વરસતા વાપીના ગરનાળા સહિત નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં. વાપી દમણ ને જોડતા બ્રિજ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ગરનાળામાં પાણી ભરાવાને કારણે બ્રિજ પર સર્જાયેલ ટ્રાફિક જામમાં વાહન ચાલકો વરસાદમાં ભીંજાતા નજરે પડ્યા હતાં. 2 કલાકમાં વરસેલા વરસાદમાં વાપી પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની અને પાણી ભરાય નહિ તે માટે સ્થળ મુલાકાત કરી આયોજન કરનાર પાલિકાના ચીફ ઓફિસર અને સત્તાધીશોની પોલ ખુલી પડી હતી.
આ તરફ હવામાન વિભાગની આગાહી બાદ સમુદ્રમાં લૉ-પ્રેશર સર્જાવાની શક્યતાને ધ્યાને લઇ વલસાડ વહીવટીતંત્ર તરફથી ડેપ્યુટી કલેકટર નરેન્દ્રસિંહ રાજપુતે વિગતો આપી હતી કે, સમુદ્ર કાંઠા વિસ્તારમાં માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના આપી છે. સાથે જ ગુજરાત મેરિટાઇમ બોર્ડ, પોર્ટ ઓફિસર, ફિશરીઝ ડિપાર્ટમેન્ટ, સ્થાનિક મામલતદાર, પ્રાંત અધિકારીને એલર્ટ રહેવા સૂચના આપી છે. તિથલ બીચ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે સહેલાણીઓ દરિયાના નજીક ન જાય તે માટે પોલીસ પેટ્રોલિંગ અને બેરીકેટ મુકવામાં આવ્યા છે.
હવામાન વિભાગ દ્વારા 28 જૂનથી 1 જુલાઈ સુધી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે, મંગળવારે વલસાડ જિલ્લાના અન્ય તાલુકામાં ઝરમર વરસાદ જ્યારે વાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં વરસેલા વરસાદની વિગતો જોઈએ તો ઉમરગામમાં 12mm, કપરાડા માં 02mm, ધરમપુર માં 01mm, પારડીમાં 13mm, વલસાડમાં 4mm જ્યારે વાપીમાં 54mm વરસાદ વરસ્યો હતો. સંઘપ્રદેશ દમણમાં 27.4mm, સેલવાસમાં 6.8mm વરસાદ વરસ્યો છે.
જિલ્લામાં મૌસમના કુલ વરસાદની વાત કરીએ તો ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 339mm જ્યારે પારડી તાલુકામાં સૌથી ઓછો 158mm વરસાદ વરસ્યો છે. કપરાડા તાલુકામાં 341mm, ધરમપુર તાલુકામાં 225mm, વલસાડ તાલુકામાં 214mm અને વાપી તાલુકામાં 206mm વરસાદ અત્યાર સુધીમાં વરસી ચુક્યો છે. એ જ રીતે સંઘપ્રદેશ દમણમાં 214mm તો, દાદરા નગર હવેલીના સેલવાસમાં 126mm વરસાદ વરસી ચુક્યો છે.
વરસાદને કારણે મધુબન ડેમમાં પણ નવા નીર ની આવક થઈ છે. મધુબન ડેમનું હાલનું લેવલ 69.35 મીટરે સ્થિર છે. ડેમમાં 32 ક્યુસેક નવા પાણીની આવક થઈ છે. તો તમામ દરવાજા હાલ બંધ હોવા છતાં 353 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં વહી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં આ વર્ષે હજુ સુધી જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી જેથી જગતનો તાત સારા વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યો છે.