વિશ્વ પ્રવાસી સામજિક અને સાંસ્કૃતિક સંઘ (આંતરરાષ્ટ્રીય સંસ્થા) દ્વારા વાપી ખાતે 16 સપ્ટેમ્બરે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ પ્રવાસી ધર્મ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શાસ્ત્રી સ્વામી કપિલજીવન દાસજીના અધ્યક્ષ સ્થાને આયોજિત આ રેલીમાં દેશભરમાંથી મહાનુભાવો ઉપસ્થિત રહી અવસરની શોભા વધારશે. જેના પ્રચાર પ્રસાર માટે સલવાવ સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપવામાં આવી હતી.
આગામી તારીખ 16/09/2023 ને શનિવારના રોજ સવારે 8 વાગ્યે વાપી GIDC રામલીલા મેદાન, અંબામાતા મંદિર પાસેથી વિદ્યાર્થીઓ, શહેરીજનોની શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં 3 ટેબ્લો દ્વારા ગંગારથ, ગીતાજીરથ અને તુલસીરથની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવશે. આ શોભાયાત્રા મુખ્ય માર્ગ ઉપર ફરી અને શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ વાડી, વાપી ખાતે પહોંચશે જ્યા સભામાં પરિવર્તિત થશે. ત્યાં ભારતમાતા, ગૌ માતા, ગંગાકળશ, ગીતાજી તથા તુલસીમાતાનું પૂજન, મહાનુભાવોના સન્માન બાદ સાસ્કૃતિક કાર્યક્રમ રજુ થશે. તેમજ અહીં ઉપસ્થિત 1000 વ્યક્તિઓને ગંગાજળ, ગીતાજી તથા તુલસી છોડની કીટ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.
સંસ્થાના આ અનોખા પ્રયાસના ઉદેશ્ય અંગે પત્રકાર પરિષદમાં ઉપસ્થિત કપિલ સ્વામી, સંસ્થાપક વિશ્વ કુટુંબકમ પ્રવાસી સંઘના ડો.એસ.પી. તિવારી, આંતરરાષ્ટ્રીય સંયોજક ડો. એ. બી. મોરે, સંરક્ષક દિલીપ પટેલ, સચિવ ડો. ચૈતાલી સિંગ, સંપૂર્ણાંનંદ, રામ સ્વામી સહિતના સંસ્થાના સભ્યોએ જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના ગણમાન્ય સંતગણ, સામાજિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહેશે. તેમની ઉપસ્થિતિમાં 25 કરોડ પરિવાર સુધી ઘર ઘર ગંગા, ઘર ઘર ગીતા, ઘર ઘર તુલસીનો સંદેશ પહોંચાડવાનો સંકલ્પ લેવાશે.
વિશ્વ પ્રવાસી સામાજિક અને સાંસ્કૃતિક સંઘ સંસ્થા રાષ્ટ્રીય સેવક સંઘના એક ભાગરૂપે છેલ્લા 31 વર્ષથી ગૌ માતા, ગંગા માતા ગીતમાતા, તુલશી માતા અને ભારત માતા, સનાતન, સંસ્કાર, સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે કામ કરતી સંસ્થા છે. આજે વિશ્વમાં 05 કરોડથી વધુ NRI વસે છે અને તેમાંથી લગભગ 2કરોડ NRI સનાતન ધર્મના વિચાર પરિવારના છે. આ પરિવારોમાં ભારતીય સંસ્કૃતિ શાશ્વત અને સંસ્કાર કેવી રીતે ટકી રહે, રાષ્ટ્રપ્રેમ કેવી રીતે જાગે, ભારતમાં સેવા કાર્ય કેવી રીતે વધે તેનો પ્રયાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વ પ્રવાસી સંઘના મુખ્ય ધ્યેય છે ઘર ગંગા, ઘર ઘર ગીતા, ઘર ઘર તુલસી, કૈલાશ માનસરોવર મુક્તિ અભિયાન, શારદાપીઠ કાશ્મીર મુક્તિ અભિયાન, રાષ્ટ્રવાદની સ્થાપના, રાષ્ટ્રીય એકતા, ભાષા અને સાહિત્યનો વિકાસ ચર્સ. જે માટે સંસ્થાએ ભારત સરકાર, રાજ્ય સરકાર સાથે મળીને રામાજના દરેક વ્યક્તિ સુધી પહોંચવાનું બીડું ઝડપ્યું છે. વાપીથી શુભારંભ થનાર આ સંકલ્પ હેઠળ દેશના વિવિધ રાજ્યો, દુબઈ જેવા દેશોમાં કાર્ય કરી 5 વર્ષમાં ગંગા, ગીતા અને તુલસી ને 25 કરોડ ઘર સુધી પહોંચાડવાનો નિર્ધાર આંતરરાષ્ટ્રીય સંસ્થા વિશ્વ પ્રવાસી સામજિક અને સાંસ્કૃતિક સંઘે સેવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં હિન્દૂ સમાજના લોકોને જોડાવા અપીલ કરવામાં આવી છે.