Friday, January 31News That Matters

ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના વિકાસની વાતો કરતું વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની ઘોર ખોદી ને રહેશે?

વલસાડ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અતિ મહત્વનો ઉદ્યોગ છે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલ ટ્રાન્સપોર્ટરોનો વિકાસ થાય, ટ્રાન્સપોર્ટ ને માટે ઉત્તમ સુવિધાઓ મળે તેવા ઉદેશથી વલસાડ જિલ્લામાં  1984માં વાપી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની સ્થાપના થઇ. ઉદેશ્ય હતો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વિકસિત કરવાનો પરંતુ ખાટલે મોટી ખોડ એ કે ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં માત્ર એવા જ પ્રમુખ-ઉપપ્રમુખ અને સભ્યો નિમાયા જેઓએ માત્ર પોતાનો જ વિકાસ કર્યો છે.

 

1968માં વાપી GIDC નો પાયો નંખાયા બાદ વર્ષ 1984માં વાપીમાં શરૂ થયેલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન ની સ્થાપનાનને 39 વર્ષ થઈ ચૂક્યા છે. આ 39 વર્ષમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશન વાપીના ટ્રાન્સપોર્ટરો માટે એક ટ્રાન્સપોર્ટ નગર અપાવી શક્યું નથી. એટલું જ નહીં પરંતુ ટ્રાન્સપોર્ટરો માટે સારી પાર્કિંગની અને બેઝિક સુવિધાઓ ધરાવતું પાર્કિંગ પણ ઉભું કરવી શક્યું નથી. માત્ર ચૂંટણી વખતે થોડી કાગારોળ કરી નેતાઓના વચનો મેળવી ખુશ થતા એસોસિએશનના પ્રમુખ-ઉપપ્રમુખ અને હોદ્દેદારો તે બાદ કોઈ જ રજુઆત અંગે આકરા વલણ સાથેની રજુઆત કરતા જોવા મળ્યા નથી. વર્ષે દહાડે ટ્રાન્સપોર્ટરો પાસેથી ક્રિકેટ ટુર્નામેન્ટના નામે કે આરોગ્ય કેમ્પના નામે ઉઘરાણાં કરી ચૂપચાપ બેસી જાય છે.

હાલમાં પણ ચૂંટણી વખતે વાપીમાં ટ્રાન્સપોર્ટ નગર માટે જમીન ફાળવવાની 38 વર્ષ જૂની માંગણી સંદર્ભે કનું દેસાઈએ વાપીમાં VTA માટે ટ્રાન્સપોર્ટ નગર બનાવવા જમીન આપવામાં આવશે તેવી જાહેરાત કરતા VTA દ્વારા નાણાપ્રધાન કનું દેસાઈનો આભાર પ્રગટ કર્યો હતો. પરંતુ આ જમીન ક્યાં અને ક્યારે મળશે તેની કોઈ છણાવટ નાણાપ્રધાને કરી નહિ છતાં એ અંગે ટ્રાન્સપોર્ટ એસોસિએશને કોઈ પુછાણું પણ લીધું નહિ.

વલસાડ જિલ્લામાં 1968માં વાપી GIDC નો પાયો નંખાયા બાદ વર્ષ 1984માં વાપી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની સ્થાપના થઇ. ત્યારથી લઈને વર્તમાન 2023 સુધીમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશને ટ્રાન્સપોર્ટરોના વિકાસ માટે માત્ર પત્રવ્યવહાર જ કર્યા છે. નક્કર પગલાં અંગે માત્ર પોતાનો સ્વાર્થ જ સાધ્યો છે. વાપીમાં વર્ષ 1984માં જાણીતા ટ્રાન્સપોર્ટર ઇશરાલુ ચાચાને પ્રમુખ, સુરેશ શાહને ઉપપ્રમુખ નિમિ 250 ટ્રાન્સપોર્ટસ સભ્યોએ વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન VTA ની સ્થાપના કરી હતી. જે સમયે સભ્યો પાસે માત્ર 100 ટ્રક હતી. VTA ના પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યોએ એ તમામ ટ્રાન્સપોર્ટ માટે તેમજ ભવિષ્યમાં ટ્રાફિક વધશે તો તેના નિરાકરણને ધ્યાને રાખી GIDC પાસે ટ્રાન્સપોર્ટ નગર બનાવવા જમીનની માંગણી કરી હતી. વાપી GIDC માં વધુને વધુ ઉદ્યોગો માટે જમીન ફાળવાતી ગઈ ટ્રાફિક સમસ્યા વકરતી ગઈ. વર્તમાન 2022માં વાપીમાં દૈનિક 4000 જેટલી ટ્રકનું આવાગમન છે. VTA 1884 સભ્યોનું, 10 હજાર ટ્રક, 6 હજાર ટેમ્પો, 1000 કન્ટેઇનર ધરાવતું મહત્વનું એસોસિએશન બન્યું છે.

એસોસિએશન ટ્રાન્સપોર્ટરોને લોલીપોપ ચુસાવતું રહ્યું છે…..

વાપીથી સમગ્ર ભારતમાં તેમજ નેપાળ, બાંગ્લાદેશ સુધી ટ્રક ની અવરજવર હોય વાપી ટ્રાન્સપોર્ટ હબ બન્યું પરંતુ જે ઉદ્દેશ્યથી ટ્રાન્સપોર્ટ એસોસિએશન ની સ્થાપના થઇ તે એસોસિએશન ના બદલાતા પ્રમુખ, ઉપપ્રમુખ હોદ્દેદારોએ પોતાની અણઆવડતમાં ટ્રાન્સપોર્ટરો ની ખોર ખોદવામાં કોઈ કમી રાખી નથી. એસોસિએશન સતત નેતાઓની લોલીપોપ ચૂસતું રહ્યું છે. અને ટ્રાન્સપોર્ટરોને પોતે આપેલી લોલીપોપ ચુસાવતું રહ્યું છે.

 

એસોસિએશન હજુ કેટલા વર્ષ વિકાસના નામે વિનાશ તરફ ધકેલશે…….

ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારો અવારનવાર માત્ર મીડિયામાં ફોટા પડાવવા જલદ આક્રમક કાર્યક્રમની ઘોષણા કરતું આવ્યું છે. જે બાદ પાણીમાં બેસી જાય છે. જેનો તાજો પુરાવો હાલ માં જ બગવાડા ટોલ પ્લાઝા ખાતે મોટા ઉપાડે ટોલ ટેક્સમાં 60 ટકા રાહતના આંદોલને પૂરો પાડ્યો છે. દેશભરમાંથી ટ્રાન્સપોર્ટરો અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટરો ને બોલાવી ભાષણબાજી કર્યા બાદ 21 દિવસની મોહલત પુરી થયા બાદ પણ આ અંગે ટ્રાન્સપોર્ટ એસોસિએશને કોઈ ખુલાસો કર્યો નથી. કે ચક્કાજામ સહિતના જે એલાન કર્યાં હતાં તેમાના એકપણ એલાન પર કોઈ અમલ કર્યો નથી. આવા તો અનેક પ્રશ્નો ના જવાબો ટ્રાન્સપોર્ટ એસોસિએશન પાસે થી મળતા નથી. એટલે હવે વાપીમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલ ટ્રાન્સપોર્ટરોમાં વ્યાપેલી નિરાશા ધીરેધીરે એસોસિએશન પ્રત્યે રોષ માં પલટી રહી છે. 39 વરસથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની ઘોર ખોદતું એસોસિએશન હજુ કેટલા વર્ષ વિકાસના નામે વિનાશ તરફ ધકેલશે તે ચિતા ટ્રાન્સપોર્ટરોમાં પ્રવર્તતી જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *