Friday, January 31News That Matters

વાપીમાં ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર ટેમ્પોમાંથી પડેલી એસિડ ભરેલી ટાંકી કોની? GPCB, પોલીસે તપાસ હાથ ધરી, રસ્તા પર ઘુમાડાંના ગોટેગોટા જોઈ ફેલાયો હતો ગભરાટનો માહોલ

વાપી GIDC માં હાઇવે નજીક આવેલ ગિરિરાજ હોટેલથી મોરારજી સર્કલ તરફ જતા ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર શુક્રવારે એક ટેમ્પોમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલી સીંટેક્સની ટાંકી રસ્તા પર પડી ગઈ હતી. ટાંકીમાં એસિડ ભરેલ હોય નીચે પડતા તેનો વાલ્વ લીકેજ થયો હતો. જેમાંથી એસિડ રસ્તા પર ઢોળાતા ધુમાડાના ગોટેગોટા જોઈ આસપાસના લોકોમાં ગભરાટનો માહોલ ઉત્પન્ન થયો હતો. ઘટનાની ગંભીરતા જોઈ પોલીસ, ફાયર, VECC અને  GPCB ની ટીમે ઘટના સ્થળે પહોંચી ટાંકી ને સલામત સ્થળે લઈ જવા સાથે આ ટાંકીમાં રહેલું એસિડ કોના દ્વારા ક્યાં મોકલાતું હતું. અને ફરાર ટેમ્પો ચાલક કોણ હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે. 
 
વાપીમાં શુક્રવારે 11 વાગ્યા આસપાસ એક ટેમ્પોમાંથી એસિડ ભરેલ ટાંકી રસ્તા પર પડી ગઈ હતી. જેમાંથી કેટલુંક એસિડ રસ્તા પર ઢોળાતા ધુમાડાના ગોટેગોટા ઉઠ્યા હતાં. એસિડ રસ્તા પર ઢોળાતું જોઈ સ્થાનિકોએ ગભરાટના માર્યા પોલીસ, ફાયરને જાણ કરી હતી. ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપી નેશનલ હાઇવે નંબર 48 પરથી વાપી GIDC તરફ જતા મોરારજી સર્કલ માર્ગ પર હોટેલ કાઠિયાવાડી નજીક એક આઈશર ટેમ્પો એસિડ ભરેલી ટાંકીઓ લઈને જતો હતો. ત્યારે ઢોળાવમાં એક એસિડ ભરેલ 1000 લિટરની ટાંકી ટેમ્પાના ફાલકામાંથી રસ્તા પર પડી ગઈ હતી.
રસ્તા પર એસિડ ભરેલ ટાંકી પડતા તેનો વાલ્વ લીકેજ થયો હતો. જેથી એસિડ રસ્તા પર ઢોળાયું હતું. જેમાંથી ધુમાડાના ગોટેગોટા ઉઠ્યા હતાં. જેની જાણકારી નોટિફાઇડ ફાયરને મળતા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી ટાંકીનો વાલ્વ બંધ કરી રસ્તા પર ઢોળાયેલ એસિડ પર પાણી-ફોમનો મારો તેમજ ચુનાનો પાવડર છાંટી ધુમાડાને હળવો કર્યો હતો. ઘટનામાં વાપી GIDC પોલીસની ટીમ પણ પહોંચી હતી. જેમણે વાપી GPCB માં તેમજ VECC માં જાણ કરી હતી. જેથી GPCB ના અને VECCના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી એસિડ ભરેલ ટાંકી કબ્જે કરવા સાથે વધુ તપાસ હાથ ધરી હતી.
 
પ્રાથમિક જાણકારી મુજબ આ ટાંકીમાં હાઇડ્રોક્લોરિક એસિડ હતું. જે મોટેભાગે કેમિકલ ફેક્ટરીઓમાંથી બાય પ્રોડકટ તરીકે નીકળે છે. જેને કેટલાક કેમિકલ ટ્રેડિંગ વાળા ખરીદી કરે છે. જેનું તેઓ 1 લિટર કે 5 લિટરના બોટલ, કેરબામાં ભરી બાથરૂમ ક્લીનર તરીકે વેંચાણ કરે છે. જો કે એસિડ ભરેલ ટાંકી જે આઈશર ટેમ્પોમાંથી રસ્તા પર પડી તે ટેમ્પો ચાલક ટાંકી છોડીને ટેમ્પો સાથે ફરાર થઈ ગયો છે. 
 
એટલે આ કેમિકલ વાપીની કઈ કંપનીમાંથી ક્યાં જતું હતું? કે અન્ય કોઈ કંપની ટ્રેડિંગવાળા પાસેથી વાપીમાં આવતું હતું? ટેમ્પો ચાલક કોણ હતો? એસિડ લઈ જવાની કે લાવવાની પરમિશન, બિલ હતા કે નહીં? ઘટના બાદ તે કોઈના ઈશારે ફરાર થયો હતો કે કેમ? તેવા અનેક સવાલના જવાબ મેળવવા GIDC પોલીસ, GPCB એ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે એસિડની ટાંકી રસ્તા પર પડ્યા બાદ તેમાંથી છુકારાંરૂપે નીકળેલ ધુમાડામાં ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર લોકોમાં ગભરાટ ફેલાયો હતો. લોકોએ આંખ બળવાની તેમજ શ્વાસ લેવાની તકલીફનો સામનો કર્યો હતો. ઘટનામાં કોઈ જાનહાની નહિ થતા તંત્રએ રાહતના શ્વાસ સાથે તપાસ હાથ ધરી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *