ગમે તેટલા કાયદા બનાવો, ગમે તેટલા દંડ ફટકારો પણ વરસાદી માહોલમાં વાપી GIDC ના બદનામ ઉદ્યોગો તેમનું પાપ છોડીને રહેતા હોય છે. આ પ્રતીતિ ફરી એકવાર 14મી જુલાઈએ થઈ છે. આ દિવસે વાપીમાં વરસતા ભારે વરસાદના પાણી સાથે ઉદ્યોગોનું પીળા કલરનું પાણી પણ વહેતુ કેમેરામાં કેદ થયું હતું.
વાપી GIDC માં આવેલ 3rd Phase માં પ્લોટ નંબર 1201/2 પર સ્થિત Sunrise Colours Ltd. નામના એકમ સામે મુખ્ય માર્ગ પર વરસાદના પાણીનો ભરાવો થતો જોવા મળ્યો હતો. આ વરસાદી પાણી સાથે પીળા કલરનું પાણી પણ વહેતુ જોવા મળ્યું હતું. અચાનક જ વરસાદી પાણી સાથે વહેતા પીળા કલરના પાણીને જોઈ માર્ગ પર આવાગમન કરતા વાહનચાલકોમાં પણ અચરજ જોવા મળી હતી.
માર્ગ પર વહેતુ પીળા કલરનું પાણી આ માર્ગ પર સ્થિત સનરાઈઝ કલર્સ નામની કંપનીના ગેટની સામેથી પસાર થતી ગટરમાંથી જ વહેતુ હતું. જેનું વિડિઓ શૂટિંગ કરતા હોવાનું ધ્યાન પર આવતા કંપનીના સંચાલકો પણ બહાર દોડી આવ્યા હતાં. જેઓએ તાત્કાલિક કંપનીના એક કર્મચારીને બોલાવી ગટરમાં તપાસ કરાવતા ગટર જામ હોવાનું જણાય આવ્યું હતું જેને કારણે આ પાણી રસ્તા પર વહેતુ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.
ગટરમાંથી નીકળતું પીળા કલરનું પાણી કેમિકલ પણ હોઈ શકે છે. તેવો અંદાજ પણ આ સંચાલકે સેવ્યો નહોતો અને કર્મચારીને કોઈપણ પ્રકારના સલામતી સાધનો આપ્યા વિના જ ગટરનું પાણી ગટરમાં જ વહી જાય એ માટે હાથ થી ચકાસણી કરવાના આદેશ આપી દીધા હતાં. વળી સંચાલકોએ પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, આ કલરનું પાણી તેમની કંપનીમાંથી નથી નીકળતું પરન્તુ, આ ગટરનું થોડા દિવસ પહેલા JCB થી નોટિફાઇડ દ્વારા સમારકામ કરવામાં આવેલ જે બાદ તેનો કચરો કદાચ નાળામાં જ ફસાઈ ગયો હોય નાળુ જામ થઈ જવાથી પીળા કલરનું પાણી રસ્તા પર વહેતુ હોવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, વરસાદી સિઝનમાં વાપી GIDC ના અનેક એકમો તેમનું નકામું પાણી વરસાદી પાણી સાથે મિક્સ કરી તેનો નિકાલ કરી નાખે છે. ત્યારે હવે GPCB એ તપાસ કરવી જરૂરી છે કે, આ પીળું પાપ આખરે વાપી GIDC ના ક્યાં એકમનું છે? જેને વરસાદી પાણી સાથે વહેતુ કર્યું છે…?