વાપી :- વાપી GIDC માં 2nd ફેઝ માં બીલખાડી પર નવા બ્રિજ નિર્માણની કામગીરી હાથ ધરાયા બાદ આસપાસના ઉદ્યોગોમાં વાહનોની અવરજવર માટે અનેક મુશ્કેલીઓ ઉભી થઇ રહી છે. જો કે ટૂંક સમયમાં આ બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ કરી લેવાની નોટિફાઇડની ખાતરી બાદ પણ બ્રિજની ધીમી કામગીરી વાહનચાલકો માટે પારાવાર મુશ્કેલી સર્જી રહી છે.
વાપી GIDCમાં 2nd ફેઈઝમાં નોટિફાઇડ દ્વારા બીલખાડી પર જર્જરિત સિંગલ લેન બ્રિજને તોડી તેના સ્થાને નવો ફોરલેન બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. વર્ષ 2021ના જાન્યુઆરી માસમાં બ્રિજ નિર્માણની કામગીરી શરૂ થયા બાદ તેમાં સતત વિલંબ થઈ રહ્યો છે. જેને લઈને આ વિસ્તારના ઉદ્યોગોમાં આવતા વાહનોની અવરજવર પર મોટી અસર વર્તાઈ છે. સવા વર્ષથી ચાલતી બ્રિજ નિર્માણની કામગીરી હજુ માંડ 50 ટકા પૂર્ણ થઈ છે. ત્યારે ચોમાસુ નજીક આવતું હોય ચોમાસા પહેલા આ બ્રિજની કામગીરી પૂર્ણ થશે કે કેમ તેના પર વાહનચાલકો વેધક સવાલો પૂછી રહ્યા છે.
2021માં બ્રિજ જે બીલખાડી પર હતો. તેને તોડ્યા બાદ નિર્માણ કાર્ય હાથ ધર્યું હતું. જેમાં અનેક અડચણો ઉભી થઇ હતી. બ્રિજના નિર્માણ દરમ્યાન શરૂઆતમાં પાઈલ ફાઉન્ડેશનમાં 4મીટર બાદ ખડક વાળી જમીન આવી જતા અદ્યતન મશીનરી મંગાવી પાઈલ ફાઉન્ડેશન કરવું પડી રહ્યું છે. તો, વરસાદી સિઝન દરમ્યાન વાપીના વિવિધ વિસ્તારનું વરસાદી પાણી ખાડીમાં આવી જતું હોય ખાડી ભરાઈ જતી હતી. જે સુકાયા બાદ જ આગળની કામગીરી હાથ ધરવી પડતી હતી. જેને કારણે કામમાં વિલંબ થયો છે. જો કે આ વિલંબ માં વાહનચાલકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે.
નોટિફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા વાપી GIDC માં ઉદ્યોગોને સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો અપાવવા આ વિસ્તારમાં કેટલાક ડાયવર્ટ રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. એ ઉપરાંત બીલખાડીને સુંદર બનાવવા સાથે તેના પરના અન્ય જુના પુલોને પણ તોડી નવા પુલ નિર્માણ કરવાનું આયોજન છે. હાલમાં આ એક બ્રિજની કામગીરીને કારણે જ ટ્રાફિક સહિત સમયની બરબાદીની સમસ્યા ઉભી થઇ છે. ત્યારે ઉદ્યોગકારો અને વાહનચાલકોની ધીરજ હવે ખૂટી રહી છે.
ઉલ્લેખનીય છે કે બીલખાડી પર બની રહેલ આ બ્રિજ ફોરલેન બ્રિજ છે. જે 3.42 કરોડના ખર્ચે નિર્માણ પામી રહ્યો છે. આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા માર્ગ આસપાસની ગાયત્રી પેપરમિલ, હુબર ગ્રુપ સંધ્યા ગ્રુપ, સરના કેમિકલ, હેરનબા કેમિકલ, વાઈટલ લેબોરેટરીઝ, યશો ઇન્ડસ્ટ્રીઝ જેવી કેમિકલ ઇન્ટરમીડિયેટ તેમજ અન્ય કલરની, પેકેજીંગની, એન્જીનિયરિંગ કંપનીઓમાં આવતા વાહનો માટે મુખ્ય માર્ગ છે. જેની વિલંબિત કામગીરી ઉદ્યોગકારો અને વહનચાલકો માટે અનેક સમસ્યા ઉભી કરનારી સાબિત થઈ છે. અને વહેલી તકે બ્રિજની કામગીરી પૂર્ણ કરી ટ્રાફિક અને લાંબા ચકરાવાના રૂટ માંથી મુક્તિ મળે તેવી આશા વાહનચાલકો રાખી રહ્યા છે.