વાપી :- મનુષ્ય સહિત અન્ય કેટલાય જીવો માટે ઓક્સિજન એ પ્રાણ બચાવતો પ્રાણવાયુ છે. અને તે પૃથ્વી પર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ પણ છે. તેમ છતાં હાલની કોરોના મહામારીમાં પ્રાણવાયુની કટોકટી દરરોજ અનેક લોકોને મૃત્યુના ખપ્પરમાં હોમી રહી છે.
ધોરણ 6 થી ધોરણ 10માં ભણતા કોઈ બાળકને પૂછો કે પૃથ્વીના વાતાવરણમાં ઓક્સિજનની માત્રા કેટલી તો તે સચોટ જવાબ આપી દેશે 21 ટકા જેટલી. પૃથ્વી એક માત્ર ગ્રહ છે. જેને અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે. જે પૃથ્વીને મળેલી અમૂલ્ય ભેટ છે. પૃથ્વીની ચારે બાજુ લગભગ 800 થી 1000 કિલો મીટરની ઊંચાઈ સુધી વિવિધ વાયુનું આવરણ છે. વાતાવરણ કહેવાતા આ આવરણમાં ઓક્સિજનની એટલી માત્રા મનુષ્ય સહિત અન્ય કેટલાય જીવો માટે પ્રાણ બચાવવા પૂરતી છે.
પૃથ્વીના વાતાવરણમાં નાઈટ્રોજનનું પ્રમાણ 78.03 ટકા, ઓક્સિજનનું પ્રમાણ 20.99 ટકા, ઓર્ગોનનું પ્રમાણ 0.94 ટકા, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03 ટકા છે. આ વાયુમાંથી ઓક્સિજન વાયુ આપણે ગ્રહણ કરીએ છીએ. પરંતુ મેડિકલમાં તેને એક ખાસ પ્રક્રિયા થકી ઉત્પાદન કરવામાં આવે છે. જેમાં તેની શુદ્ધતા 98 ટકા સુધીની હોય છે.
આ શુદ્ધ ઓક્સિજન દર્દીને સ્વસ્થ થવામાં જલ્દી મદદરૂપ બને છે. અને એટલે જ હાલમાં કોરોના મહામારીમાં મેડિકલ ક્ષેત્રે શુદ્ધ ઓક્સિજનની તંગી સર્જાઈ છે. કેમ કે વાતાવરણમાં રહેલો ઓક્સિજન અન્ય અશુદ્ધિઓથી ગ્રસ્ત હોય છે.
મેડિકલ ઓક્સિજન શું છે?
દેશમાં હાલમાં મેડિકલ ઓક્સિજનની તંગી સર્જાઈ છે.મેડિકલ ઓક્સિજન 98% સુધી શુદ્ધ ઓક્સિજન છે. જેમાં કોઈ અશુદ્ધિઓ નથી
કાયદાકીય રૂપે તે એક આવશ્યક દવા છે. જેને 2015થી આવશ્યક દવાઓની સૂચિમાં શામેલ કરી છે. મેડિકલ ઓક્સિજન પ્રવાહી અવસ્થામાં મોટા પ્લાન્ટમાં વૈજ્ઞાનિક રીતે બનાવવામાં આવે છે. ઓક્સિજન પ્લાન્ટમાં હવાને એકત્રિત કરી તેને ઠંડી કરવામાં આવે છે. જેમાંથી અન્ય અશુદ્ધિઓ દૂર કરી પ્રવાહી સ્વરૂપે એકત્ર કરવામાં આવે છે. આ પ્રવાહી ઓક્સિજન 99.5% સુધી શુદ્ધ હોય છે. આ પ્રક્રિયા પહેલાં હવાને ઠંડી કરવામાં આવે છે અને તેમાંથી ફિલ્ટર્સ દ્વારા ભેજ, ધૂળ, તેલ અને અન્ય અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે.
ઉત્પાદકો આ પ્રવાહી ઓક્સિજનને મોટા ટેન્કરમાં સંગ્રહ કરે છે. ત્યાર બાદ અત્યંત ઠંડા રહેતા ક્રાયોજેનિક ટેન્કરમાં ભરે છે. ડિસ્ટ્રીબ્યુટર તેનું દબાણ ઘટાડે છે અને ગેસના સ્વરૂપમાં તેને વિવિધ પ્રકારના સિલિન્ડરોમાં ભરે છે. આ સિલિન્ડર સીધા હોસ્પિટલોમાં અથવા નાના સપ્લાયરોને પહોંચાડાય છે.
કોરોના રોગચાળા પહેલા ભારતમાં દૈનિક મેડિકલ ઓક્સિજનનો વપરાશ 1000-1200 મેટ્રિક ટન હતો, તે હાલ 5000 મેટ્રિક ટન થઈ ગયો. ઝડપથી વધી રહેલી માંગને કારણે ઓક્સિજનના સપ્લાયમાં ભારે સમસ્યા ઉભી થઈ છે. દેશભરના પ્લાન્ટમાંથી ડિસ્ટ્રિબ્યુટર સુધી પ્રવાહી ઓક્સિજન પહોંચાડવા માટે માત્ર 1200 થી 1500 ક્રાયોજેનિક ટેન્કર ઉપલબ્ધ છે. રોગચાળાની બીજી તરંગ સુધી તે પૂરતું હતું. પરંતુ હવે દરરોજ 2 લાખથી વધુ દર્દીઓ આવી રહ્યા છે. જેને કારણે ટેન્કર ઓછા પડી રહ્યા છે. વિતરક કક્ષાએ પણ, પ્રવાહી ઓક્સિજનને ગેસમાં રૂપાંતરિત કરવા અને તેને સિલિન્ડરમાં ભરવા માટે ખાલી સિલિન્ડરોની અછત છે.
સામાન્ય સંજોગોમાં એક પુખ્ત વ્યકિત જ્યારે કોઈ કામ ન કરતી હોય ત્યારે તેને શ્વાસ લેવા માટે દર મિનિટે 7 થી 8 લિટર અને 24 કલાકમાં અંદાજિત 11,000 લિટર હવાની જરૂર પડતી હોય છે. જે હવા શ્વાસ દ્વારા ફેફસાંમાં જાય છે તેમાં 20% ઓક્સિજન હોય છે, જ્યારે શ્વાસ બહાર નીકળતા શ્વાસમાં 15% હોય છે. એટલે કે શ્વાસ લેવામાં માત્ર 5% હવાનો ઉપયોગ થાય છે. આ 5% ઓક્સિજન છે જે કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાય છે. એટલે કે વ્યક્તિને 24 કલાકમાં આશરે 550 લિટર શુદ્ધ ઓક્સિજનની જરૂર હોય છે.
જો કે સખત મહેનત અથવા કસરત કરતી વખતે વધુ ઓક્સિજનની જરૂર પડે છે. એક તંદુરસ્ત પુખ્ત વ્યક્તિ મિનિટમાં 12 થી 20 વખત શ્વાસ લે છે. દર મિનિટમાં 12 કરતા ઓછા અથવા 20 કરતા વધુ વખત શ્વાસ લેવો એ અગવડતાની નિશાની છે. કોરોના મહામારીમાં આ જ અગવડતાએ દેશભરમાં મેડિકલ ઓક્સિજનની તંગી સર્જી છે. જો કે દેશના અગ્રણી ઉદ્યોગોએ આ માટે પોતાના નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજન પ્લાન્ટમાં કન્વર્ટ કરી મેડિકલ ઓક્સિજનની ઘટ દૂર કરવાની પહેલ કરી છે. આશા રાખીએ કે આ પહેલ થકી આપણે દેશવાસીઓના પ્રાણ બચાવવા પ્રાણવાયુની તંગી નિવારી શકીએ.