Wednesday, January 15News That Matters

નેશનલ હાઇવે પર પાણી વાહનવ્યવહાર બંધ! શહેરના માર્ગ પર પાણી લાંબો ટ્રાફિક જામ!

વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદના પાણી મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે પર ફરી વળતા વાહનવ્યવહાર સ્થગિત કરવાની તંત્રને ફરજ પડી છે. જ્યારે આ તરફ વાપીમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત રહેતા શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકજામ સર્જાયો હતો. 
વલસાડ જિલ્લામાં એક સપ્તાહથી મેઘરાજાએ વરસવાનું શરૂ રાખ્યું છે. જેને કારણે જિલ્લાના તમામ તાલુકામાં જળબંબાકાર ની સ્થિતિ ઉત્પન્ન થઇ છે. ત્યારે, વલસાડ નવસારી વચ્ચે નેશનલ હાઇવે પર પાણી ફરી વળ્યાં છે. તંત્રએ સાવચેતીના ભાગરૂપે હાઇવે બંધ કર્યો છે. વાહનચાલકોને હાઇવે પર હાલ હોટેલોમાં રોકાણ કરવાની અને પાણી ઓસર્યા બાદ આગળનો પ્રવાસ કરવાની અપીલ કરાઈ રહી છે. ત્યારે તેનાથી વિપરીત વાપી શહેરના તમામ મુખ્ય માર્ગો પર ચક્કાજામ ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
વાપીમાં 24 કલાકથી સતત વરસતા વરસાદને પગલે તમામ મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ સર્જાયો છે. વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા છે. એમાં પણ વાપી દમણ ને જોડતા રેલવે ઓવર બ્રિજ પર વાહનોની કતારો લાગી રહી છે. જેને યથાવત કરવા ટ્રાફિક જવાનો વરસતા વરસાદમાં ફરજ બજાવી રહ્યા છે. જ્યારે અકળાયેલા વાહનચાલકો ટ્રાફિક જામ ને કારણે ટ્રાફિક જવાનો સાથે સતત માથાકૂટ કરતા જોવા મળી રહ્યા છે.
એક તરફ હાઇવે પર વાહનોની અવરજવર ઘટી છે. વાપીના બિસમાર માર્ગો પર અવરજવર ટ્રાફિક જામ માં પરિણમી છે. વાપી નજીક નેશનલ હાઇવે પર બલિઠાથી વાપી UPL બ્રિજ સુધી પણ મુખ્ય માર્ગ પર અને સર્વિસ રોડ પર પાણી ભરાયા છે. પોતાના ધંધા રોજગાર માટે તેમજ ઉદ્યોગોમાં નોકરીએ નીકળેલા સ્થાનિક વાહનચાલકોના સમયનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે, હાઇવે પર જેમ પોલીસ જવાનો ટ્રાફિક કન્ટ્રોલ કરી રહ્યા છે. તેમ શહેરી વિસ્તારના મુખ્ય માર્ગો પર પણ ટ્રાફિક ને કન્ટ્રોલ કરી યોગ્ય રૂપે સંચાલન કરવામાં આવે તેવી વાહનચાલકો ની માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *