Friday, October 18News That Matters

વલસાડ જિલ્લાના મધુબન ડેમમાં પાણીનું લેવલ વધ્યું, કપરાડામાં સાંબેલાધાર વરસાદ!

છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસી રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે જિલ્લાના સૌથી મોટા ડેમ મધુબન ડેમમાં પાણીની સપાટીમાં વધારો નોંધાયો છે. શનિવારે 12 કલાકમાં કપરાડામાં 123mm વરસાદ વરસ્યો છે. મધુબન ડેમમાં 6 દરવાજા ખોલી 21,893 ક્યુસેક પાણી છોડવાનું યથાવત રહ્યું છે.
વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં તેમજ દમણ માં શનિવારે પણ મેઘસવારી કાયમ રહી હતી. જિલ્લામાં અને સંઘપ્રદેશમાં સતત વરસાદી હેલી વરસતી રહી હતી. જે અંગે જિલ્લા કન્ટ્રોલ રૂમ તરફથી મળતી વિગતો મુજબ સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ સાંબેલાધાર 123mm વરસાદ વરસ્યો છે. ધરમપુર તાલુકામાં 108 mm વરસાદ વરસ્યો છે. વાપીમાં 59mm વરસાદ વરસ્યો છે. તો, પારડી માં 45 mm, જ્યારે વલસાડમાં માત્ર 23mm અને ઉમરગામ કોરું ધાકોર રહેતા માત્ર 2mm વરસાદ નોંધાયો છે.
આ તરફ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સવારના 8 થી 5 વાગ્યા સુધીમાં 33.2mm દમણમાં 29.8mm વરસાદ નોંધાયો છે. જો કે દાદરા નગર હવેલી અને કપરાડા તાલુકાના ઉપરવાસમાં મહારાષ્ટ્ર તરફ ખૂબ જ સારો વરસાદ વરસતો હોય મધુબન ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. હાલ સાંજે 6 વાગ્યે મળેલી વિગતો મુજબ મધુબન ડેમમાં 35147 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેને કારણે ડેમનું લેવલ 71.20 મીટરે પહોંચ્યું છે. જ્યારે 21,897 ક્યુસેક પાણી 6 દરવાજા 1 મીટરે ખોલી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. દમણગંગા નદી મધુબન ના પાણીને કારણે બેકાંઠે વહી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *