Monday, February 24News That Matters

વાપીના ઉદ્યોગોનું પાણી સ્ટ્રોમ વોટર ડ્રેઇનમાં અને રસ્તા પર, નોટિફાઇડની ગટરોમાં ઢાંકણા ગાયબ, ગટર જામ, કેટલાક ઉદ્યોગકારોને જલસા કેટલાક નાહકના બદનામ…!

વાપી GIDCમાં નોટિફાઇડ દ્વારા બનાવેલ તમામ ગટરોનું પાણી ક્યાંક રસ્તા પર તો, ક્યાંક વરસાદી પાણીની ગટરોમાં ઠલવાઇ રહ્યું છે. કેમ કે નોટિફાઇડની ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણીનું નિકાલ કરતી ગટરો જામ છે. અથવા તો ગટરોને ઢાંકણા જ નથી. આ સ્થિતિને લઈને વાપી GIDC ના ઉદ્યોગકારોને આ ચોમાસાની સીઝનમાં જલસા પડી ગયા છે.

વાપી GIDC માં વરસાદી પાણીના નિકાલ માટે તંત્રએ કરોડો રૂપિયા ખર્ચી ને સ્ટ્રોમ વોટર ડ્રેઇન બનાવી છે. એવી જ રીતે કરોડો રૂપિયા ખર્ચીને ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણીના નિકાલ માટે ગટરો બનાવી છે. CETP સુધીની કરોડો રૂપિયાના ખર્ચે પાઇપલાઇન પણ પાથરી છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે, હાલમાં આ કેમિકલયુક્ત પાણીનું વહેન કરતી ગટરો ખાસ્તાહાલ બની ચુકી છે.

એક તરફ પર્યાવરણ બચાવવા ઉદ્યોગોના ઉદ્યોગોકારો પ્રશાસનને સહકાર આપી રહ્યા છે. કેમિકલયુક્ત પાણી ક્યાંય પર્યાવરણ ને નુકસાન ના કરે તેની સંપૂર્ણ તકેદારી રાખી રહ્યા છે. ત્યારે, GIDC, નોટિફાઇડ અને GPCB જાણે ઉદ્યોગોના માથે પર્યાવરણ બગાડવા બદનામીનું લેબલ ચોંટેલું રાખવા માંગતા હોય તેમ જરૂરી સુવિધાઓ પુરી પાડવામાં અવળચંડાઇની હદ વટાવી રહ્યા છે.

સામાન્ય દિવસોમાં કોઈ કંપની બહાર કેમિકલ નીકળે અથવા આગની ઘટના બને તો GPCB પર્યાવરણના નામે ઉદ્યોગોને લાખો-કરોડોની પેનલ્ટી લગાડે છે. વર્ષે સમયસર ટેક્સ ના ભરે તો નોટિફાઇડ એવી કંપની સામે તાળાબંધી સુધીની કાર્યવાહી કરે છે. GIDC ના અધિકારીઓ યેનકેન પ્રકારે ઉદ્યોગકારો ને નિયમો બતાવી તતડાવતા રહે છે. પરંતુ આ જ ઉદ્યોગકારોને ગટર, પાણી, વીજળીની, રસ્તાની સુવિધા આપવાની વાત આવે ત્યારે માત્ર કાગળ પર કાર્યવાહી કરી નાખતા હોય છે.

હાલમાં પણ કઇંક એવો જ તાલ વાપી GIDC માં સર્જાયો છે. એક તરફ ચોમાસાની સિઝન હોય સતત વરસાદ વરસી રહ્યો છે. કંપનીઓમાં ભરાયેલ પાણીનો નિકાલ સ્ટ્રોમ વોટર ડ્રેઇનમાં થઈ રહ્યો છે. પરંતુ, કેમિકલયુક્ત પાણી માટેની મોટાભાગની ગટરો જામ છે. ઢાંકણા તૂટી ગયા છે. જેમી મરામત થઈ નથી. ચોમાસામાં GIDC ના તમામ મુખ્ય માર્ગો પર આ કેમિકલયુક્ત પાણી આવી ઢાંકણા વગરની ગટરમાંથી રસ્તા પર વહી રહ્યું છે. ક્યાંક વળી ગટર જામ હોય કેમિકલયુક્ત પાણી ના છૂટકે વરસાદી ગટરોમાં ઠાલવવું પડી રહ્યું છે. આ પરિસ્થિતિમાં કેટલાક ઉદ્યોગકારોને જલસા પડી ગયા છે. તો, કેટલાક નાહકના બદનામ થઈ રહ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *