Friday, December 27News That Matters

વાપી GIDCમાં આવેલ હેમા ડાઈ કેમ કંપનીમાં ભીષણ આગથી અફરાતફરી

વાપી :- 2 એક વર્ષમાં એકાદવાર આગની ચપેટમાં આવતી વાપી GIDC ના 2nd ફેઇઝમાં આવેલ હેમા ડાઈ કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રવિવારે ફરી ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. ડાયકેમ બનાવતી કંપનીમાં રવિવારે સાંજે શોર્ટ સરકીટ અથવા અન્ય કોઇ કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે ગણતરીના સમયમાં જ સમગ્ર કંપનીને પોતાની ચપેટમાં લઈ લીધી હતી. જેને બુઝાવવા 7 થી વધુ ફાયર ફાઈટરોએ 2 કલાકની જહેમત બાદ કાબુ મેળવ્યો હતો.
વાપી ના 2nd ફેઇઝમાં આવેલી હેમા ડાઈ કેમ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં રવિવારે સાંજે અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી હતી. નોટિફાઇડ ફાયર વિભાગના જણાવ્યા મુજબ કંપનીમાં રહેલા રો-મટિરિયલ્સમાં આ આગ લાગી હતી. જેણે ગણતરીની મિનિટોમાં જ કંપનીને પોતાની ચપેટમાં લઈ લીધી હતી. આગથી કોઇ જાનહાનિના સમાચાર મળ્યા નથી. પરંતુ કેમીકલ કંપનીમાં આગ લાગતા નજીકની કંપનીઓમાં કામ કરતા કામદારો માં ભાગદોડ મચી હતી.
આગ ને બુઝાવવા માટે વાપી જીઆઇડીસી નોટીફાઇડ અને પાલિકાના મળીને 7 ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતાં. જે બાદ આરતી કંપનીમાંથી પણ ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી. ફાયર વિભાગે પાણી સાથે મોટી માત્રામાં ફોમનો મારો ચલાવી અંદાજિત 2 કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો. 
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કંપનીમાં 1 કે 2 વર્ષે ભીષણ આગના બનાવો બને જ છે. આ પહેલા પણ આવા ત્રણેક બનાવ બની ચુક્યા છે. જ્યારે હાલમાં લોકડાઉનને કારણે કંપનીનું પોતાનું પ્રોડક્શન બંધ હતું. એટલે પરમિશન વગર અન્ય કંપનીઓનું રો-મટિરિયલ્સ મંગાવી જોબ વર્કના ધોરણે ખાનગીમાં કંપની ચાલુ હતી. જે દરમ્યાન આ રો-મટિરિયલ્સ માં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેને કારણે આસપાસની કંપનીઓના સંચાલકોના જીવ તાળવે ચોંટ્યા હતાં. આગની ઘટના દરમ્યાન પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી સાવચેતીના ભાગરૂપે આસપાસનો વિસ્તાર કોર્ડન કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *