વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના તુમ્બ – ધીમસા, કાંકરિયા સહિત ગામના ગામલોકોએ વેસ્ટર્ન રેલવે ટ્રેક પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગામલોકો ટ્રેક પર આવી જતા નવકાર ટ્રેનો અટકાવી દેવામાં આવી હતી. ગામલોકોએ માંગ કરી હતી કે અહીં રેલવે ફાટક નંબર 69 પર તેમને કાયમી અવરજવર માટે રેલવે ઓવર બ્રિજ અથવા અન્ડરપાસની સગવડ પુરી પાડવામાં આવે.
આ ફાટક પરથી દૈનિક આસપાસના 10 જેટલા ગામના લોકો અવરજવર કરે છે. જેને હાલ કાયમી બંધ કરવાનું રેલવે દ્વારા નક્કી કરાયું છે. જેને લઈને આ વિરોધ કરવામાં આવ્યો છે. ગામલોકોનું કહેવું છે કે, આ ફાટક કાયમ માટે બંધ કરી દેવામાં આવે તો બંને તરફ રહેતા લોકો ને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે, આવી સ્થિતિમાં ગ્રામજનોને રેલ્વે ટ્રેક ઓળંગવા માટે અંદાજિત 5 કિલોમીટરનું વધારાનું અંતર કાપવું પડશે. ગ્રામજનોની જરૂરિયાતને ધ્યાને રાખીને રેલવે વિભાગ અહીં અંડરપાસ કે ઓવરબ્રિજની સુવિધા આપે તેવી માંગ ગામલોકોએ કરી હતી.
આ મામલે ગુરુવારે વહેલી સવારે મોટી સંખ્યામાં ગ્રામજનોએ એકઠા થઇ ટ્રેક પર ધામાં નાખી વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોની આ વાજબી માંગણી સંદર્ભે ગામના આગેવાનોએ રેલવેના અધિકારીઓ સાથે પણ ટેલિફોનિક વાત કરી હતી. જેમાં રેલવે વિભાગે લેખિતમાં રજુઆત કરવા જણાવ્યું હતુઁ અને રજુઆત બાદ તેનું વહેલી તકે નિરાકરણ લાવવા ખાતરી આપી હતી. ગ્રામજનોની આ વાજબી માંગણી છે.
તો તેની સામે ગ્રામજનો દ્વારા રેલવેની જમીન પર અતિક્રમણ કર્યું હોવાની રાવ રેલવે વિભાગની છે. રેલવે વિભાગ તરફથી હાલ અહીંથી DFCC લાઇન પસાર થતી હોય તેની કામગીરી હાથ ધરી છે. જેમાં ગામલોકોને તેની જમીનનું વળતર ચૂકવ્યા બાદ પણ એ જમીન પર અતિક્રમણ કર્યું છે. જે જમીન ખુલી કરવા માટે રેલવે એ જણાવ્યું હોવા છતાં ગામલોકો તે અતિક્રમણ હટાવતા નથી. આમ આ મામલે બને તરફ પોતપોતાની રજુઆત હોય આ મામલો આગામી દિવસોમાં વધુ તંગ બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે જો કે હાલમાં તો ગામલોકોએ વિરોધ કરી રેલવે વિભાગને જ પોતાના ઘેરામાં લઈ લેતા મામલો રેલવેના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો છે.