વાપી મહાનગરપાલિકામાં સમાવેશ પામેલા ગામના વિરોધમાં ગામલોકોએ બુધવારે એક જાહેરસભાનું આયોજન કર્યું હતું. કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ આ જાહેરસભામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ ગામલોકોને સંબોધિત કર્યા હતાં. આ જાહેરસભામાં સૌને એક થઈ વિરોધ કરવાની હાકલ કરી હતી. અને આગામી 6 ફેબ્રુઆરી ના પારડી પ્રાંત ને આવેદનપત્ર આપી રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા બાદ તેનું વિધિવત રીતે અમલીકરણ શરૂ થઈ ગયું છે. અને મહાનગરપાલિકા દ્વારા કામોનો ધમધમાટ પણ શરૂ થઈ રહ્યો છે. જોકે બીજી બાજુ વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા 11 ગામો માં હવે ક્યાંક વિરોધનો સુર ઉઠી રહ્યો છે.
ત્યારે કોંગ્રેસ પણ હવે 11 ગામના વિરોધ કરી રહેલા લોકોની આગેવાની લઈ આ મુદ્દે આંદોલન શરૂ કરી રહી છે. બુધવારે વાપીના છેવાડે આવેલા નામધામાં કોંગ્રેસ પ્રેરિત વિરોધ રેલી યોજાઇ હતી. જેમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલની સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસના આગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ જાહેરસભામાં વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા 11 ગામમાંથી વિરોધ કરી રહેલા આગેવાનો જોડાયા હતા. કોંગ્રેસ અગ્રણીઓ અને વિરોધ કરી રહેલા સ્થાનિકોએ મહાનગરપાલિકામાં પોતાના ગામનો સમાવેશ થવાથી ગામનો વિકાસ વધુ રૂંધાશે અને લોકોને રોજિંદા પ્રશ્નોની રજૂઆત માટે પણ મુશ્કેલી ઊભી થશે. અને ટેક્સનું ભારણ પણ વધશે એવા મુદ્દાઓ આગળ કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસ અગ્રણીઓએ પણ સ્થાનિકોના વિરોધ ને વાચા આપવા આંદોલનની આગેવાની લીધી છે. આગામી છઠ્ઠી તારીખે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં 11 ગામના વિરોધ કરી રહેલા લોકો અને સ્થાનિકો સાથે કોંગ્રેસના અગ્રણીઓ આ વિરોધ રેલીમાં જોડાઈ પારડી પ્રાંત કચેરી પર જઈ વિરોધ પ્રદર્શન કરવા સાથે આવેદનપત્ર આપશે.