કોરોનાએ જ્યારે પોતાના કાળનો પંજો ફેલાવ્યો છે. ત્યારે તેના રામબાણ ઈલાજ સમી વેકસીનેશન ડ્રાઈવ ને પણ સરકારે તેજ કરી છે. જેમાં અનેક સંસ્થાઓ પણ જાગૃતતા દાખવી નાગરિકોને વેકસીનના ડોઝ લેવડાવી કોરોના સામે રક્ષણ મેળવવામાં મદદરૂપ થઇ રહી છે. વાપીમાં પણ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા 1 મહિનામાં વેકસીનેશન કેમ્પ હેઠળ 3000 નાગરિકોને નિઃશુલ્ક વેકસીનના ડોઝ અપાવ્યા છે.
વાપીમાં આરોગ્ય વિભાગ દ્વારા ચાલતા વેકસીનેશન કેમ્પનો લાભ મોટી સંખ્યામાં નાગરિકો લઈ રહ્યા છે. આવા કપરા સમયે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા પણ એક મહિનાથી VIA ખાતે ખાસ વેકસીનેશન કેમ્પનો પ્રારંભ કરી 3000 જેટલા લોકોને વેકસીન ડોઝ અપાવી કોરોના મહામારીમાં મદદરૂપ થયા છે.
વાપીના VIA હોલ ખાતે 2જી એપ્રિલથી વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વાપીમાં જે લોકો અન્ય આરોગ્ય વિભાગના કેમ્પમાં જઇ નથી શકતા તેવા લોકો અહીં વેકસીન ડોઝ લઈ શકે કોરોના સામે રક્ષણ મેળવી શકે તે ઉદ્દેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વાપી VIA ના સેક્રેટરી અને વાપી શહેર ભાજપના પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે 2જી થી 30મી એપ્રિલ સુધીમાં VIA હોલમાં ચાલી રહેલા વેકસીનેશન કેમ્પમાં અંદાજિત 3000 જેટલા લોકોએ વેકસીનના ડોઝ લીધા છે.
એ ઉપરાંત કોરોના સામે જનજાગૃતિ આવે લોકો વેકસીનના ડોઝ લેવા આગળ આવે તે માટે કેમ્પની માહિતી સાથેની વિગતોનો સોશ્યલ મીડિયાના માધ્યમથી સતત પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. VIA ના કેમ્પ પર આરોગ્યની ટીમ દરરોજ 100થી 150 લોકોને વેકસીન આપી રહી છે. વેકસીન લેવા આવનાર દરેક વ્યક્તિ માટે ખાસ બેઠક વ્યવસ્થા ઉપરાંત ચા-બિસ્કિટ નો હળવો નાસ્તો અપાય છે. આ સુવિધાનો લાભ મોટી સંખ્યામાં વાપીવાસીઓ લઈ રહ્યા છે.