Friday, January 31News That Matters

VIA માં નગરપાલિકાના પ્રાદેશિક કમિશનરની અધ્યક્ષતામાં વાપી STP ના ટ્રીટેડ પાણીને ફરી ઉપયોગમાં લેવાની ચર્ચા કરી

વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) પર્યાવરણના સંવર્ધન અને સુરક્ષા માટે જાગૃતિ લાવવા સતત પ્રયાસો કરે છે. તેમજ ઇન્ડસ્ટ્રીઝના સભ્યોને પણ આપણને પ્રાપ્ત થતાં અમૂલ્ય કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે રિસાયકલિંગની પ્રક્રિયાઓ અપનાવવા પ્રોત્સાહિત કરે છે.

વાપી નગરપાલિકાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ના ટ્રીટેડ પાણીને ફરી ઉપયોગમાં લેવાની ચર્ચા કરવા માટે વાપી નગરપાલિકા સાથે સંયુક્ત રીતે VIA માં સુરત નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર, ડૉ. ડી ડી કાપડિયા IAS ની અધ્યક્ષતામાં વાપી ઔદ્યોગિક વસાહતમાં આવેલ ઉદ્યોગોના સભ્યો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠક દરમિયાન ડૉ. કાપડિયાએ માનનીય નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા તાજેતરમાં જારી કરાયેલા આદેશ પર ભાર મૂક્યો હતો. જેમાં ઉદ્યોગોના સભ્યોને રિસાયકલ પ્રક્રિયાઓ અપનાવીને કુદરતી સંસાધનોનો વપરાશ ઘટાડી તેની બચત કરવા આગ્રહ કર્યો હતો. ત્યાર બાદ તેમણે કહ્યું કે વાપી નગરપાલિકા હાલમાં 14 MLD ની ક્ષમતા ધરાવતો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ધરાવે છે અને ટ્રીટમેન્ટ પછી તે 8 MLD ટ્રીટેડ પાણીનો નિકાલ કરે છે,

નજીકના ભવિષ્યમાં વાપી નગરપાલિકા 22 MLD ની ક્ષમતાનો ધરાવતો બીજો STP સ્થાપવાની પ્રક્રિયામાં છે, જેને કારણે વાપી ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગોના સભ્યોને ટ્રીટેડ પાણીનો વિશાળ જથ્થો પૂરો પાડી શકાશે. તેમણે વાપી નગરપાલિકાને સક્ષમ બનાવી ઉદ્યોગોને ટ્રીટેડ પાણી પુરું પાડવા માટેની નેટવર્ક સિસ્ટમ બનાવવા ખાતરી પણ આપી હતી.

ઉદ્યોગના સભ્યોએ ડૉ. કાપડિયાની દરખાસ્તની પ્રશંસા કરી અને તેમને ટ્રીટેડ પાણીમાં હાજર વિવિધ રાસાયણિક અને જૈવિક પરિમાણો નક્કી કરવા અને તેની તુલના કરવા માટે હાલમાં વાપી નોટિફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા પૂરા પાડવામાં આવતા પાણી સાથે ટ્રીટેડ વોટરની જરૂરી સરખામણી કરવા વિનંતી કરી કે જેનો ઉપયોગ ઉદ્યોગોના સભ્યોને આવા ટ્રીટેડ પાણીનો વપરાશ કરવા માટે સમજાવવા – પ્રેરિત કરવા કરી શકાય.

આ બેઠક સુરત – આરસીએમ ના કાર્યપાલક ઈજનેર કે. એસ. બાબુલ જીએએસ, જીડબ્લ્યુએસએસબી ના કાર્યપાલક ઈજનેર આર. એસ. ભુસારા, વાપી નગરપાલિકા પ્રમુખ કાશ્મીરાબેન શાહ, VIA ના ઉપપ્રમુખ મગનભાઈ સાવલિયા, મંત્રી કલ્પેશભાઈ વોરા, ખજાનચી રાજુલભાઈ શાહ, VIA ના ભૂતપૂર્વ પ્રમુખ કમલેશભાઈ પટેલ, VIA ના કારોબારી સમિતિના સભ્યો જેવા કે, સંજય સવાણી, કાંતિભાઈ ગોગદાણી, હેમાંગ નાયક, શૈલેન્દ્ર વિસપુતે, સુરેશ પટેલ, મધુકર જોશુઆ, નીતિન ઓઝા, રિકેન ટંડેલ અને વાપી નગરપાલિકાની કમિટીના ચેરમેન તથા VIA ના કારોબારી સમિતિના સભ્ય મિતેશ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *