Friday, October 18News That Matters

વાપીમાં VGEL ની AGM માં CETP ની ક્ષમતા, પાઇપલાઇન પ્રોજેકટ, સોલિડ વેસ્ટ સાઇટ, NGT અને પર્યાવરણ બાબતે ચર્ચા કરી વાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો

વાપીમાં ઉદ્યોગો દ્વારા ફેલાતા પ્રદૂષણ ઉપર અંકુશ લાવવા સાથે ઉદ્યોગકારોની આર્થિક પ્રગતિને ધ્યાનમાં રાખીને 25 વર્ષથી વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ નામની કંપનીની સ્થાપના કરવામાં આવેલી છે. જેની VGELના બોર્ડ ઓફ ડિરેક્ટરોની અને મેમ્બરોની ઉપસ્થિતિમાં વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2020-21 અને વર્ષ 2021-22 માં કંપનીએ કરેલી પ્રગતિ અને તેમના વિવિધ પ્રોજેક્ટની પાવર પ્રેઝન્ટેશનથી ચર્ચા કરવામાં આવી હતી. VGELની આ એન્યુઅલ જનરલ મીટીંગમાં નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ પર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વાપીમાં આવેલ VIA ઓડિટોરિયમ ખાતે વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ કંપનીની 25મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મિટિંગમાં ખાસ ઉપસ્થિત રહેલા નોમિની ડિરેક્ટર એવા કનુભાઈ દેસાઈ, યોગેશ કાબરીયા અને અન્ય ડિરેક્ટરોએ એ જણાવ્યું હતું કે વાપી ગ્રીન 25 વર્ષથી વાપીને સુંદર પર્યાવરણ આપવાની કોશિશ કરી રહ્યું છે.
આ 25 મી વાર્ષિક સાધારણ સભામાં કંપનીએ કરેલી કામગીરીની ચર્ચા તેમજ કંપનીનો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. મિટિંગમાં મુખ્યત્વે પર્યાવરણની દ્રષ્ટિએ ઘન કચરાના નિકાલ ની વ્યવસ્થા, CETP માં કંપનીઓના એફલ્યુઅન્ટને ટ્રીટ કરવાની ક્ષમતા વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં CETP ના 55 MLD કેપેસિટી ના પ્લાન્ટ ને 70 MLD ની કેપેસિટી સુધી વધારવાના પ્રશ્નનું નિરાકરણ આવે તે અંગે ચર્ચા કરાઈ હતી.
પર્યાવરણ રક્ષા માટે VGELની કામગીરીની સરાહના કરતા કનુભાઈ દેસાઈએ આ પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વની ઇકોનોમીની સરખામણીએ ભારત હાલ ઇંગ્લેન્ડની ઇકોનોમીને પછાડી આગળ નીકળી ગયુ છે. વડાપ્રધાન મોદીના 5 ટ્રીલીયન ઇકોનોમીનું સ્વપ્ન છે. તે સર કરી શકીશું તેઓ આશાવાદ મીટીંગમાં વ્યક્ત કરાયો હતો. એ ઉપરાંત CETP ના પાઇપલાઇન પ્રોજેક્ટ અંગે બજેટમાં જરૂરિયાત મુજબ પ્રાવધાન કરી તે પ્રોજેક્ટને આગળ વધારવામાં આવી રહ્યો છે. NGT અને કામદારોના પ્રશ્નો અંગે ઉદ્યોગકારો સેલ્ફ ડીસીપ્લીન માં આગળ વધે તેવી ટકોર નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ કરી હતી.
VGELની આ વાર્ષિક સભા અંગે નોમીની ડિરેક્ટર યોગેશ કાબરીયાએ જણાવ્યું હતું કે, આ મિટિંગમાં વાપીના ઉદ્યોગ ક્ષેત્રના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં જ કેગના રિપોર્ટ મુજબ વાપીમાં પોલ્યુશન ઘટયું છે. ત્યારે, પર્યાવરણની જાળવણી સાથે ઉદ્યોગકારો આર્થિક વિકાસ કરે તેવી ચર્ચા થઈ હતી. તેમજ આ વખતના વાર્ષિક રિપોર્ટમાં રિઝર્વ ભંડોળને લઈને તેમણે જણાવ્યું હતું કે દેશમાં કોલસાનો ભાવ વધવાના કારણે અને કોરોનાના કાળમાં ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતા ઘટવાને કારણે રિઝર્વ બેલેન્સમાં જોઈએ તેવો ફાયદો જોવા મળતો નથી. પરંતુ વાપીના ઉદ્યોગકારો માટે જે મહત્વની જરૂરિયાત હતી તે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સાઈટ અંગે સુખદ સમાધાન થયું છે. 25 એકરના વિસ્તારમાં ચોમાસા સુધીમાં આ સાઇટ કાર્યરત થશે જે બાદ હાલમાં જે ઔદ્યોગિક ઘન કચરો બાલાસિનોર સુધી મોકલવો પડે છે તેમાંથી ઉદ્યોગકારોને છુટકારો મળશે. આ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સાઈડની કેપેસિટી બે લાખ મેટ્રિક ટન ની હોય આગામી ત્રણ વર્ષ સુધી તેને ઉપયોગમાં લઈ શકાશે.
યોગેશ કાબરીયાએ વધુમાં જણાવ્યું હતું કે વાપી ગ્રીનના વિવિધ પ્રોજેકટ પેન્ડિંગ હતા. જેમાં કાનુભાઈના પ્રયાસથી વિશેષ સફળતા મળી છે. અને અંદાજિત 400 કરોડ આસપાસના વિવિધ પ્રોજેક્ટની મંજૂરી મેળવી તેમને પૂર્ણ કરવા તરફ આગળ વધવામાં સફળતા મળી છે.
ઉલ્લેખનીય છે કે VGEL 25મી વાર્ષિક સાધારણ સભામાં NGT માં ચાલી રહેલા કેસ અંગે પણ ચર્ચા કરી ઉદ્યોગોને પર્યાવરણીય ક્ષેત્રે શિસ્ત જાળવવા અપીલ કરી હતી. તેમણે એવું પણ જણાવ્યું હતું કે વાપીના પર્યાવરણીય ક્ષેત્રે ચાલતા સારા કાર્યને લઈને CPCB એ પણ સરાહના કરી છે. જોકે કેટલીક NGO સંસ્થાના કારણે પર્યાવરણીય ક્ષેત્રે વાપીની મુશ્કેલીમાં વધારો થતો હોય છે.
મિટિંગ દરમ્યાન વાર્ષિક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં VGEL ની વર્ષ 2020-2021ની સરખામણીએ વર્ષ 2021-2022માં થયેલ આવકમાં 2020-2021માં 7,276.92 લાખ હતી. જે વર્ષ 2021-2022માં વધીને 7,672.45 થઈ હતી. જેમાંથી વિવિધ સામગ્રીનો ખર્ચ, કર્મચારી લાભ ખર્ચ, નાણાંકીય ખર્ચ, અવમૂલ્યન, અન્ય ખર્ચ, કુલ ખર્ચ સાથે વર્ષના અંતે 2280.53 લાખની રકમ ચોખ્ખી સરપ્લસ રહી હતી. જે ગત વર્ષે 2020-2021ની સરખામણીએ 328.74 લાખ વધુ રહી હતી. એન્યુઅલ જનરલ મિટિંગમાં તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, સંસ્થાના ઔદ્યોગિક સભ્યો, નોટિફાઇડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *