Friday, October 18News That Matters

વાપીની વાઈટલ લેબોરેટરીઝમાં એક વર્ષમાં 4 વાર આગ લાગી, તંત્રનું સેટિંગ ડોટ કોમ?

વાપી :- વલસાડ જિલ્લામાં આવેલ વાપી GIDC માં ઔદ્યોગિક એકમોમાં આગના બનાવો સામાન્ય છે. પરંતું કેટલાક એકમો આગ લગાડવામા જાણે પોતાનો રેકોર્ડ બનાવી રહ્યા છે. આવો જ રેકોર્ડ હાલ વાપીની વાઈટલ લેબોરેટરીઝ કંપની બનાવી રહી છે. આપને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા એક વર્ષમાં વાઈટલ લેબોરેટરીઝમાં 4 વખત આગના બનાવો બન્યા છે. 

 

વાપીના 3rd ફેઇઝમાં વાઈટલ લેબોરેટરીઝ કંપનીના યુનિટ 1 અને યુનિટ 2 પ્લાન્ટ આવેલા છે. જેમાં એક વર્ષમાં 4 વખત બનેલા આગના બનાવોમાં 2 કામદારોના જીવ ગયા છે. 10 થી વધુ કામદારો કાયમ માટે ખોડખાંપણ નો ભોગ બન્યા છે. એક કરોડનો દંડ વસુલાયો છે. તેમ છતાં ફાયર સેફટીની બાબતે હજુ પણ કંપની બેદરકાર છે અને કામદારોએ જીવન જોખમે કામ કરવું પડી રહ્યું છે.
3જી જાન્યુઆરી 2021માં વાઈટલ કંપનીના યુનિટ 1 માં ભીષણ આગ ભભૂકી ઉઠતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આસપાસના વિસ્તારમાં આવેલી કંપનીઓના સંચાલકો અને રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બે દિવસે આગ પર કાબુ મેળવ્યા બાદ કંપનીમાં ફાયર સેફટીના અભાવે અને બેદરકારીએ આગ લાગી હોવાના તારણ પર GPCB એ 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કંપનીમાં કરોડોનું નુકસાન થયું હતું. કંપની એક વર્ષ સુધી કાર્યરત નહિ થઈ શકે તેવી વાત સંચાલકોએ કરી હતી.
પરંતુ આ તમામ નર્યા જુઠ્ઠાણા હોય તેવું સાબિત થયું છે. કંપનીમાં ફરી આ એક જ પખવાડિયામાં 2 વખત આગના બનાવો બન્યાં છે. જો કંપની એક વર્ષ સુધી કાર્યરત થઈ શકે તેમ નહોતી તો માત્ર 6 મહિનામાં કઈ રીતે કાર્યરત થઈ ગઈ?  તે સવાલ આસપાસના ઔદ્યોગિક એકમોના સંચાલકોમાં ઉઠ્યા છે. આ અંગે નોટિફાઇડ ફાયર વિભાગમાંથી વિગતો મળી હતી કે કંપનીમાં 26મી જૂને રાત્રે અઢી વાગ્યે આગ લાગી હતી. એ અગાઉ પાંચેક દિવસ પહેલા પણ આગ લાગી હતી. જો કે આગમાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ કંપનીમાં ફાયર સેફટીના નામે સંપૂર્ણ બેદરકારી હોવાનું ફાયરના ધ્યાને આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વાઈટલ લેબોરેટરીઝ કંપનીમાં એક વર્ષમાં 4 વખત આગ લાગી છે. વર્ષ 2020માં નવેમ્બર મહિનામાં લાગેલી આગ અને બ્લાસ્ટમાં 7 કામદારો દાઝ્યા હતાં. કંપની સંચાલકો ફાયર સેફટીની બાબતે બેદરકાર છે. તે દર વખતે પુરવાર થયું છે. કંપનીમાં ફાયર સેફટીના તમામ નિયમોને નેવે મૂકી બાંધકામ કર્યું છે. ઉપરાંત આગના બનાવો બને તો તે માટે ખાસ કોઈ ટ્રેનિંગ સ્ટાફ નથી.
દર વખતે આ કંપનીમાં આગ લાગે ત્યારે નજીકમાં આવેલ હેરમ્બા કંપનીમાં કામ કરતા કામદારોના જીવ તાળવે ચોંટી જાય છે. હેરમ્બા કેમીકલ કંપની છે. વાઈટલની આગ ક્યારેક આ કંપનીમાં અને તે સિવાયની આસપાસની અન્ય કંપનીઓ, રહેણાંક વિસ્તારમાં મોટી જાનમાલની નુકસાની સર્જી શકે તેવી ભીતિ છે. જો કે દર વખતે ફાયર સેફટી ઓફિસર અને GPCB ને નાણાંનું નૈવેધ ધરી દેતા કંપની સંચાલકો સામે કોઈ કાર્યવાહી થતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *