દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પુર રૂપી પાણીની કુદરતી આફતમાં વરસી છે. ત્યારે વાપીની જમીયત ઉલમાએ ટ્રસ્ટ પુરગ્રસ્તોના વહારે આવી છે. વલસાડમાં પુરગ્રસ્તોને અનાજ, પાણી, પ્લાસ્ટિકનું દાન કર્યા બાદ નવસારીમાં પુરગ્રસ્તો ને મદદરૂપ થવા શુક્રવારે સંસ્થા દ્વારા 100 અનાજની કીટ, દૂધ, પાણી, બિસ્કિટની કીટ તૈયાર કરી રવાના કરી હતી.
કહેવાય છે કે કોઈપણ કુદરતી આફત કે માનવસર્જિત આફતમાં મનુષ્ય બીજાને મદદરૂપ થતો રહેશે ત્યાં સુધી ઉપરવાળો મલિક પણ તેને મદદ કરતો રહેશે. કેમ કે જરૂરિયાતમંદ વ્યક્તિને મદદરૂપ થવું એ જ માનવતા ઇન્સાનિયત ની ખીદમત છે. ત્યારે હાલમાં જ વલસાડ જિલ્લામાં અને નવસારી જિલ્લામાં આવેલી પુર રૂપી કુદરતી આફત માં મોટી સંખ્યામાં લોકોએ પારાવાર મુશ્કેલી વેઠી છે. અનેક લોકોના ઘરનો તમામ સામાન અને જીવનભરની મૂડી પુરના પાણીમાં તણાઈ ગઈ છે. ત્યારે આવા પુરગ્રસ્તોની વહારે વાપીની જમીયત ઉલમાએ ટ્રસ્ટ આગળ આવ્યું છે.
જમીયત ઉલમાએ ટ્રસ્ટ વાપીના પ્રમુખ ઇન્તેખાબ ખાન અને તેના સભ્યોએ પૂરગ્રસ્ત લોકોને મદદરૂપ થવા ટહેલ નાખી હતી. જે બાદ અનેક દાતાઓએ આગળ આવી કોઈપણ ધર્મના ભેદભાવ વગર દાનનો ધોધ વહાવ્યો છે. જેમાંથી પુરગ્રસ્તો માટે અનાજ, બિસ્કિટ, પાણી, પ્લાસ્ટિક જેવી ચીજવસ્તુઓની ખરીદી કરી 100 જેટલી રિલીફ કીટ બનાવી પહેલા વલસાડના પુરગ્રસ્તો ને મદદરૂપ થયા હતાં.
જે બાદ નવસારીમાં પણ વરસાદે તારાજી સર્જી હોય ફરીવાર દાતાઓના સહયોગમાં વધુ 100 અનાજની કીટ, દૂધ, બિસ્કિટ, પાણીની બોટલો સહિતની રાહત સામગ્રી તૈયાર કરી શુક્રવારે વાપીથી નવસારી રવાના કરી હતી. ઇન્તેખાબ ખાને જણાવ્યું હતું કે આ તમામ સામગ્રી કોઈપણ ધાર્મિક ભેદભાવ વગર તમામ જરૂરિયાત વાળા પુરગ્રસ્તો ને આપવામાં આવશે.
રિલીફ કીટ માટે વાપીના ઉદ્યોગકારો, સહિત અનેક નામી અનામી હસ્તીઓએ મદદ કરી છે. અને વાપીની જેમ ભિલાડ અને અન્ય વિસ્તારમાંથી પણ રિલીફ કીટ તૈયાર કરી નવસારી રવાના કરવામાં આવી છે. જે બતાવે છે કે, ફરી એકવાર વાપી-વલસાડની જનતાએ કોરોનાની જેમ એકસંપ થઈ માનવતાની અનોખી મિશાલ પેશ કરી છે.