25મી સપ્ટેમ્બરને વિશ્વભરમાં World Lung Day (વિશ્વ ફેફસા દિવસ) તરીકે મનાવવામાં આવે છે. હાલમાં કોરોના કાળ દરમ્યાન ફેફસાના રોગ કેટલા જીવલેણ સાબિત થઈ શકે છે. અને ફેફસા મનુષ્ય માટે કેટલું મહત્વનું અવયવ છે. તે અંગે લોકો જાગૃત થયા છે. ત્યારે ફેફસાને સ્વસ્થ રાખી દરેક મનુષ્ય જીવલેણ બીમારી સામે રક્ષણ મેળવી શકે તેવા શુભ ઉદેશયથી વાપીના જાણીતા ચેસ્ટ ફિઝિશયન ડૉ. ચિંતન પટેલે વિશ્વ ફેફસા દિવસની ઉજવણી સાથે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે.
વાપીમાં આવેલ આશાધામ સ્કૂલના ઓડિટોરિયમ માં વાપીના જાણીતા ચેસ્ટ ફિઝિશયન ડૉ. ચિંતન પટેલે વર્લ્ડ લંગ ડે ની ઉજવણી સાથે ફેફસા અંગે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ સાથે વિશેષ ઝુંબેશની શરૂઆત કરી હતી. આ પ્રસંગે ડૉ. ચિંતન પટેલે જણાવ્યું હતું કે વિશ્વભરમાં મનુષ્ય શ્વાસ સાથે આવે છે. અને શ્વાસ સાથે જાય છે. મનુષ્યને શુદ્ધ હવા મળવી આવશ્યક છે. તો, સાથે તેના ફેફસા ને તંદુરસ્ત રાખવા પણ એટલા જ જરૂરી છે.

મનુષ્યમાં વર્ષોથી ફેફસાને કારણે શરદી, ખાંસી, ન્યુમોનિયા, અસ્થમા જેવા રોગો થાય છે. જેનાથી લાંબે ગાળે ફેફસા નબળા પડે છે. તેમની કાર્યક્ષમતા ઘટે છે. જે ક્યારેક મનુષ્ય માટે જીવલેણ બને છે. વિશ્વમાં અને ભારત દેશમાં ઔદ્યોગિક પ્રદુષણ, વાહન પ્રદુષણ, અશુદ્ધ હવા ફેફસાને નબળા કરવા માટે મુખ્ય ભૂમિકા ભજવડ છે. તે સાથે લોકોની બદલાતી લાઇફસ્ટાઇલ, માનસિક તાણ પણ હવે મહત્વનું કારણ બન્યું છે. લોકોની બદલાયેલા લાઈફસ્ટાઈલમાં બેઠાડુ જીવન, મોબાઈલ, ટીવીનું વળગણ ફેફસા માટે નુકસાન કારક સાબિત થઈ રહ્યું છે

હાલમાં કોરોના ના કારણે ફેફસાના દર્દીઓમાં વધારો થયો હતો. કોરોના બાદ પણ ફેફસાના દર્દીઓ વધુ જોવા મળી રહ્યા છે.સામાન્ય રીતે 40 વર્ષની ઉંમર બાદ ફેફસાની કાર્યક્ષમતામાં ધીરેધીરે ઘટાડો આવે છે. એટલે આ તમામ પરિબળોને ધ્યાને રાખી લોકો ફેફસાની તંદુરસ્તી માટે જાગૃત બને તેવો સંદેશ સમાજમાં આપવા આ ઝુંબેશ આજના વિશ્વ ફેફસા દિવસથી શરૂ કરી છે. જેમાં 25મી સપ્ટેમ્બર થી 22 ઓક્ટોબર દરમ્યાન નિઃશુલ્ક ફેફસાની તપાસ અંગેના વર્કશોપ, વૃક્ષારોપણ, Lung Festival, Neon Garba, Neon Lung Run જેવા વિવિધ અયોજનો કરવામાં આવ્યાં છે.

આ વિશ્વ ફેફસા દિવસે ટ્વીનસિટી ક્લિનિક અને શવિશાંક ફાઉન્ડેશનના સહયોગમાં લંગ હેલ્થ ફોર ઓલની વૈશ્વિક થીમ પર લંગ ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશનો હેતુ સમાજમાં જાગૃતિ લાવવાનો છે. ફેફસાના સ્વાસ્થ્ય વિશે અને સારા સ્વાસ્થ્ય માટે રોગની વહેલી શોધ વિશે પણ દેશભરના તમામ નાગરિકોને અપીલ કરી છે. જેથી ફેફસાના વિવિધ રોગો જેમ કે અસ્થમા, સીઓપીડી, ટીબી, ફેફસાના કેન્સર જેવા રોગોની પ્રતિકૂળ અસરોને રોકી તેને ઉગતા જ ડામી શકાય.

ડૉ. ચિંતન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ફેફસાને સ્વસ્થ રાખી તંદુરસ્ત જીવન જીવવા માટે લોકોએ દિવસ દરમ્યાન 10 થી 45 મિનિટ સુધી હળવી કસરતો જેવી કે વોકિંગ કરવું, ઘરકામ કરવું, રનિંગ કરવું, વિવિધ મનપસંદ રમતો રમવી, 8 કલાક સરેરાશ ઊંઘ લેવી, ખાનપાન માં કાળજી રાખવી, માનસિક તાણ થી દુર રહેવું, મોબાઈલ ટીવીથી દૂર રહી પરિવાર સાથે સમય વિતાવવો જેવી પ્રવૃતિઓ ફેફસાંને તંદુરસ્ત રાખે છે.

આજના આ વિશ્વ લંગ ડે નિમિતે અને લંગ ઝુંબેશ પ્રસંગે વાપીના જાણીતા ENT સર્જન ડૉ. મોહન દેવ, દમણના તબીબ ડૉ. પંકજ દેસાઈ, માં ફાઉન્ડેશનના અમિત મહેતા, કરાટે ટ્રેનર કિરણ પ્રજાપતિ અને શાળા કોલેજના બાળકો ઉપસ્થિત રહ્યા હતાં. જેમની હાજરીમાં ફુગ્ગાથી તૈયાર કરેલ વિશાળ ફેફસાની પ્રતિકૃતિનું અનાવરણ કરી ફુગ્ગા ફુલાવી દરેકના ફેફસાની કાર્યક્ષમતા કેટલી છે તેનું માર્ગદર્શન અને જાણકારી પુરી પાડી હતી.