વલસાડ જિલ્લાના વાપીમાં આવેલ 21st સેન્ચ્યુરી કેન્સર કેર હોસ્પિટલ ખાતે રોબોટિક સર્જરી માટે યુકેથી વિશિષ્ટ મશીન મંગાવવામાં આવ્યું છે. કેન્સર, પેટની બીમારીઓ અને સ્ત્રીરોગ સંબંધિત બીમારીઓની સર્જરીમાં અતિ ઉપયોગી આ રોબોટિક સર્જરી મશીનનો રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
કેન્સર જેવા રોગ માટે મંગાવવામાં આવેલ આ અદ્યતન રોબોટિક સર્જરી સિસ્ટમ અંગે ડૉ. કિશોર નાડકર્ણી અને ડૉ. અક્ષય નાડકર્ણીએ જણાવ્યું હતું કે, દેશમાં હાલમાં લેપ્રોસ્કોપિક સર્જરી કરવામાં આવે છે. જેની સામે રોબોટિક સર્જરીના અનેક ફાયદા છે. રોબોટિક સિસ્ટમ્સમાં 3D ઇમેજિન અને આર્ટિક્યુબેટેડ ટૂલ્સ હોય છે. આ અદ્યતન સાધનો સાથે કરવામાં આવતી સર્જરીથી દર્દીઓને વધુ સમય માટે હોસ્પિટલમાં રોકાવું નથી પડતું. દર્દીના શરીરમાં ચીરફાડ કરવાને બદલે માત્ર 3 હોલ કરી સર્જરી કરવામાં આવે છે. એટલે વધુ લોહી વહેતુ નથી. વધુ લોહીની જરૂર પડતી નથી. દર્દી વહેલો તેમની પ્રવુતિમાં પાછો ફરી શકે છે. સર્જરી બાદ દર્દીના શરીર પર કોઈ મોટા નિશાન રહેતા નથી. આ રોબોટિક સર્જરીમાં સર્જન દર્દીના શરીરને સ્પર્શ કર્યા વિના રોબોટિક સિસ્ટમને કમાન્ડ આપી સર્જરી કરે છે. એટલે તે પણ ઓછો થાક અનુભવે છે. શરીરમાં સાંકળી જગ્યામાં આ ટુલ્સ થી સચોટ સર્જરી કરી શકાય છે.
આ રોબિટીક સર્જરી મશીન વસાવતા પહેલા ડૉ. અક્ષય નાડકર્ણી અને તેમની ટીમે 3 મહિનાની તાલીમ અને મુશ્કેલ પરીક્ષાઓ પાસ કરી આખરે રોબોટિક સર્જન તરીકેનું પ્રમાણપત્ર મેળવ્યું છે. આટલી મોંઘી સર્જરી સિસ્ટમ લાવવાના ઉદેશ્ય અંગે તેમણે જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના લોકોએ રોબોટિક સર્જરી માટે મુંબઈ કે સુરત જવું પડે છે. જે ધ્યાને આવતા કેન્સર, સ્ત્રીરોગ અને પેટની સર્જરી કરાવવા માંગતા દર્દીઓને લાભ આપવાનો છે.
આ મોંધી રોબોટિક સર્જરી 30 ઓક્ટોબર સુધી કેન્સરના દર્દીઓ અને સ્ત્રીરોગના દર્દીઓ માટે 1.25 લાખના નજીવા દરે કરવામાં આવશે. ડો. અક્ષય નાડકર્ણી અને તેમની ટીમ રસ ધરાવતા દર્દીઓ અને તેમના પરિવારોને રોબોટિક સિસ્ટમના વ્યક્તિગત ફાયદાથી વાકેફ કરી તેનો લાભ આપશે. આ સાથે સ્વ. ડૉ. પૂર્ણિમા નાડકર્ણી મેમોરિયલ કેન્સર રિલીફ ફંડનું પણ અવેક્ષા 21st સેન્ચ્યુરી ખાતે કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો. અદિતી નાડકર્ણી, ડો વૈભવ નાડકર્ણી, ડૉ. સૌમ્યા નાડકર્ણી, ડૉ. ઝેહાન ઈરાની, વરિષ્ઠ તબીબો, ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતાં.