હેડિંગ વાંચીને જ વાંચકોને સમજાઈ ગયું હશે કે આ લેખ રશિયા યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધ બાદ ભારતના વિદ્યાર્થીઓને સરકારે ઉગાર્યા અને જે તે રાજ્યના જે તે જિલ્લાના ગામના વતન સુધી હેમખેમ પહોંચેલા વિદ્યાર્થીઓને હોંશે હોંશે મળી ફોટો ખેંચાવતા નેતાઓ ને વખડતો હશે. તો એ અનુમાન સાચું છે. કેમ કે આ પ્રકારનો શિષ્ટાચાર વખોડવાને લાયક જ છે.
દેશમાં મેડીકલક્ષેત્રે અનેક સારી કોલેજો છે. હજારો વિદ્યાર્થીઓ સરકારની ગ્રાન્ટ પર સરકારી કે ખાનગી કોલેજોમાં મેડીકલક્ષેત્રે અભ્યાસ કરે છે. તેમ છતાં આપણી શિક્ષણ વ્યવસ્થાને કોષી લોન લઈ કે ઉધારી કરીને વિદેશમાં મેડીકલક્ષેત્રે અભ્યાસ કરવાની ઘેલછા ધરાવતા વિદ્યાર્થીઓ અભ્યાસ બાદ પણ દેશમાં પરત ફરી તેનું શું યોગદાન આપશે તેની કોઈ ખાતરી નથી.

આવા વિદ્યાર્થીઓ અને તેના માતાપિતા વળી પાછા જો એવા દેશમાં યુદ્ધ ફાટી નીકળે કે મહામારી ફાટી નીકળે ત્યારે સરકારને કોષી રોદણા રડે સરકાર પોતાના ખર્ચે સરકારી કર્મચારીઓને જીવન જોખમે કે સેનાના જવાનોના બલિદાન આપી વતન લાવે અને જેવું બધું શાંત થાય કે ફરી પાછા આ જ વિદ્યાર્થીઓ કે તેમના માતાપિતા એ જ સરકારને દેશની શિક્ષણ વ્યવસ્થાને કોષી વિદેશમાં અભ્યાસ કરવા ઉપડી જાય છે.

હાલમાં પણ એ જ પરિસ્થિતિ છે. રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટ્યું કે તરત જ વિદ્યાર્થીઓએ અને તેમના માતાપિતાએ વીડિઓ કોલ કરી રોદણાં રડવાનું શરૂ કર્યું. અધૂરામાં પૂરું મીડિયા જગત પણ જાણે એ યુદ્ધના દેશ માટે મરી ફિટતા જવાનો હોય કે તેમના પરિવારજનો હોય તેમ તેમના સમાચારો પ્રસારિત કરી સરકારની ઘોર ખોદી નાખી. સરકારે પણ પોતાની ફરજ સમજી પોતાના ખર્ચે આવા વિદ્યાર્થીઓ ને વતન લાવવા ફ્લાઇટ શરૂ કરી અને ડિપ્લોમેટિક વાટાઘાટો કરી વિદ્યાર્થીઓ ને ભારત પરત લાવવાનું અભિયાન પાર પાડ્યું. હજુ પણ પાર પાડી રહ્યા છે.

હવે એમાં જે વિદ્યાર્થીઓ પરત આવ્યા છે તેને વળી હરખપદુડા નેતાઓ કે જેમાં કોઈ સાંસદ ધારાસભ્ય છે. કોઈ રાજયકક્ષાના મંત્રી છે. કોઈ વળી સરકારી ઉચ્ચ હોદ્દો ધરાવતા અધિકારીઓ છે. કે જેઓ કોઈના આમંત્રણ વિના ઓફીસ બહાર પગ નથી મુકતા તે લોકો એવા વિદ્યાર્થીઓના ઘરે તેમને મળવા જઇ રહ્યા છે. અને તેના ફોટા ખેંચાવી, વીડિઓ ઉતારી પ્રેસનોટ છપાવી વાહવાહી મેળવી રહ્યા છે.

જેને યુદ્ધ સમયની સ્થતિમાંથી દેશની સરકાર પોતાના ખર્ચે પરત લાવી હોય, એરપોર્ટથી છેક તેમના રાજ્યના જે તે જિલ્લાના, તાલુકાના કે ગામના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી ઉપાડી હોય તે સરકારના પ્રતિનિધિઓએ એવા વિદ્યાર્થીઓના ઘરે જવું જોઈએ કે એવા વિદ્યાર્થીઓના માતાપિતાએ તેમને ત્યાં જઈ સરકારનો આભાર માનવો જોઈએ?

જ્યારે એક સેનાનો જવાન કે પોલીસ જવાન દેશ માટે શહીદ થાય છે ત્યારે તેના બલિદાનને સ્ટુડિયો ડિસ્કસમાં વખોડતું મીડિયા આવા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લેવા પડાપડી કરે છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ વળી એમાં હોંશે હોંશે પોતાની કહાનીઓ સંભળાવે છે.

હવે આ પણ વાંચો કે સુરતમાં રોજે રોજે એક દુકાને આવી યુક્રેન રશિયાના યુદ્ધની ચર્ચા કરી એકબીજાને સલાહ આપતા ગ્રાહકોથી કંટાળી દુકાનદારે દુકાન બહાર બોર્ડ માર્યું કે અહીં યુદ્ધની કોઈ વાત કરી ટાઈમપાસ કરવો નહીં. આ દુકાનદાર કેટલો કંટાળ્યો હશે.