વલસાડ જિલ્લાના ઉમરગામની ન્યુ GIDC ખાતે આવેલી એક કંપની સામે ખુલ્લી જમીનમાં આવેલી ઝાડીઓમાં યુવકની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે ઘટનાની તપાસ માં પોલીસને સફળતા મળી છે. અને હત્યાના પાંચ જ દિવસમાં હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ નવી જીઆઇડીસી વિસ્તારને અડીને દેહરી ગામની હદમાં કાર્બન કંપની નજીક પાંચેક દિવસ પહેલા ઓમપ્રકાશ હીરાલાલ પટેલ નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારનાર હત્યારો સત્યેન્દ્ર ઉર્ફે સચિન કેશલાલ શંભુ પાલ ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ઉમરગામ પોલીસ, SOG અને LCB ની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સ આધારે ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
જે અંગે વાપી ડિવિઝનના ASP શ્રીપાલ શેષમાં એ વિગતો આપતા જણાવ્યું હતું કે, મૃતક ઓમપ્રકાશ પટેલ અને હત્યા કરનાર સત્યેન્દ્ર ઉર્ફે સચિન બન્ને મૂળ યુપીના રહેવાસીઓ હતાં. ઉમરગામ માં એક જ કંપનીમાં કામ કરતા હોય મિત્રો હતાં. જો કે સત્યેન્દ્રને થોડા દિવસ પહેલા કંપનીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. જેમાં ઓમપ્રકાશ ના કારણે તેને કાઢી મુક્યો હોવાની શંકા સત્યેન્દ્ર ને હતી. તેમજ તેનો અકસ્માત થયો હતો. તે પણ ઓમપ્રકાશે જ કરાવ્યો હોવાનું ધારી તેની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. જે બાદ ઓમપ્રકાશ ને દારૂની પાર્ટી આપવાનાં બહાને બોલાવી દારૂ પીવડાવી કોયતા જેવા હથિયાર વડે સત્યેન્દ્ર હત્યા કરી ફરાર થઈ ગયો હતો.
પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા પ્રયાસો હાથ ધર્યા હતા. 50થી વધુ શંકાસ્પદ ઇસમોની LCB અને SOGની ટીમે અલગ અલગ પૂછપરછ હાથ ધરી છે. જે આધારે હત્યા કરનાર સત્યેન્દ્ર ને દબોચી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે મૃતક ઓમ પ્રકાશ પટેલ કવિતાઓ લખવાનો શોખીન હતો.ઉમરગામ ખાતે આવેલી એક ચાલીમાં તેના ભાઈ અને પરિવારની નજીકમાં રૂમ રાખી રહેતો હતો. મૂળ તે યુપીના જોનપુર જિલ્લાનો વતની હતો. જેની તેના જ મિત્રએ અંગત અદાવતમાં મોઢાના અને ગરદનના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાસી ગયો હતો.