દમણમાં મોટાપાયે જુગારના અડ્ડા ધમધમે છે. જેમાં પોલીસ અધિકારીથી માંડીને અનેક લુખ્ખા પત્રકારો ન્યાલ થઈ રહ્યા છે. ત્યારે છેલ્લા એકાદ સપ્તાહથી દમણમાં જુગારના અડ્ડા ચલાવવામાં કુખ્યાત ગણાતી ગેંગે તેમનો વિસ્તાર વધાર્યો છે. જેમાં આડખીલ્લીરૂપ ના બને તે માટે પોલીસ-પત્રકારોને પણ નિયમિત હપ્તો મળતો રહે તેવું નેટવર્ક ગોઠવવાની જવાબદારી કેટલાક લુખ્ખા કહેવાતા તોડબાજ પત્રકારોને સોંપી હોવાની વિગતો સામે આવી છે. આ કહેવાતા પત્રકારો અન્ય સમજુ પત્રકારોને અને પોલીસ અધિકારીઓને રહેમ નજર રાખવા મનાવી રહ્યા છે.
આગામી 9મી જુલાઇથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે. શ્રાવણ માસમાં જુગાર રમવાનું ચલણ ખૂબ મોટું છે. ત્યારે આ મહિનામાં અઠંગ જુગારીયાઓ અને જુગારના અડ્ડા ચલાવનારા નામચીન શખ્સોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દમણ પણ જુગારના અડ્ડા માટે જાણીતું છે. દમણ જેમ જેમ પ્રવાસન માટે પ્રખ્યાત થઈ રહ્યું છે તેમ તેમ જુગારના અડ્ડાઓ માટે પણ ફેમસ થઈ રહ્યું છે. દમણ જુગાર માટે ગોવા અને મુંબઇ પછીનું બહું મોટું મથક બની ગયું છે. અહી ગેરકાયદેસર દારૂ વેચાણ અને જુગારના અડ્ડાઓ ઉપર કેટલાય અધિકારીઓ નભી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા દમણનો વિકાસ થાય તે માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવી રહ્યા છે. ત્યારે, બીજી તરફ દમણની પ્રજાના વિનાશ માટે અહીં જુગારના પણ પરવાના અપાઈ ગયા છે.
એક તરફ પ્રશાસક દમણને પર્યટન ક્ષેત્રે આગવી ઓળખ અપાવવા મથામણ કરી રહ્યા છે. જ્યારે પોલીસતંત્ર આવા જુગરિયાઓની પ્રોત્સાહન આપી દમણ ને જુગારધામ બનાવી રહ્યા છે. દમણનાં પાતલીયા, ડાભેલ, કચીગામમાં અનેક જુગારના અડ્ડા ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે. જેમાં શ્રાવણ માસને ધ્યાને રાખી દમણની મોટી હોટલોમાં પણ વિશેષ બંદોબસ્ત સાથે હાઇપ્રોફાઇલ ગેમ્બલીંગ શરૂ થઇ ગયું છે. સૌરાષ્ટ્ર-ગુજરાત અને મહારાષ્ટ્રથી શોખીન લોકો જુગાર રમવા આવી રહ્યા છે. કેટલાક હાઈ પ્રોફાઈલ જુગારધામમાંં તો ખાસ જુગારિયાઓને વિશેષ પ્રલોભન આપી આમંત્રણ અપાઈ રહ્યા છે.
શ્રાવણ મહિનો શરૂ થવાનો હોય એક મહિનામાં મબલખ કમાણી કરી લેવા જુગારિયાઓની સપ્તાહ પહેલા જ ખાસ નેટવર્ક ઉભું કર્યું છે. જેના ભાગરૂપે પોલીસતંત્ર સાથે હવે પત્રકારો પણ રંગમાં ભંગ ના પાડે તે માટે તેમને પણ રાજી રાખવાના પ્રયાસો શરૂ કર્યા છે.
દમણમાં ઠેરઠેર નાની-મોટી હોટેલોમાં મોટા પ્રમાણમાં પાનાનો જુગાર શરૂ થઇ ગયો છે . ચાલતી ચર્ચા મુજબ પોલીસ પ્રશાસનનાં એક અધિકારીએ જુગારના અડ્ડા ચલાવતાં મોટા માથાઓ જોડે પોતાનું સેક્શન નક્કી કરી લીધું છે. વિગતો મુજબ સાજને પડદા પાછળ રહીને આખા દમણમાં ઠેરઠેર જુગારની હાટડીઓ શરૂ કરાવી છે. જે માટે એક લાખ રૂપિયા સુધીનો હપ્તો દિવસનો નક્કી કરવામાં આવ્યો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાતલીયા ડાભેલમાં હાઇપ્રોફાઇલ જુગારધામ શરૂ થયા છે. પાતલીયામાં એક હોટલમાં વલસાડનાં નામચીન માનાજીએ ટેબલો ગોઠવ્યા છે. જે માટે દમણ પોલીસને રોજનો 1 લાખ સુધીનો હપ્તો પહોંચાડાઈ રહ્યો છે. એજ રીતે પાતલીયાની અન્ય હોટલમાં કાનજી અને જગદીશ નામના ઇસમો જુગારનો અડ્ડો ચલાવી રહ્યા છે. પાતલીયામાં એરપોર્ટ રોડ પર સ્કુલની સામે પણ અલારખુ નામનો ઇસમ મોટું જુગારધામ ચલાવી રહ્યો છે. મળતી વિગતો મુજબ અલ્લારખુ મહિને પાંચ લાખ રૂપિયાનું સેક્શન ચુકવતો હોવાની ચર્ચા છે.
દમણનાં દેવકામાં ચાલતાં જુગારધામ ઉપર સાજનનાં માણસો ઇબ્રાહીમ ભુરીયો, પ્રવિણ, અકીલ મોટો જુગાર રમાડતો હોવાની પણ ચર્ચા છે. દેવકા ખાતે શૌક્ત અને ફિરોઝ પણ રમીનો મોટો જુગાર રમાડી રહ્યા છે. શૌકત અને ફિરોઝ સાથે પણ રોજના 60 હજારનો હપ્તો નક્કી કરાયો હોવાની ચર્ચા ચાલી રહી છે.
જો કે પહેલેથી જ જુગારધામ માટે જાણીતા ડાભેલમાં પણ શ્રાવણ મહિનામાં વધુ કમાણી કરી લેવા જુગારધામ પર જુગારીયાને અત્યારથી જ આમંત્રણ અપાઈ ગયા છે. ડાભેલમાં જુગાર રમાડવા માટે ઇલીયાસ, રાજુ બેટરી, સોનલ નામની મહિલા નામચીન છે. અહીં જુગાર માટે રોજનો 50 હજારનો હપ્તો દમણ પોલીસે નક્કી કર્યો છે. આ ઉપરાંત ડાભેલના કેવડી ફળિયા ખાતે મુકેશ, પંકજનો અડ્ડો પણ જાણીતો છે. વળી ગુજરાતના કેટલાક નામચીન ઈસમોએ તો શ્રાવણ માસને ધ્યાને રાખીને દમણમાં હાઈ પ્રોફાઈલ જુગાર રમાડવા માટે આખી હોટલ જ બુક કરાવી લીધી હોવાની ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે આ જુગારધામ માં પત્રકારો આડખીલ્લી બનતા હોય પત્રકારો ને સાચવવા માટે પણ વર્ષોથી આવા જુગારીયાઓ સાથે સંકળાયેલ કહેવાતા પત્રકારોને આદેશ આપ્યો છે અને એ આદેશ હેઠળ પત્રકારો ને પણ રહેમ નજર રાખવા વિશેષ પ્રલોભનો અપાઈ રહ્યા છે.