નવસારી LCB એ આંતર રાજય ઘરફોડ ચોરી કરનાર ગેંગના રીઢા ગુનેગારને પકડી મહત્વની સફળતા મેળવી છે. પકડાયેલ આરોપીએ નવસારી જિલ્લામાં 2, ભરૂચ જિલ્લામાં 3, તથા તાપી જિલ્લા-1 મળી કુલ-06 ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરતા આ અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરી કુલ 7,34,285 રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીનાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા ઇસમ સામે ગુજરાત, મહારાષ્ટ્ર, હરીયાણા, રાજસ્થાન રાજયમાં 58 જેટલા ચોરીના ગુન્હા નોંધાયેલ છે.
ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગના વાબાંગ ઝમીર તથા સુશિલ અગ્રવાલ, IPS, પોલીસ અધિક્ષક, નવસારીનાએ જિલ્લામાં દાખલ થયેલ ઘરફોડ ચોરી તથા અન્ય મિલકત સંબધી અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા ટેકનીકલ સોર્સ તથા બાતમીદારો દ્રારા વોચ રાખી માહિતી મેળવી સફળ કામગીરી કરવા LCB ના PI ડી. એસ. કોરાટને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. જે આધારે LCB ની ટીમે સુરત રેન્જ ઉપરાંત અન્ય રાજ્યમાં 58 જેટલી ઘરફોડ ચોરી કરનાર રીઢા ચોરને દબોચી લઈ જિલ્લાની અનડિટેકટ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.
આ અંગે LCB નવસારી એ આપેલ અખબારી યાદી મુજબ નવસારી રૂરલ પો.સ્ટે.માં દાખલ થયેલ અન ડીટેક્ટ ગુનો શોધી કાઢવા PSI વાય. જી. ગઢવી, PSI એસ. વી. આહીર, PSI આર.એસ.ગોહિલ તથા એલ.સી.બી./ટેકનીકલ સ્ટાફના પોલીસ માણસોને ગુનો શોધી કાઢવા સુચના આપી હતી. જેમાં આધારે સદર ઘરફોડ ચોરી અંગે વર્ક આઉટમાં હતા. મળેલ બાતમી આધારે ને.હા.નં-48 અમદાવાદથી મુંબઇ તરફ નવસારી ગ્રીડ ઓવર બ્રીજના ઉત્તર છેડે વોચ ગોઠવી આરોપી જીમી ઉર્ફે દિપક S/O બીપીનભાઈ બાબુલાલ શર્માને સફેદ કલરની પલ્સર મોટર સાયકલ નંબર-MH 39 AH 2002 સાથે પકડી પાડ્યો હતો.
પકડાયેલ આરોપી જીમી ઉર્ફે દિપક S/O બીપીનભાઈ બાબુલાલ શર્માની ઉંમર 30 વર્ષ છે. તે મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર નો વતની છે. હાલમાં સુરતમાં મકાન ભાડે રાખી રહેતો હતો. જેની પાસેથી પોલીસે 7,34,285 રૂપિયાના સોનાના તથા ચાંદીના દાગીનાઓ તેમજ રોકડા રપિયા 33,600, બાઇક કિંમત 50 હજાર મળી કુલ 8,17,985 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
એક વર્ષ પહેલા ગુજરાત રાજયના નવસારી જિલ્લાના વિજલપોર વિસ્તારમાં રહી રેડીમેન્ટ કપડાની દુકાન ચલાવી વેપાર ધંધો કરતો હતો દરમ્યાન બે ઘરફોડ ચોરી કરેલ જે ઘરફોડ ચોરીના ગુનામાં એલ.સી.બી. નવસારી પોલીસે પકડી પાડ્યો હતો. કોર્ટમાંથી જામીન ઉપર મુક્ત થયા બાદ તેણે ફરી. નવસારી જિલ્લા-2, ભરૂચ જિલ્લા-3 તથા તાપી જિલ્લા-1 ઘરફોડ ચોરી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપી સામે મહારાષ્ટ્રમાં 25, હરીયાણામાં 20, રાજસ્થાનમાં 4 તથા ગુજરાતમાં 9 ચોરીના ગુન્હા કર્યા હોય કુલ 58 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓ દાખલ થયેલ છે. આરોપીની પુછપરછ કરતા પોતે મોટર સાયકલ ઉપર દિવસ દરમ્યાન સોસાયટી વિસ્તારમાં ફરી બંધ મકાનો/ફલેટના દરવાજાના તાળા/નકુચા ડીસમીસ વડે તોડી નાખી ઘરમાં પ્રવેશ કરી કબાટમાંથી દરદાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરવાની ટેવ ધરાવતો હોવાનું જણાવ્યું હતું. પકડાયેલ આરોપી સને-2009 થી મહારાષ્ટ્ર, હરીયાણા, રાજસ્થાન રાજયમાં ઘરફોડ ચોરી કરતો આવ્યો છે.