વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં Under Section 154 Cr. P.C. હેઠળ કલમ 323, 504, 506(2)114 મુજબની ફરિયાદ નોંધાઇ છે. આ ફોજદારી ફરિયાદ અનુચૂચિત જાતિ અને અનુચૂચિત જનજાતિ અધિનિયમ હેઠળ ફરિયાદી કિશનભાઈ વેસ્તાભાઇ ધોડિયા પટેલ દ્વારા તહોમતદાર ઈલિયાસ ઉર્ફે મામૂ મલેક અને જાવેદ આરીફખાન સામે નોંધાવી છે.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કાંગવી ગામે રહેતા અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના ઉપપ્રમુખ નો હોદ્દો સાંભળતા માજી સાંસદ કિશનભાઈ ધોડિયા પટેલે વલસાડ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત 24મી ઓગસ્ટ 2023ના રંગ ઉપવન કોંગ્રેસ ભવન.
મોઘાભાઇ હોલની સામે, સ્ટેડીયમ રોડ, વલસાડ તથા વલસાડ સીટી પોલીસ સ્ટેશન ખાતે ઇલ્યાસ ઉર્ફે મામુ મલેક તથા જાવેદ આરીફ ખાને એકબીજાની મદદગારી કરી કોંગ્રેસ કાર્યાલય ખાતે વલસાડ જીલ્લા યુથ કોગ્રેસ કારોબારી મીંટીંગમાં હાજર રહેલ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ઝપાઝપી, લાતાલાતી તેમજ બોલાચાલી ઝઘડો કર્યો હતો. ત્યારે તેમને પણ જાતિ વિષયક ગાળો બોલી અને ધમકીઓ આપી ગુન્હો કર્યો છે.
ફરિયાદી કિશનભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, વલસાડ જીલ્લા યુથ કોંગ્રેસ કારોબારી મીંટીંગ હતી. જે મીટિંગમાં તેઓ ગયા હતા. આ મીટીંગમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાં, વલસાડ જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ કુંજાલીબેન દિપકભાઇ ધોડીયા પટેલ, જીલ્લા કોંગ્રેસના મહીલા પ્રમુખ ધર્મિષ્ઠાબેન ઉમેશભાઇ કોળી પટેલ, વલસાડ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ ભાણાભાઇ કોળી પટેલ, વલસાડ જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ધર્મેશભાઇ ઉર્ફે ભોલાભાઇ કોળી પટેલ, ઉમરગામ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ પ્રવેશભાઇ દિનેશભાઇ કોળી પટેલ તથા પ્રથમ દિનેશભાઇ કોળી પટેલ તથા અન્ય વલસાડ જીલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર હતા.
વલસાડ જીલ્લા યુથ કોંગ્રેસ કારોબારી મીંટીંગની શરૂઆત થવાની હતી તે દરમ્યાન ઝાવેદ આરીફ ખાન કાર્યાલયની અંદર કાર્યક્રમના આમંત્રણ બાબતે દિનેશભાઇ પટેલ, કુંજાલીબેન પટેલ તેમજ ધર્મેશભાઇ ઉર્ફે ભોલાભાઇ પટેલ સામે નારાજગી વ્યક્ત કરી હતી. નારાજગીની બોલાચાલી ગાળાગાળી પર આવી હતી. જેથી પ્રવેશ દિનેશભાઇ પટેલ તથા પ્રથમ દિનેશભાઇ પટેલ પણ તેઓની સાથે ગાળાગાળી કરી ઝપાઝપી તેમજ લાતાલાતી કરી હતી.
તે વખતે ઇલ્યાસ ઉર્ફે મામુ મલેકે કોંગ્રેસ કાર્યાલય ઉપર આવી ગાળો બોલવા લાગેલ અને કોંગ્રેસીયાઓ લુખ્ખા છે. જેઓને જીંદગીમાં એ મત નહી અપાય તેવી બુમો પાડતો હતો. આ ઇલ્યાસ ઉર્ફે મામું તથા જાવેદે કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે ગાળાગાળી કરી હતી. તે દરમ્યાન પોલીસે આવી પ્રવેશ તથા પ્રથમને પોલીસ સ્ટેશન ખાતે લઇ ગઈ હતી.
ઇલ્યાસ મામુ તેમને પોલીસ સ્ટેશનમાં અંદર મળેલ હતો તે વખતે સમાધાન કરવાનુ કહેતા તેઓએ સમાધાન માટે ના પાડેલ જેથી ઇલ્યાસ ઉર્ફે મામુ એકદમ ઉશ્કેરાઇ જઇ કિશન પટેલને જાતિવિષયક ગાળો આપી હતી. હાલ આ ફરિયાદ આધારે વલસાડ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર બી. ડી. જીતીયાએ વધુ તપાસ હાથ ધરી છે.