Sunday, December 22News That Matters

ગુજરાત-દમણ બોર્ડર પર કંપનીએ પાથરી અન્ડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક કેબલ લાઇન….!

વાપી GIDC ની જેમ દમણના ડાભેલ, આટીયાવાડ વિસ્તારમાં આવેલ કંપનીઓ પણ પાથરી રહી છે અન્ડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક કેબલ…!

વાપી GIDC માં જેટકો અને DGVCL ના સહયોગમાં 11KV ઓવરહેડ હાઈટેન્શન લાઇન ઉતારી લઈ તેને અન્ડરગ્રાઉન્ડ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે, દમણમાં પણ દમણ વિદ્યુત ભવન અને ટોરેન્ટ પાવર ના સહયોગમાં દમણની કંપનીઓએ પોતાના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ કામગીરી શરૂ કરી છે. તેવી વિગતો જાણવા મળી છે.

હાલમાં દમણના ડાભેલ, આટીયાવાડ વિસ્તારમાં સૌથી મોટું યુનિટ ધરાવતી Wellknown Polyester Ltd નામની કંપની કાર્યાન્વિત છે. કંપનીના યુનિટ દમણમાં અને ગુજરાત બને પ્રદેશમાં આવેલા છે. અહીં ગુજરાતના વલસાડ જિલ્લાના મોરાઈ ગામની હદ અને દમણ ના ડાભેલ આટિયાવાડ વિસ્તારની હદ એકમેકને મળે છે. આ હદ પર જ પોતાના યુનિટ ધરાવતી વેલનોન પોલિસ્ટર કંપનીએ બંને પ્રદેશની સરહદ પર જ જમીન ખોદી તેમાં 11 KV ની ઇલેક્ટ્રીક લાઇનને અન્ડરગ્રાઉન્ડ કરવાની કામગીરી હાથ છે.

આ અંગે કંપનીના રાકેશ ગોયલે જણાવ્યું હતું કે, તેમની દમણ સ્થિત કંપનીમાં વારંવાર પાવર બ્રેક થવાની ઘટના બનતી હતી. જેથી દમણ વીજ વિભાગ તરફથી પરવાનગી લઈ ગુજરાત દમણ સરહદે દમણની હદમાં સળંગ જમીન ખોદી તેમાં આ એન્ડરગ્રાઉન્ડ કેબલ પાથરવામાં આવી રહ્યો છે. આ કેબલ લાઇન તેમના મુખ્ય પાવર હાઉસ સાથે કનેક્ટ કરી વીજપુરવઠો મેળવવામાં આવશે.

જો કે, કંપની તરફથી પથરાઈ રહેલી અન્ડરગ્રાઉન્ડ કેબલ લાઇન ગુજરાતની હદમાં છે કે દમણની હદમાં તે એક જટિલ પ્રશ્ન છે. પરન્તુ આ અંગે ગુજરાતના વલસાડ જિલ્લાના મોરાઈ ગામના સરપંચ પ્રતિકભાઈ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કંપનીનું એક યુનિટ મોરાઈ ગ્રામ પંચાયત ની હદમાં છે. અને આવી કોઈ અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ પ્રક્રિયા અંગે તેમની પાસે કોઈ મંજૂરી મેળવાઈ નથી. કેબલ લાઇન દમણ વીજ વિભાગની હોય અને દમણની હદમાં જ હોય તો એવી મંજૂરી લેવાની જરૂર નથી. પરંતુ તેમ છતાં આ મામલે પંચાયત પોતાની રીતે જરૂરી તપાસ કરશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે ગુજરાતના સોલસુંબા ગ્રામ પંચાયત અને મહારાષ્ટ્રના વેવજી ગ્રામ પંચાયત વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સરહદી જમીન, વીજ લાઈનનો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે દમણ-ગુજરાતની સરહદે કોઈ કંપનીઓ ના કારણે વિવાદ ઘેરો બને તે પહેલાં સરહદના નિયમો અંગે બન્ને પ્રદેશના તંત્રએ સજાગતા દાખવવી જરૂરી છે. દમણમાં કંપનીઓ માટે અપાતી વીજળીનો દર ગુજરાતમાં DGVCL દ્વારા અપાઈ રહેલી વીજળીના દર કરતા ઘણો ઓછો છે. એટલે સસ્તા વિજદરનો આડકતરો લાભ લેવા પણ ગુજરાતની કંપનીઓ દમણ સરહદે અન્ડરગ્રાઉન્ડ કેબલ પાથરી પોતાનો ફાયદો ઉઠાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *