Friday, January 31News That Matters

વાહ રે તંત્ર! કિંમતી સાગ ધરાવતી કરોડોની જમીન પર અબજનો દંડ વસુલવાને બદલે 60 લાખમાં આપી સીધો કરોડોનો ફાયદો કરાવી આપ્યો?

જનતાને સ્વચ્છ ભારત, આત્મનિર્ભર ભારત નું  સ્વપ્ન બતાવી પાછલાં બારણે સરકારના અધિકારીઓ ઉદ્યોગપતિઓ સાથે મળી કેવા ખેલ કરે છે. તેનું તાજું ઉદાહરણ વાપીમાં બન્યું છે. આગામી દિવસોમાં વાપી GIDCમાં પ્રદુષણને ઘટાડવાને બદલે વધારવાની હિલચાલ શરૂ થઈ છે. અને એ પણ કિંમતી સાગ ધરાવતી કરોડોની જમીન પર અબજનો દંડ વસુલવાને બદલે 60 લાખમાં આપી સીધો કરોડોનો ફાયદો કરાવી આપતા કારસ્તાન સાથે.
ઔદ્યોગિક નગરી ગણાતા વાપી GIDC માં હાલ ઉદ્યોગોને ફાળવી શકાય તેવી જમીન બચી નથી. ત્યારે વર્ષો પહેલા GIDC એ જમીન ફળવ્યા બાદ એ જમીન પર ઝાડ રોપી જંગલ ઉભું કર્યું અને હવે એ જ જંગલનો સફાયો કરી કરોડોની જમીન નજીવી કિંમતે મેળવી એક જ ઉદ્યોગપતિએ કરોડોનો સીધો જ ફાયદો મેળવી લીધો છે.
આ સમગ્ર કારસ્તાન અંગે વિગતે વાત કરીએ તો 2004ની ઘટનાને 2022થી રિવર્સ સ્વરૂપે લઈ જવી પડે તેમ છે. કેમ કે તો જ 18 વર્ષમાં સરકારે, અને સરકારી અધિકારીઓ, GIDC-નોટિફાઇડના અધિકારીઓએ એક ઉદ્યોગપતિને ફાયદો કરાવવા રાજકીય નેતાઓની કઠપૂતળી બની કઈ રીતે આખો ખેલ પાડ્યો તે સમજી શકાય તેમ છે.
વાત જાણે એમ છે કે વર્ષ 2022માં વાપીમાં દમણગંગા નદી કિનારે 216 એકરની કરોડોની કિંમતની જમીનમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનવાનો છે. જે માટે વાપી જીઆઇડીસી કચેરી મારફતે વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં વાપીની ખાનગી કંપનીએ 5000 કરોડના MOU કર્યા છે. નવાઈની વાત એ છે કે આ MOU કરનાર હાલની કંપની અને 2004માં આ જમીન GIDC પાસેથી મેળવનાર કંપની એક છે. પરંતુ નામમાં ફેરફાર કરી આ આખો ખેલ ખેલી નાખ્યો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 87 હેકટરમાં ફાર્મા, પ્લાસ્ટિક, ટેક્સટાઇલ સહિતના એકમો આવશે. અને ટ્રાન્સપોર્ટના આવગમનને ધ્યાને રાખી 15થી 17 એકરમાં ટ્રાન્સપોર્ટ નગર બનાવશે. જો કે હકીકત આનાથી ઘણી અલગ છે. આ જમીન કુલ 8,72,866 ચોરસ મીટર છે. જેને ખાનગી કંપનીને 26,16,80,100 રૂપિયામાં આપવાનું GIDC એ નક્કી કર્યું હતું. પરન્તુ કરોડોની જમીન મફતના ભાવે પડાવી લેવાની ખોરી દાનત ધરાવતી ખાનગી કંપનીએ કેટલાક સલાહકારોની સલાહ લઈ તડજોડ કરી માત્ર 60 લાખમાં મેળવી લીધી હતી. આ વર્ષ હતું 2004
2004માં કરોડોની જમીન માત્ર 60 લાખમાં મેળવ્યા બાદ ફોરેસ્ટ વિભાગ સાથે મળી અહીં સાગ સહિતના વૃક્ષોનું વાવેતર કર્યું અને 18 વર્ષ સુધી જંગલ ઉભું કર્યું પરંતુ કોઈ ઉદ્યોગ સ્થાપ્યો નહિ. આખરે આ બાબતે જમીન મેળવનાર ખાનગી કંપનીની નીચે રેલો આવતા ફરી 2021માં હિલચાલ શરૂ કરી. જો કે આટલા વર્ષોમાં જમીન પર ઉદ્યોગ નહિ સ્થાપવા બાબતે કાયદાકીય રમતો પણ શરૂ થઈ ચૂકી હતી. અને આ જમીન પર ટ્રાન્સપોર્ટ નગર બનાવવા વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનને માંગ કરી. એટલે બળતામાં ઘી હોમાય તેમ સરકારની નજીકના ગણાતા આ ખાનગી કંપનીના માલિકોએ ઇન્ડસ્ટ્રીયલ ઝોન ઉભો કરવા હિલચાલ આરંભી હાલમાં અહીંના 5 હજાર જેટલા ઝાડને કાપી જમીન સમથળ કરવાની કાર્યવાહી કરવા સાથે વાયબ્રન્ટ ગુજરાતમાં 5000 કરોડનો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ઉભો કરવા MOU કરી નાખ્યા છે. જેમાં પ્રથમ તબક્કે ફોરેસ્ટ પાસેથી 3 હજાર ઝાડ કાપવાની પરમિશન મેળવી ઝાડ કાપવાની કામગીરી હાથ ધરાઈ ચુકી છે.
216 એકરની કરોડોની જમીન લેન્ડ લુઝરે જ લેન્ડ યુઝર તરીકે મેળવી લીધી તેવી આ ઘટનામાં જો વધુ વિગતો સાથે પ્રકાશ પાડીએ તો વર્ષ 2004માં ખાનગી કંપનીએ દમણગંગા નદી કિનારે હાલના દમણગંગા નોટિફાઇડ સંપથી છેક ચણોદ સુધીના નદી કિનારાના પટ્ટાની 8,72,866 ચોરસ મીટર જમીન માંગી હતી. જે માટે GIDC એ 300 રૂપિયાના ભાવે 26,16,80,100 રૂપિયામાં આપવાનું નિર્ધારિત કર્યું હતું. પરંતુ રાહતરૂપે આખરે આ જમીન માત્ર 60 લાખમાં આપી દીધી હતી.
આ જમીન પર હાલમાં જે કિંમતી સાગ ના વૃક્ષો છે. તેની જ કિંમત 9 થી 10 કરોડ થાય છે. તેમજ 18 વર્ષ સુધી વણવાપરવા પેટે 28 ટકા લેખે 1,17,06,87,880 રૂપિયા અને ફરી તેના પર 18 ટકા વ્યાજ લેખે 21,07,23,820 રૂપિયા મળી કુલ 1,38,14,11,700 રૂપિયા જેવી માતબર રકમનો દંડ ભરવાની નોબત આવી હતી. પરંતુ આ તમામ રકમ GIDC એ માફ કરી દીધી કોના બાપની દિવાળી? અધૂરામાં પૂરું વળી નોટિફાઇડ વિભાગે પણ ટેક્ષના 20,83,48,757 રૂપિયા માફ કરી માત્ર 5,20,87,189 રૂપિયાનું ચુકવણું કરાવી NOC આપી દીધી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એક ઉદ્યોગપતિને લ્હાણી કરવા મોટો ખેલ ખેલાયો છે. જો એમાં તપાસ થાય તો આ કરોડોની જમીનમાં ફોરેસ્ટની જમીન નીકળે તેમ છે. એ ઉપરાંત કરોડોના સાગ અને અન્ય વૃક્ષો નો સફાયો કરી દેવાથી પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચશે. આ જંગલમાં વર્ષોથી વાપી અને આસપાસના વિસ્તારમાંથી જીવદયા પ્રેમીઓ દ્વારા પકડવામાં આવતા સાપ, અજગર જેવા સરીસૃપો આશ્રય મેળવી રહ્યા છે. એ ઉપરાંત અનેક પ્રકારના પક્ષીઓ માટે તેમનું આશ્રયસ્થાન છે.
હવે જો આ તમામ ઝાડ કાપી તેનો સફાયો કરી નાખવામાં આવશે તો તે તમામ જીવો નજીકના વાપી પાલિકા વિસ્તાર અને ચણોદ જેવા ગ્રામ્ય વિસ્તાર તરફ પ્રયાણ કરશે કેટલાય જીવોનું નિકંદન નીકળી જશે. અને ઉદ્યોગ સ્થપાયા બાદ વાપીના પ્રદૂષણમાં બેફામ વધારો થશે. પરંતુ સરકાર સામે શાણપણ નકામું અને તવંગર સામે કાયદા નકામાં જેવી આ પરિસ્થિતિમાં કોઈ કઈ બોલવા તૈયાર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *