Sunday, December 22News That Matters

ડુંગરા પોલીસ સ્ટેશન હેઠળ આવતા લવાછા માં જિલ્લા પોલીસવડાના હસ્તે લવાછા પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરાયું

વલસાડ જિલ્લામાં કાયદો વ્યવસ્થાનું સુચારુ પાલન થાય, ગામલોકોને પોલીસની ઝડપી અને સમયસરની મદદ મળી રહે તેવા શુભ આશયથી લવાછા ખાતે પોલીસ ચોકી ઉભી કરી વલસાડ જિલ્લા પોલીસવડાએ શનિવારે ઉદ્ઘાટન કર્યું હતું.
વલસાડ જિલ્લો સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ, મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલો જિલ્લો છે. અહીં વાપી જેવી GIDC માં મોટા પાયે પરપ્રાંતીય કામદારો વસવાટ કરે છે. જેઓ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી રૂમોની ચાલીઓમાં રહે છે. વાપી નજીક લવાછા ગામ પણ સ્થાનિક વસ્તી સાથે પરપ્રાંતીય લોકોની વસ્તી ધરાવતું ગામ છે. એ ઉપરાંત લવાછા ગામ દાદરા નગર હવેલીની સરહદથી ઘેરાયેલું ગામ છે. આ ગામની અને એ ઉપરાંત નજીકના પીપરિયા, ચણોદ જેવા ગામલોકોને કાયદો વ્યવસ્થા માટે બનતી ત્વરાયે પોલીસ ની મદદ મળી રહે તેવા હેતુથી લવાછા ખાતે વલસાડ જિલ્લા પોલીસ વડા ના હસ્તે નવી પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
લવાછા ખાતે ઉભી કરવામાં આવેલી પોલીસ ચોકીથી ગામલોકોને પોલીસ ની સમયસરની મદદ મળી રહે તે ઉદ્દેશ્ય સાથે આ વિસ્તારમાં પ્રોહીબિશન, ઘરફોડ ચોરી સહિત અન્ય બનતી ઘટનાઓ પર અંકુશ લાવવાનો છે. લવાછા પોલીસ ચોકીની નજીક દાદરા નગર હવેલી સરહદે પીપરિયા ખાતે પોલીસ આઉટપોસ્ટ છે. એ ઉપરાંત ડુંગરા વિસ્તારમાં દાદરા નગર હવેલીના મુખ્ય ગેટ પર ગુજરાતની સરહદે પણ આઉટપોસ્ટ છે. એટલે કાયદો વ્યવસ્થા જાળવવા જરૂર પડ્યે તાત્કાલિક વધારાનો સ્ટાફ હાજર થઈ શકશે. લવાછા પોલીસ ચોકી પર એક હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને હોમગાર્ડ, GRD મળીને 6 જવાનો તૈનાત રહેશે.
લવાછા વિસ્તાર ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. ડુંગરા પોલીસ સ્ટેશનમાં કાયદો વ્યવસ્થા જાળવવા બાબતે આવતા કોલ ને લવાછા પોલીસ ચોકી ખાતે જણાવી કાયદો વ્યવસ્થાનું સમય પર પાલન કરાવી શકાશે. તેમજ તે અંગેની દાદ-ફરિયાદ ડુંગરા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટર, પોલીસ સબ ઇન્સ્પેકટર સહિતને મળી રહે તે માટે તેમના મોબાઈલ નંબરનું બોર્ડ પણ જાહેર જનતા માટે મુકવામાં આવ્યું છે. એ ઉપરાંત અન્ય નાનીમોટી ફરિયાદો દરમ્યાન અરજદારોએ પણ ડુંગરા સુધી ધક્કો ખાવો નહિ પડે લવાછા ખાતે નવી પોલીસ ચોકી ઉભી કરવા અંગે ગામના સરપંચ સહિતના આગેવાનો, પ્રબુદ્ધ નાગરિકોએ વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ રાજદીપસિંહ ઝાલા, ડુંગરા PI દિપક ઢોલ સહિત પોલીસ જવાનોનો આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે ડુંગરા પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાનું સુચારુ પાલન કરવા સાથે હાલમાં જ શાળાઓ, ગ્રામ પંચાયતમાં સજેશન બોક્સ મુકવાની અનોખી પહેલ કરી છે. જેને પણ ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. અનેક લોકો આ સજેશન બોક્સમાં પોતાની ફરિયાદો, માહિતી, સૂચનો સાથેના પત્ર નાખી રહ્યા છે. જે આધારે પોલીસ પણ બનતી ત્વરાએ કાર્યવાહી કરી રહી છે. ત્યારે હવે લવાછા ખાતે પોલીસ ચોકી ઉભી કરી કાયદો વ્યવસ્થા જાળવવા માટે વધુ એક પહેલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *