Sunday, December 22News That Matters

ધોડિયા પટેલ સમાજ દ્વારા 13માં મૈત્રી પરિચય મેળાનું આયોજન, 75 લગ્નોત્સુકો ઉપસ્થિત રહ્યા

રવિવારે વાપી નજીક આવેલ કરવડ ગામે શ્રી કૌશિક કાંતિલાલ હરીઆ માધ્યમિક શાળામાં ધોડિયા પટેલ સમાજ દ્વારા 13 મો ધોડીયા પટેલ સમાજ યુવક-યુવતી મૈત્રી પરીચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 75 જેટલા લગ્નોત્સુક યુવક-યુવતીઓએ રજીસ્ટ્રેશન ફોર્મ ભર્યા હતાં. પરિચય મેળામાં વિવિધ ક્ષેત્રમાં સારી નોકરી કરતા અને ઉચ્ચ અભ્યાસ ધરાવતા યુવાનો વચ્ચે એક ભણેલા નહી પણ ગણેલા ઉમેદવારે અંગ્રેજી ભાષામાં પોતે જાતે જ ફોર્મ ભરી આયોજક સહિત હાજર તમામને સુખદ આશ્ચર્યમાં મુકી દીધા હતા.
વાપી નજીક શ્રી કૌશિક કાંતિલાલ હરીઆ માધ્યમિક શાળા કરવડ ખાતે 13 મો ધોડીયા પટેલ સમાજ યુવક-યુવતી પરીચય મેળો યોજવામાં આવ્યો હતો. ધોડીયા પટેલ સમાજના લગ્નોત્સુક યુવક-યુવતીના પરીચય મેળો કાર્યક્રમનું ઉદ્ઘાટન એકલારા હાઈસ્કૂલના રિટાયર્ડ આચાર્ય નવિનચંદ્ર પટેલ અને ચણોદ વાપીના
હરીશ આર્ટના હરીશભાઈ પટેલના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું.
મૈત્રી પરિચય મેળામાં આશરે 75 જેટલા લગ્નોત્સુક યુવક-યુવતીઓએ રજીસ્ટ્રેશન ફોર્મ ભરી પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, વ્યવસાય, વતન, કુળની વાત કરી હતી સાથે જ પોતાને કેવી કન્યા કે વર જોઈએ છે તેની પસંદ-નાપસંદ જણાવી હતી. પરીચય મેળામાં ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક, ખેડૂત, નર્સ, કંપનીમાં કામ કરતા યુવક-યુવતીઓ, છૂટા છેડા લીધેલ યુવક-યુવતી તેમજ વિધુર યુવાનો એ ભાગ લીધો હતો. તો આ ઉમેદવારોમાં એક ભણેલા નહી પણ ગણેલા ઉમેદવારે અંગ્રેજી ભાષામાં પોતે જાત જ ફોર્મ ભરી આયોજક સહિત હાજર તમામને સુખદ આશ્ચર્યમાં મુકી દીધા હતા.
કાર્યક્રમમાં તાપી, નવસારી, વલસાડ, વાપી, પારડી, કપરાડા, ઉમરગામ, સેલવાસ, દમણ જેવા વિવિધ વિસ્તારમાંથી દિકરી-દિકરાઓ એમના વાલી સાથે આવ્યા હતા. 13 વર્ષથી પરીચય મેળાનું સુંદર આયોજન કરવામાં આવતું હોય યુવક-યુવતી તેમજ વાલીઓએ કાર્યક્રમની સરાહના કરી હરીશ આર્ટ ચણોદ વાપીના હરીશભાઈ પટેલ, સ્વસ્તિક પ્રિન્ટર્સ વાપીના સુભાષભાઈ, આચાર્ય દિપક પટેલે અને એમની ટીમનો જાહેરમાં આભાર માન્યો હતો. આ પ્રકારના આયોજન સમયાંતરે કરતા રહી સમાજના યુવાનોને સારા જીવનસાથી સાથે પ્રભુતામાં પગલાં મંડાવતા રહો તે માટે પ્રોત્સાહિત કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *