વલસાડ જિલ્લા સહિત સમગ્ર દેશમાં પાછલાં 2 વર્ષમાં કોરોનાને કારણે તહેવારો પર પાબંધી હતી. ત્યારે આ વર્ષે કોરોના હળવો થતા અને સરકારની પાબંધી હટતા હોળી પર્વની ઉજવણીનો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે. વલસાડના વાપીમાં હોળીની ચીજવસ્તુઓ વેંચતા વેપારીઓને ત્યાં ધૂમ ઘરાકી નીકળી છે. વેપારીઓનું માનીએ તો આ વર્ષે 4 ગણી ડિમાન્ડ વધી છે.
આગામી 18મી માર્ચે હોળી પર્વ છે. રંગો અને હર્ષ ઉલ્લાસનું પર્વ મનાતા હોળીના આ પર્વને ઉજવવા લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. ગત 2 વર્ષ કોરોના કાળ માં વીત્યા બાદ આ વર્ષે નિયમો હળવા થતા બજારમાં કલર, પિચકારીઓ ખરીદવા ભીડ ઉમટી રહી છે.
રંગોનું પર્વ ગણાતું હોળી પર્વ કોરોના કાળમાં ફિક્કું ગયું હતું. જો કે આ વર્ષે સરકારે નિયમોમાં છૂટછાટ આપી છે. તો, કોરોનાના કેસ પણ ઘટયા છે. જેને લઈને હોળીની ઉજવણીનો ઉલ્લાસ લોકોમાં વર્તાઈ રહ્યો છે. સમગ્ર દેશની જેમ વલસાડ જિલ્લામાં અને વાપીની બજારોમાં વિવધ રંગબેરંગી વેરાયટીની પિચકારીઓ, કલર, સ્પ્રે ની ડિમાન્ડ વધી છે.
આ અંગે વર્ષોથી હોળી પર્વ દરમ્યાન પિચકારી, કલર વેંચતા આલોક શાહે જણાવ્યું હતું કે, પહેલા હિન્દૂ પર્વ આવે એટલે ચાઈનાં ની પ્રોડકટ બજારમાં ઠલવાઇ જતી હતી. જે હવે ઘટી છે. લોકો મેડ ઇન ઈંડિયા પ્રોડકટ ખરીદવાનો આગ્રહ રાખે છે. આ વર્ષે પ્રેશર, ટેન્ક, ગન જેવી ફેન્સી વેરાયટીની પિચકારી બજારમાં આવી છે. બાળકો માટે ડોરેમોન, છોટા ભીમ, બાર્બી, એન્ગરીબર્ડ જેવી કાર્ટૂન કેરેક્ટરની પિચકારીઓની ડિમાન્ડ વધી છે.
વલસાડ જિલ્લામાં હોળીના પર્વ દરમ્યાન સ્થાનિક વેપારીઓ દિલ્હી અને અમદાવાદથી વિવિધ વેરાયટીની પિચકારીઓ અને કલર મંગાવે છે. જેમાં આ વર્ષે પ્લાસ્ટિકનો ભાવવધારો હોય પિચકારીઓમાં તેમજ હર્બલ કલર, ગુલાલમાં 15 ટકા જેટલો ભાવ વધારો છે. તેમ છતાં ડિમાન્ડ ખૂબ વધુ છે.
ગ્રાહકો પણ આ વર્ષે હોળીના તહેવારને હર્ષોલ્લાસ સાથે ઉજવવા માંગે છે. આ અંગે કિરણ બાંભણીયાએ જણાવ્યું હતું કે, પાછલા 2 વર્ષ કોરોના કાળ ના હતા અનેક પાબંધીઓ હતી. આ વર્ષે છૂટછાટ મળી છે. એટલે લોકો પોતાના બાળકો સાથે બજારમાં પિચકારી અને કલરની તેમજ હોળી નિમિતે પૂજામાં વપરાતા પતાસા, દાળિયા, ધાણી ની ખરીદી કરવા ઉમટી પડ્યા છે. હોળી પર્વ પહેલા જ બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે.
હોળીમાં વિવિધ વેરાયટી વેંચતા દીપિકા મલિક અને સુરેશ શાહે જણાવ્યું હતું કે દુકાનદારો માટે 2 વર્ષ બાદ આ સિઝન સારી જશે તેવી આશા જાગી છે. બજારમાં સારી વેરાયટી આવતા માંગ વધી છે. એટલે સારા વેપારની આશા સેવી રહ્યા છે. બજારમાં આ વખતે લાઈટવાળી પિચકારી, એરગન, પમ્પવાળી પિચકારીની વેરાયટી આવી છે. કોરોના કાળ ની સરખામણીએ આ વખતે વેપારમાં તડાકો બોલ્યો છે. 4 ગણી ઘરાકી વધી છે. વેપારીઓમાં પર્વ પહેલાની ખુશી જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં હોળી પર્વ દરમ્યાન વિવિધ પ્રકારના કલર, ગુલાલ, પિચકારીના વેપારીઓની સાથે પતાસા, ખજૂર, દાળિયા, ધાણી વેંચતા છૂટક વેપારીઓને ત્યાં પણ ઘરાકી વધી છે. બજારમાં 10 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધીમાં પતાસા ના હારડા, પતાસા, ખજૂર, ધાણી, દાળિયાના પેકેટ લોકો હોંશે હોંશે ખરીદી રહ્યા છે. એ જ રીતે 5 રૂપિયાના ફુગ્ગાથી લઈને 500 રૂપિયા સુધીની પિચકારીઓ, કલરની અનેક વેરાયટી બજારમાં ઉપલબ્ધ છે. હોળીમાં પરિવાર સાથે મિત્રો સાથે રંગ-ગુલાલની છોડો ઉડાડવા યુવાધન સજ્જ બન્યું છે.