વાપીમાં ગુંજન વિસ્તારમાં આવેલ શ્રી આદિનાથ જૈન સંઘ GIDC વાપી ખાતે સમાજની યુવાપેઢી જૈનીઝમ અંગે જાણે તેવા ઉદ્દેશ્યથી The Jain Files અંતર્ગત પ્રવચન યોજાયું હતું. જેમાં 15 થી 45 વર્ષની યુવા પેઢીને રાજરક્ષિતવીજયજી તથા યુવા પ્રવચનકાર મુનિ નયરક્ષિતવિજયજીએ જૈનીઝમ અંગે મહત્વનું પ્રવચન આપ્યું હતું.
શ્રી આદિનાથ જૈન સંઘ GIDC વાપી ખાતે પ્રથમ વખત Life Transforming Session, The Jain Files અંતર્ગત ચંદ્રશેખર વિજયજીના શિષ્ય રાજરક્ષિતવીજયજી તથા યુવા પ્રવચનકાર મુનિ નયરક્ષિતવિજયજીએ જૈનીઝમ અંગે મહત્વનું પ્રવચન આપ્યું હતું. આ પ્રવચન સેમિનાર યોજવા પાછળના ઉદ્દેશ્ય અંગે શ્રી આદિનાથ જૈન સંઘના પ્રમુખ કિરીટ દોષીએ જણાવ્યું હતું કે જૈન સમાજની યુવા પેઢી જૈન ધર્મ અંગે જાણે, જૈનીઝમ શુ છે? તે કેટલો જૂનો છે. તેનો મૂળ પાયો શુ છે. તેમાં સાયન્સનું તત્વ કેટલું છે. વિજ્ઞાન સાથેના આ સામ્ય ને યુવાનો જાણી શકે તેવા હેતુથી આ પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી આદિનાથ જૈનસંધ જી.આઈ.ડી.સી વાપીમાં યુગપ્રધાન આચાર્યસમ પંન્યાસ પ્રવર ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબના શિષ્ય પંન્યાસ રાજરક્ષિતવિજયજી, યુવાપ્રવચનકાર મુનિ નયરક્ષિતવિજયજીની પાવન નિશ્રામાં લાઈફ ટ્રાન્સફોરમિંઁગ સેશનમાં ભાગ લેવા માટે મુંબઈ – સૂરત – અમદાવાદ – નવસારી – ભીલાડ – વાપીથી સેંકડો યુવાન – યુવતિઓ ઉમટી પડયા હતાં. યુવાનો – યુવતિઓ એ મંત્રમુગ્ધ બનીને પ્રવચન સાંભળ્યું હતું. 3 કલાકના પ્રવચન દરમ્યાન 15 વર્ષથી 45 વર્ષના 300 જેટલા યુવાનો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
યુવા પ્રવચનકાર મુનિ નયરક્ષિતવિજયજીએ ભરચક સભાને સંબોધન કરતાં જણાવ્યું કે, વિજ્ઞાનક્ષેત્રનો એન્ડ આવે છે. ત્યારે શ્રદ્ધાની શરૂઆત થાય છે. વિજ્ઞાન પ્રયોગમાં માને છે જયારે ધર્મ યોગને માને છે. વિજ્ઞાનના રીસર્ચો ચેન્જ થતા જાય છે. જયારે અધ્યાત્મના સિદ્ધાન્તો ત્રિકાળાબાધ હોય છે. વિજ્ઞાન જડનો આવિષ્કાર કરે છે. અધ્યાત્મ જીવનો આવિષ્કાર કરે છે. સફરજનના ઝાડ નીચે બેઠેલા ન્યુટ્રને વિચાર્યું કે, એપલ નીચે કેવી રીતે પડયું ?? અધ્યાત્મ કહેછે કે, નાના બીજ માંથી એપલનું આટલું મોટું વૃક્ષ કેવી રીતે ઉગ્યું ? 100/200 સફરજન ઉપર કેવી રીતે ચઢયાં ??
કરૂણામૂર્તિ પ્રભુ મહાવીરે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને વિશ્વનું દર્શન કર્યું. બાવીસહજાર દેશના (પ્રવચન) આપી, કર્મ, ફિલોસોફી અને અહિંસક જીવનશૈલી બતાવી. જે આજના વૈજ્ઞાનિકો રીસર્ચ કરીને તે સિદ્ધાન્તોને સલામ કરે છે. અંધશ્રદ્ધા નહિ પણ શ્રદ્ધા અંધ હોવી જોઈએ.
જૈનધર્મ એ બ્રોડમાઈન્ડેડ છે. નાનામાં નાના જીવોની રક્ષામાં માને છે. સૌથી વધારે ચેરેટી જૈન કોમ કરી રહી છે. જૈનો દેશરક્ષા માં પણ આગળ છે. રાણાપ્રતાપને સર્વસ્વનું દાન કરનાર જૈન ભામાશા હતાં. રાણી લક્ષ્મીબાઈને ખજાનો અર્પણ કરનાર અમરચંદ બાઠીયા જૈન હતાં. ધર્મરક્ષા જેટલું જ મહત્ત્વ રાષ્ટ્રરક્ષામાં છે. યુગપ્રધાન આચાર્યસમ પંન્યાસ પ્રવર ચન્દ્રશેખર વિજયજી મ.સાહેબ રાષ્ટ્ર – ધર્મ અને સંસ્કૃતિરક્ષા માટે અથાગ પ્રયત્ન કર્યા હતાં.