વાપી ઔધોગિક વસાહતમાં આવેલ જાણીતી આરતી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા 26 વર્ષથી અવિરત પણે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે . આ રક્તદાન શિબિરમાં દર વર્ષે ઉદ્યોગોના કર્મચારીઓ રક્તનું દાન કરે છે. જે અંતર્ગત બુધવારે કર્મચારીઓએ 26 માં રકતદાન કેમ્પમાં 633 યુનિટ રક્તનું દાન કરી ત્રણ બ્લડ બેંકની લોહીની ઘટ નિવારી હતી
વાપી જીઆઇડીસી વિસ્તારમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ ખાતે સ્વ શ્રી રસિકલાલ દેવજી ગાલાના સ્મરણાર્થે 26 માં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં આરતી ઈન્ડસ્ટ્રીઝ તેમજ અન્ય ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ ઉમળકાભેર 633 યુનિટ રક્તનું દાન કર્યું હતું. જે જિલ્લાની મુખ્ય ત્રણ બ્લડ બેન્કને 211 યુનિટ લેખે સરખેભાગે સુપ્રત કરી લોહીની પડતી ઘટને નિવારવાનો મહત્તમ પ્રયાસ કરાયો હતો.
આ કેમ્પ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન , ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, નિયામક ઔદ્યોગિક સુરક્ષા અને આરોગ્ય શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર, વાપી ગ્રીન એનવીરો લીમીટેડના સહયોગથી યોજવામાં આવે છે. જેમાં દર વર્ષે કંપનીમાં કામ કરતાં કર્મચારીઓ ઉત્સાહભેર રક્તનું દાન કરે છે.
આરતી ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા 26 વર્ષથી આ પ્રકારનો કેમ્પ યોજવામાં આવે છે. અત્યાર સુધીમાં 25 કેમ્પ કરી 7100 યુનિટથી વધુ રકત એકત્ર કરી લોહીની ઘટ પુરવા મહત્તમ પ્રયાસ કર્યો છે. વાપીમાં ઔદ્યોગિક વસાહતમાં કે માર્ગ પર થતા અકસ્માતમાં ઘાયલોને તેમજ હોસ્પિટલ માં બીમારી વખતે આવતા દર્દીઓને સમયસર રક્ત મળી શકે તે આ રક્તદાન કેમ્પનો ઉદેશ્ય છે.
ઉલ્લેખનીય છે કે, આરતી ગ્રુપ હંમેશા સેફટી, એન્વાયરમેન્ટ, CSR માં અગ્રેસર રહી છે. અને જ્યારે જ્યારે બ્લડ બેન્કમાં બ્લડની તાતી જરૂરિયાત હોય છે. ત્યારે આ રીતે કેમ્પ યોજી રક્તની ઘટ નિવારવાનો મહત્તમ પ્રયાસ કરે છે. આ વર્ષે પણ કંપનીના કમદારોએ અનેરો ઉત્સાહ બતાવતા 633 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.