Sunday, December 22News That Matters

ગુજરાત-મહારાષ્ટ્ર-DNHની સરહદે 3.7 અને 3.3 રિકટર સ્કેલના ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ

ગુજરાત મહારાષ્ટ્ર અને દાદરા નગર હવેલીની સરહદ પર પાલઘર જિલ્લામાં 2 ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. બુધવારે સાંજે 3:43 મિનિટે પાલઘર અને વલસાડ જિલ્લાની સરહદ પર વાપીથી 42 કિલોમીટરના અંતરે આવેલ દાદરા નગર હવેલીના લુહારી ગામ નજીક  3.7 રિકટર સ્કેલનો અને તે બાદ ફરી 3:57 કલાકે વાપીથી 33 કિલોમીટર દૂર વલસાડ-મહારાષ્ટ્રના પાલઘરની સરહદે આવેલ ઝરી-પાટીલપાડા  ગામની નજીક 3.3 રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો આવતા સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.
વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. તાપમાનનો પારો ગગળતા ઠંડીનું જોર પણ વધ્યું છે. ત્યારે ધરતીમાં પણ સળવળાટ શરૂ થયો છે. બુધવારે ઠંડી-વરસાદી વાતાવરણ વચ્ચે પાલઘર જિલ્લામાં ઉપરા ઉપરી 2 ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.
સિસમોલોજિકલ રિસર્ચ સેન્ટર ગાંધીનગરના જણાવ્યા મુજબ વલસાડ જિલ્લાના વાપીથી 42 કિલોમીટર અને 33 કિલોમીટર દૂર અનુક્રમે 3:42 કલાકે અને 3:57 કલાકે ભૂકંપના આંચકા નોંધાયા છે. બંને આંચકા રિકટર સ્કેલ મુજબ 3.7 અને 3.3 ના હતાં. બને આંચકાના કેન્દ્રબિંદુ અંગે મળતી વિગત મુજબ પ્રથમ આંચકો ગુજરાત-મહારાષ્ટ્ર-દાદરા નગર હવેલીની સરહદે આવેલ દાદરા નગર હવેલીના લુહારી ગામ નજીક નોંધાયો છે. જ્યારે બીજો આંચકો ગુજરાત-મહારાષ્ટ્રની સરહદે ઝરી-પાટીલપાડા ગામની નજીક નોંધાયો છે. ભૂકંપના આંચકાને પગલે કોઈ જાનહાની થઈ નથી પરંતુ તેની અસર દાદરા નગર હવેલી સહિત વલસાડ જિલ્લાના વાપી સુધી વર્તાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *