Friday, October 18News That Matters

રિવરલીન્ક પ્રોજેકટ હેઠળ દમણગંગા વિયરની ઊંચાઈ વધારશે તો કાંઠા વિસ્તારના ઉદ્યોગો, રહેણાંક વિસ્તારનું વિસ્થાપન થશે?

કેન્દ્રીય બજેટમાં નિર્મલા સીતારમને દમણગંગા-તાપી-નર્મદા રિવરલીન્ક પ્રોજેકટની જાહેરાત કર્યા બાદ 3જી માર્ચે ગુજરાતના બજેટમાં નાણાપ્રધાન કનું દેસાઈ પણ જાહેરાત કરી છે કે દક્ષિણ ગુજરાતમાં પાર, નાર, તાન, અંબિકા, દમણગંગા વગેરે નદીઓ ઉપર તબક્કાવાર આગામી પાંચ વર્ષમાં 500 કરોડના ખર્ચે મોટા ચેકડેમો/બેરેજો/વિયર બનાવવાનું આયોજન છે. અને આ કામગીરી માટે 294 કરોડના જોગવાઈની જાહેરાત કરી છે. 
ત્યારે, વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદી પર નો વિયર જો ઊંચો કરવાની નોબત આવશે તો નદી કાંઠે પહેલાથી 500 મીટરના અંતરને છોડવાના કાયદાને ઘોળીને પી જનારા ઉદ્યોગકારો, ચણોદ-હરિયા પાર્કમાં રહેણાંક ઇમારતો બનાવનારા બિલ્ડરો ડેવલોપર્સના પાપે લોકોનું આવી બનવાનું છે. આસપાસની જમીન આ નદીના પાણીમાં ગરકાવ થઈ જશે. આ જમીન પર હાલ રહેણાંક મકાનો, સોસાયટીઓમાં રહેતા સ્થાનિક લોકો વિસ્થાપિત થશે. જેને લઈને ધરમપુર તાલુકાના લોકોનો જે વિરોધ છે તેવો વિરોધ કદાચ વાપીમાં વાપી GIDC ના ઉદ્યોગકારો, ચણોદ, હરિયાપાર્ક, ડુંગરા, લવાછા સહિત દાદરા નગર હવેલીમાં રહેતા અને નદી કાંઠે વસવાટ કરતા લોકો માં ઉઠી શકે છે. 
દમણગંગા નદી પર આમેય વર્ષોથી બન્ને કાંઠે કેટલાક ઉદ્યોગકારોએ અને બિલ્ડરોએ નિયમોની ઐસી કી તૈસી કરી બાંધકામ ઉભા કર્યા છે. હજુ પણ કેટલાક બાંધકામો ચાલી રહ્યા છે. કેટલાક બાંધકામ માટે મંજૂરી મેળવવામાં આવી છે. વાપી GIDC માં તો આ નદીના વિયર નજીક જ 216 એકરમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનવાનો છે. ત્યારે રિવરલીન્ક પ્રોજેકટ અંતર્ગત જો દમણગંગા રિવરની ઉંચાઈ 1 ફૂટ કે એક મીટર પણ વધારવામાં આવે હજારો લોકો વિસ્થાપિત થશે. અને તેમને વિસ્થાપન કરી અન્ય સ્થળે સ્થાપિત કરવાનું કાર્ય ભગીરથ કાર્ય ગણાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *