Sunday, December 22News That Matters

ઉમરગામના નવનિર્મિત બ્રિજ ઉપરથી ઓવરસ્પીડ જતો બાઇક ચાલક નીચે ખાબક્યો…! ચમત્કારિક બચાવ…!

ઉમરગામમાં નવનિર્મિત સોલસુંબા રેલવે ઓવરબ્રિજ પરથી મોટરસાયકલ સવાર યુવક નીચે પટકાયો હતો. જો કે, ઘટનામાં બાઇક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. તેમ છતાં બાઇક પર ઓવરસ્પીડે નીકળેલા યુવકને બચાવવા એકઠા થયેલા લોકોએ યુવકને હેમખેમ જોતા હૈયા ધરપત આપવા સાથે અનેક મેણા ટોણા મારી ઉધડો લીધો હતો.
ઉમરગામ ખાતે થોડા દિવસ પહેલા ધારાસભ્ય રમણલાલ પાટકરના હસ્તે નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વાંકી ચૂંકી ગોળાઈ ધરાવતા આ બ્રિજ પર કોઈ મોટો અકસ્માત ના થાય, લોકોની ઉપયોગીતા માટે બ્રિજ મહત્વનો સાબિત થયા તેવી પ્રાર્થના ભગવાન પાસે કરી હતી. પણ જે ભગવાનને ગમે તે કરે તે કહેવત મુજબ ગુરુવારે સાંજે બ્રિજ પર અકસ્માત થયો હતો. જેમાં ભગવાને બાઇક ચાલકનો જીવ બચાવતો ચમત્કાર કરી પાટકરની પ્રાર્થના જાણે કબૂલી લીધી હતી.

ગુરુવારે સાંજે એક બાઇક ચાલક મોંઘી બાઇક લઈને ઓવરસ્પીડ માં બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે બ્રિજ ઉપરના વળાંકને કાપવામાં બાઇક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. અને બાઇક સીધું બ્રિજના ડિવાઈડર સાથે અથડાયું હતું. જેથી બાઇક સવાર બ્રિજ પરથી સીધો નીચે પટકાયો હતો. બાઇક ચાલક નીચે દુકાનના પતરાના શેડ ઉપર પટકાયો હતો. આ દ્રશ્ય જોઈ આજુબાજુના લોકો યુવકની મદદે દોડી આવ્યા હતા. સદભાગ્યે યુવકને કોઈ ગંભીર ઈજા ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
તો, ઘટના નજરે નિહાળનારા કેટલાક લોકોએ યુવકને ઓવરસ્પીડ બાઇક હંકારવા મામલે ટોક્યો હતો. અને રીતસરનો ઉધડો લીધો હતો. ચમત્કારિક રીતે બચી ગયેલ યુવક સોળસૂંબા પૂર્વ થી પશ્ચિમ તરફ આવી રહ્યો હતો જે દરમિયાન બ્રિજના વળાંક પર કાબુ ગુમાવતા દિવાલ સાથે ઘસડાઈ નીચે પટકાયો હતો. જ્યારે તેની બાઇક બ્રિજ પર જ પડી રહી હતી. આ ઘટનાને જોવા લોકટોળુ એકઠું થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *