Friday, October 18News That Matters

રાજસ્થાનમાં કનૈયાલાલની નિર્મમ હત્યા મામલે આરોપીઓને ફાંસી આપવાની માંગ સાથે વાપીના વેપારીઓએ બંધ પાળ્યો

રાજસ્થાનના ઉદયપુરમાં હત્યારાઓએ કનૈયાલાલ નામના યુવકની નિર્મમ હત્યા કર્યા બાદ દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાજસ્થાન પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે હત્યારા આરોપીને Z સુરક્ષા આપવાને બદલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરી વહેલી તકે ફાંસી આપવાની માંગ સાથે વાપીના વેપારી એસોસિએશન દ્વારા વેપાર ધંધા બંધ રાખી આક્રોશ ઠાલવ્યો હતો. 
રાજસ્થાનમાં યુવકની થયેલ નિર્મમ હત્યાના પડઘા વાપીમાં પડ્યા છે. વાપીમાં છીરી રોડ પર આવેલ ચામુંડા એસોસિએશન, ધનલક્ષ્મી એસોસિએશન, બાલાજી એસોસિએશન, બજરંગ એસોસિએશન ના વેપારીઓએ સંપૂર્ણ માર્કેટ બંધ રાખી કનૈયાલાલ ની હત્યા કરનારા હત્યારાઓને ફાંસી આપવાની માંગ કરી હતી.
વેપારી એસોસિએશન ના ઉમરાવસિંગ ઝાલા અને ભુપેન્દ્રસિંગ એ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, કનૈયાલાલ ની હત્યા કરનારા હત્યારોને રાજસ્થાન સરકાર Z સિક્યુરિટી આપી સરકારના નાણાં વેડફી રહી છે. આ હત્યારાઓની સુરક્ષા હટાવી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તેને દોષિત ઠેરવી ફાંસી ની સજા આપવામાં આવે. આ માંગ સાથે તમામ વેપારીઓએ એક દિવસ વેપાર ધંધા બંધ રાખી કનૈયાલાલને શ્રદ્ધાંજલિ અર્પિ હતી.
વેપારીઓએ આક્રોશ ઠાલવ્યો હતો કે, કનૈયાલાલ એક વેપારી હતો. તેમણે સોશ્યલ મીડિયામાં માત્ર એક પોસ્ટ કરી હતી. કોઈ મોટો ગુન્હો નહોતો કર્યો તેમ છતાં તાલિબાની વિચારધારા ધરાવતા તત્વોએ તેની નિર્મમ હત્યા કરી નાખી છે. હત્યા કરનારા અસામાજિક તત્વો હતા. આવી માનસિકતા ધરાવતા વ્યક્તિઓ કોઈપણ સમાજ કે ધર્મના હોય તેમને ફાંસીની સજા થવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના ઉદયપુર ખાતે મૃતક કન્હૈયાલાલ દ્વારા નૂપુર શર્માનું સમર્થન કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી કરી હતી. જે બાદ માપ આપવાના બહાને દુકાનમાં ઘુસી આવેલા બે શખ્સો દ્વારા ઘાતક હથિયાર વડે 26 જેટલા ઘા ઝીંકી કન્હૈયાલાલને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે અંગેનો આરોપીઓ દ્વારા વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *