Sunday, December 22News That Matters

વાપી ટાઉન પોલીસમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીના પતિએ કાર પાર્કિંગ જેવી નજીવી બાબતે વકીલ સાથે મારામારી કરી પોલીસે બન્નેની ફરિયાદ લઈ કાર્યવાહી કરી

વાપી ટાઉન પોલીસ મથકમાં મહિલા કર્મચારી તરીકે ફરજ બજાવતા મહિલાના પતિએ કાર પાર્કિંગ કરવાની નજીવી બાબતે એક વકીલ સાથે મારામારી કરતા ચકચાર મચી ગઇ છે. આ ઘટનામાં બંને પક્ષે એકબીજા સામે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વકીલ અને મહિલા કર્મચારીના પતિની કલમ 151 હેઠળ અટક કરતા વાપી વકીલ મંડળે ટાઉન પોલીસ મથકે જઈ આક્રોશ ઠાલવ્યો હતો. જો કે આ ઘટનામાં આખરે કોર્ટ દ્વારા એક પક્ષના આરોપીઓને જ્યૂડીશયલ કસ્ટડી અને વકીલને જામીન મળ્યા હતાં.
વાપી ટાઉન વિસ્તારમાં પોલીસ મથક પાછળ આઈસ્ક્રીમની દુકાન ધરાવતા મોહનસિંગ રાજપૂતનો વકીલાતની પ્રેક્ટિસ કરતો પુત્ર ભુપેન્દ્ર સિંગ રાજપૂત દુકાન પર પોતાના મિત્ર ભરત ગુપ્તા સાથે બેઠો હતો. ત્યારે કાર લઈને આવેલા આકાશ પરમાર અને તેની સાથેના 2 વ્યક્તિઓએ ગાળાગાળી કરી ભુપેન્દ્ર અને ભરત સાથે મારામારી કરી હતી. જેમાં બંને પક્ષે એકબીજાને માર માર્યો હતો. જે બાદ બંનેએ વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મારામારીની આ ઘટનામાં પોલીસે 151 દાખલ કરી બંનેની અટક કરી હતી. જે બાબતે વકીલ નિર્દોષ હોય અને સામે પક્ષના આકાશ પરમારે તેમની પત્ની પોલીસમાં હોય પોલીસનો રુઆબ બતાવી મારામારી કરી હોવાનો આક્ષેપ કરતા પોલીસ મથકે વકીલોનું ટોળું એકઠું થયું હતું. આ કેસમાં પોલીસ તટસ્થ કાર્યવાહી કરે તેવી રજુઆત વકીલ મંડળ દ્વારા કરવામાં આવી હતી.
જો કે તે બાદ આ કેસમાં વાપી કૉર્ટ માં કેસ દાખલ થતા વાપી કોર્ટે મહિલા પોલીસ કર્મચારીના પતિ અને અન્ય 2 સાગરીતોને જ્યૂડીશયલ કસ્ટડીમાં મોકલવાનો ચુકાદો સંભળાવ્યો હતો. જ્યારે વકીલ ભુપેન્દ્ર સિંગ રાજપૂતને જામીન પર મુક્ત કર્યો હતો. જો કે ઘટનામાં આકાશ પરમાર અને તેના સાગરીતોએ દારૂ પીધેલી હાલતમાં વકીલ ભુપેન્દ્ર સિંગ અને તેના મિત્ર ભરત ગુપ્તાને બેફામ માર માર્યો હોય ભુપેન્દ્ર સિંગ ને ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવાની ફરજ પડી હતી. જ્યાં તેમની તબિયત લથડતા વોમીટ થઈ હતી. જે બાદ તબીબી સારવાર મળતા હાલ સ્વસ્થ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે મારમારીની આ ઘટનાના CCTV ફૂટેજ પણ વાયરલ થયા હતાં. તેમજ વકીલ મંડળે પણ કાયદાકીય લડત આપતા આખરે પોલીસે કોઈની પણ શહેશરમ રાખ્યા વિના પોતાની કાર્યવાહી કરી હતી.વકીલ અને મહિલા પોલીસ કર્મચારીના પતિ વચ્ચે થયેલી આ બબાલ બાદ જિલ્લાભરમાં ચકચાર મચી ગઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *